બનાસકાંઠામાં 100 નંબર બોલી રહ્યો છે સતત વ્યસ્ત; પોલીસથી જનતા સંપર્ક વિહોણી

પાલનપુર: પોલીસ પ્રજાની મિત્ર છે અને લોકો સુધી પોલીસની મદદ વધુમાં વધુ પ્રમાણમાં પહોંચે તેમજ લોકોમાંથી પોલીસનો ડર દૂર થાય અને લોકો વધુમાં વધુ ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસની મદદ મેળવે તે માટે ભવિષ્યમાં અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે.

જો કે, બનાસકાંઠા જિલ્લામાં 100 નંબર ડાયલ કરવામાં આવે તો સતત વ્યસ્ત આવી રહ્યો છે. તેથી કોઇ ઇમરજન્સી સ્થિતિમાં પોલીસને બોલાવવી હોય તો મુશ્કેલી પડી રહી છે. તે ઉપરાંત સમાજમાં ચાલી રહેલા દૂષણો અંગેની માહિતી પણ આપી શકાઇ રહી નથી. તેથી લોક માગણી છે કે સતત વ્યસ્ત રહેતા 100 નંબરની સમસ્યાને દૂર કરવી જોઈએ. બનાસકાંઠા એપી અક્ષયરાજ મકવાણાએ સતત વ્યસ્ત આવતા 100 નંબરની સમસ્યાને દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે પગલા ભરવા જોઇએ.

ઉલ્લેખનિય છે કે 100 નંબર ઉપર કોલ કર્યા બાદ ગણતરીની મિનિટોમાં જ પોલીસ મદદ માટે પહોંચી જાય છે. પોલીસ રાતના આઠ વાગ્યા બાદ મહિ‌લાઓને ઘરે જવા માટે કોઇ મુશ્કેલી હોય તો તેઓ પણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરે તો તેમને ઘરે મૂકવા પણ જાય છે.

આ ઉપરાંત ચોરી કે, છેડતી જેવા બનાવ બને તોપણ તુરંત પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરે તો તુરંત કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસ કન્ટ્રોલ રૂમમાં મોટા ભાગની ફરિયાદ મળી રહી છે તેમાં સરેરાશ છેડતી સંબંધી ફરિયાદોની સંખ્યાં વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત ઘોંઘાટ અને ડી.જે. સંબંધી ફરિયાદ તેમજ ચોરી અને આગ જેવા પણ કોલ આવતા હોય છે. આ ઉપરાંત બિનવારસી ચીજવસ્તુઓના પણ ફોન આવે છે. કન્ટ્રોલ રૂમમાં આવતા તમામ કોલ રેકોર્ડ થાય છે અને જો કોલ મળ્યા બાદ કન્ટ્રોલ રૂમ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવે તો જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે.

જણાવી દઇએ કે 100 નંબર પર ફોન કરનાર વ્યક્તિઓને પોલીસ દ્વારા યોગ્ય જવાબ મળે તે માટે પોલીસ જવાનોને કોલ સેન્ટરમાં ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે. મુશ્કેલીના સમયે પોલીસની મદદ મેળવવા માટે વધુમાં વધુ 100 નંબરનો ઉપયોગ કરવો જોઇએ.

લોકો ગુના સંબંધી વધુમાં વધુ જાણકારી આપી પોલીસને મદદ કરવાની સાથે સાથે સમાજ ઉપયોગી કામ પણ કરી શકે છે. તમે આપેલી સાચી માહિ‌તી સંબંધે જો કોઇ કાર્યવાહી ન થાય તો જવાબદાર કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવે છે.