ગુજરાતમાં ચાંદીપુરા (વાયરલ એન્કેફેલાઈટિસ) વાયરસનો કહેર હજુ પણ યથાવત છે અને આજે રાજ્યમાં વધુ છ કેસ સામે આવ્યા છે આ સાથે રાજ્યમાં ચાંદીપુરા વાઈરસથી અસરગ્રસ્ત દર્દીઓના કુલ કેસ 124 થયા છે. આજે વધુ 3 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે અને હજુ પણ રાજ્યમાં હાલ 54 દર્દીઓ સારવાર હેઠળ છે.
ઘરોમાં મેલેથિયોને પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરાઈ
ચાંદીપુરા વાઈરસને લઈને રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર હાલ દોડતુ થઈ ગયુ છે અને રાજ્યમાં ચાંદીપુરા વાઈરસને કાબુમાં લેવા અને બાળકોની સુરક્ષાને લઈને વિવિધ કામગીરી પણ શરૂ કરવામા આવી છે ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 4.96 લાખથી કાચા ઘરોમાં મેલેથિયોને પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરાઈ છે અને દર્દીઓના ઘર તેમજ આસપાસના ઘરો મળીને 41,211 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરાઈ છે.
જો કે તેમ છતાં પણ ચાંદીપુરા વાઈરસ ફેલાઈ રહ્યો છે અને વધુ છ કેસ નોંધાવા સાથે કુલ 124 કેસ થઈ ચુક્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ હજુ પણ હાલ રાજ્યની વિવિધ હોસ્પિટોલમાં કુલ મળીને 54 દર્દીઓ દાખલ છે અને 24 દર્દીને રજા અપાઈ છે.
ચાંદીપુરાના વધુ 37 કેસ પોઝિટિવ મળ્યા
જ્યારે ચાંદીપુરા વાઈરસને લીધે વધુ 3 દર્દીના મૃત્યુ થયા છે અને મૃત્યુઆંક કુલ 44 થઈ ગયો છે. ખેડામાં પણ એક બાળકનું મૃત્યુ થયુ છે. રાજ્યમાં સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 3, મહિસાગરમાં 1, ખેડામાં 3, મહેસાણામાં 4, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 1-1 તથા અમદાવાદ કોર્પોરેશન હેઠળ વિસ્તારમાં 3, ગાંધીનગરમાં 1, પંચમહાલમાં 6, જામનગરમાં 1,મોરબીમાં 1, વડોદરા અને બનાસકાંઠામાં 1-1 તથા દ્વારકામાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 તથા કચ્છમાં 1 સહિત ચાંદીપુરાના કુલ 37 કેસ પોઝિટિવ મળ્યા છે.