વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં વડોદરાવાસીઓની ચિંતામાં વધારો; લોકોને બે રાતોથી ઉજાગરા

વડોદરા શહેર પર પૂરનું સંકટ આજે બીજા દિવસે પણ યથાવત્ છે. વિશ્વામિત્રી નદી હાલ 29.13 ફૂટની ઉપર વહી રહી છે. આથી નદી કાંઠાના વિસ્તારોમાં આવેલા 500થી વધુ ઘરોમાં હજુ 10 ફૂટ પાણી ભરાયેલા છે. પૂરના પાણી ઘરમાં ઘૂસી જતા લોકો બે-બે રાતથી ઊંઘી શક્યા નથી. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી આજે પણ વાહન વ્યવહાર માટે કાલાઘોડા બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે.

ગઈકાલે રાત્રે 12 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 29.33 હતી. જેની સામે આજે વિશ્વામિત્રી નદીની સપાટીમાં નજીવો ઘટાડો થયો છે. જો કે, શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું નથી. જો આજે વરસાદ વધુ પડે તો શહેર પર સંકટ વધી શકે છે અને વરસાદ ન થાય તો વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે ધીમે ઘટાડો થશે.

આજના ડેમની સપાટી હાલ 212.15 ફૂટ છે. જે સપાટી હાલ સ્થિર છે. એટલે કે આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ખાસ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 29.13 ફૂટ છે. જેને પગલે ગઈકાલથી જ શહેરના વડસર, કોટેશ્વર અને અકોટા ગામ પાણીમાં ગરકાવ છે. આ ઉપરાંત પરશુરામ ભઠ્ઠો, કમાટીપુરા, કલ્યાણનગર, જલારામનગર અને સંજયનગર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

આજે પણ આ તમામ વિસ્તારો પાણીમાં જ છે. આ વિસ્તારના રહીશો પાણી ભરાવાની સમસ્યાના કારણે ત્રસ્ત છે. ઘણા લોકોએ પોતાના ઘર છોડી દીધા છે. તો ઘણા લોકો પોતાના ઘરમાં જ ઉપરના માળે જતા રહ્યા છે. જો કે, આ લોકોની મુશ્કેલીનો ક્યારે અંત આવશે તે તેઓ પણ જાણતા નથી.