ખેરાલુ પ્રાંત અધિકારીએ ખેડૂતો સાથે કર્યો વિશ્વાસઘાત!! ખેડૂતોને વિશ્વાસમાં લઈને કામ કરાવ્યા પછી પોતાની વાતથી ફરી ગયા

મનોજ ઠાકોર; સતલાસણા:  ખેરાલુ પ્રાંત અધિકારીએ તે ખેડૂતો સાથે જ વિશ્વાસઘાત કર્યો છે, જેમણે સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે જમીન આપી છે. ગુજરાત સરકારે અંબાજીમાં આવેલા માં અંબાના દર્શન કરવા માટે જનતાને સરળતા રહે તે માટે રેલવેના એક મહત્વપૂર્ણ પ્રોજેર ક્ટને લીલી ઝંડી આપી હતી. આ પ્રોજેક્ટ માટે સતલાસણા તાલુકામાં આવેલા મોટા કોઠાસણા ગામના ખેડૂતોએ હસતા મોઢે પોતાની જમીન પ્રોજેક્ટમાં આપી દીધી હતી.

જોકે, જ્યારે જમીન સંપાદન કરવામાં આવી હતી, ત્યારે તેમાં વૃક્ષો, ટ્યુબવેલ બોરવેલ, કુવા, પાઇપલાઇન, ઉભા પાક, મકાનો તથા અન્ય મિલકતો હોવાના કારણે પ્રથમ એવોર્ડ લેવાનું ખેડૂતોએ ઇનકાર કર્યો હતો. પરંતુ ખેરાલુ પ્રાંત અધિકારીએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે, અન્ય સુધારા સાથે એવોર્ડ આપવામાં આવશે, તેમાં તમામ રહી ગયેલી તમામ મિલકતોનો ઉલ્લેખ કરી દેવામાં આવશે.

ખેરાલુ પ્રાંત અધિકારી ઉપર ભરોસો રાખીને કોઠાસણાના ભોળા ખેડૂતોએ પ્રથમ એવોર્ડ સ્વીકારી લીધો હતો. તે પછી પ્રાંત અધિકારી દ્વારા એજન્સી દ્વારા ફરીથી સર્વે કરાવ્યો હતો પરંતુ તેમાં ખેડૂતોની રહી ગયેલી મિલકતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો. આ રિસર્વેની કામગીરી પણ પૂર્ણ થઇ છે. પાછલા પાંચ મહિનામાં ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને અનેક વખત લેખિતમાં અરજીઓ પણ આપી હતી.

આ તમામ સમયગાળા દરમિયાન પ્રાંત અધિકારીએ ખેડૂતોને વિશ્વાસ અપાવતા રહ્યા હતા કે, તમારૂ કામ થઈ જશે. તેથી ખેડૂતોએ પોતાની જમીનમાં રિડેવલપમેન્ટનું કામ કરવા દીધું હતું. તે છતાં કે તેમની જમીનમાં રહેલી તેમની તમામ હયાત મિલકતનું વળતર લેવાનું બાકી હોવા છતાં ખેડૂતોએ પ્રાંત અધિકારી ઉપર વિશ્વાસ કરીને ખોડદામ સહિતનું તમામ કામ કરવાનો ક્યારેય વિરોધ કર્યો નહતો. આ પાંચ મહિનામાં સમયગાળામાં ખેડૂતોની જમીનમાં રહેલી તમામ મિલકતોનો નાશ થઇ ગયો ત્યારે હવે ખેરાલુ પ્રાંત અધિકારી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, હવે બીજો એવોર્ડ થશે નહીં. ટૂંકમાં કહીએ તો ખેડૂતોને હવે કહેવામાં આવી રહ્યું છે કે, તેમને તેમની રહી ગયેલી મિલકતોનો વળતર આપવામાં આવશે નહીં.

આમ ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયું હોવાના કારણે સતલાસણાના ખેડૂતો ઉપવાસ ઉપર ઉતરીને ગાંધી માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતોએ પોતાનું સંપૂર્ણ વળતર આપવાની માંગણી કરતાં ચીમકી આપી છે કે, જો અમને અમારા હક્કનું સંપૂર્ણ વળતર આપવામાં આવશે નહીં તો અમે સામૂહિક વિલોપન કરીશું. જો કોઈ માનવક્ષતી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રાંત અધિકારીની રહેશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.