પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં વેરાવસૂલાતના ખોટા આંકડા દર્શાવી વધુ ગ્રાન્ટ ફાળવવા ભલામણ કરનારા 15 તલાટીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સરકારની સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અંતર્ગત વર્ષ: 2014-15 માટે સહાયક અને પ્રોત્સાહક ગ્રાન્ટ મેળવવા ચાણસ્મા તાલુકાની 46 ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટ ફાળવણી માટેની દરખાસ્ત તાલુકા પંચાયત ચાણસ્માને કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતનું સફાઈ, ગટર વેરાનું માંગણું તથા વસુલાતના ખોટા આંકડા દર્શાવી વધુ ગ્રાન્ટ ફાળવવા ભલામણ કરવામાં આવી હતી.
ચાણસ્મા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટ ફાળવણી અંગેના કેસમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા સાધનિક કાગળો સહ પ્રકરણ જિલ્લાકક્ષાએ મહેકમશાખામાં રજુ કરાયા હતા, જેમાં ધોરણસરની તપાસ કરવા આવશ્યક હોઈ પુનઃ પ્રાથમિક તપાસ સુપ્રત કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યા અનુસાર, જે તપાસ રિપોર્ટમાં 37 ગ્રામ પંચાયતોના 15 જવાબદાર તલાટી કમ મંત્રીઓને પૈકી બે તલાટી કમ મંત્રીને શરતી વયનિવૃત કરવામાં આવ્યા છે. તેમજ અન્ય 13 તલાટી કમ મંત્રીના સામે વાર્ષિક પુરસ્કાર 1(એક)વર્ષ માટે ભવિષ્યની અસર સિવાય અટકાવવાની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જવાબદાર અન્ય તલાટી કમ મંત્રીઓ તથા બીજી કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વર્ષ 2023-24 દરમ્યાન જમીન મહેસુલની વસુલાત બાબતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારીઓની વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવી હતી. જેમાં તાલુકા કક્ષાએથી વસુલાત બાબતે ગંભીરતા દાખવી મહત્તમ વસુલાત થાય તેમ ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવા તેમજ 25%થી ઓછી વસુલાતવાળા તલાટી કમ મંત્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા જણાવાયું હતુ. ત્યારબાદ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીઓની બેઠકમાં પણ જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકામાં તાબાના કર્મચારીઓને ગામદીઠ જવાબદારી સુપ્રત કરી વસુલાત કેમ્પ યોજી ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરી મહત્તમ વસુલાત કરવા જણાવાયુ હતુ.
જિલ્લા કક્ષાએથી રોજેરોજ દૈનિક વસુલાતની દેખરેખ અંગેની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતુ. જમીન મહેસુલ વર્ષ પૂર્ણ થવામાં હોઈ તમામ તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારઓને ગ્રામ પંચાયતો ખાતે કેમ્પ યોજી મહત્તમ વસુલાત કરવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.