અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડોના ટેન્ડરો આપવામાં આવે છે ત્યારે મધ્ય ઝોનમાં ઘરે ઘરે કચરો ઉપાડવા માટે ચાલતી ગાડીઓના ફિટનેસ સર્ટીફિકેટ જ રીન્યુ કરવામાં આવ્યા નથી. અમદાવાદના મધ્યઝોનમાં 50 જેટલી ગાડીઓ ફિટનેસ સર્ટિફિકેટ વગર આંટા-ફેરા કરી રહી છે. જણાવી દઇએ કે, આ ગાડીઓમાં ડ્રાઇવર પણ એટલા બધા પાવરફુલ હોતા નથી. તેવામાં કોઈ વ્યક્તિનો જીવ ગાડીના કારણે જશે તો તેની જવાબદારી લેવા માટે એએમસીના સોલિડ વેસ્ટના ચેરમેનને તૈયાર રહેવું પડશે.
એક આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મધ્ય ઝોનમાં કચરો ઉપાડતી 50થી વધુ ગાડીઓના ફિટનેસ પુરા થઈ ગયાને એક વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે. તે છતાં તેના ફિટનેસ આપવા માટે કોઇ જ કામગીરી કરવામાં આવી રહી નથી. આ ગાડીઓમાં ઘણી બધી ગાડીઓની હાલત ખરાબ હોવાની જાણવા મળી રહી છે. તે છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટના ચેરમેન અને અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદે તથ્યકાંડ જેવા 10 લોકોના જીવ લેનાર અકસ્માત પણ દેખ્યા છે. અનેક ગોઝારા અકસ્માત અમદાવાદના રસ્તાઓ ઉપર થઇ ચૂક્યા હોવા છતાં અધિકારીઓ દ્વારા બેદરાકીર દાખવવામાં આવી રહી છે તે એક યક્ષ પ્રશ્ન ઉભો કરી રહ્યો છે. શું અધિકારીઓ ફરીથી કોઈ મોટો અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે? સ્વભાવિક છે કે, અમદાવાદમાં પ્રતિદિવસ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. તેવામાં ફિટનેસ વગરની ગાડીઓ રસ્તાઓ ઉપર દોડશે તો અનેક લોકોના જીવ માટે તે જોખમકારક છે. તેમાંય ખાસ કરીને શાળામાં જનારા બાળકોની સુરક્ષાને લઈને વર્તમાનમાં અનેક પ્રશ્ન ઉઠી રહ્યાં છે, તેવામાં આ ફિટનેસ વગરની ગાડીઓ બાળકોને પોતાની ચપેટમાં લેશે નહીં તેવી બાંહેધરી કોણ લેશે?
આમ તો અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસ સામાન્ય જનતા પાસે તો એક દિવસ અગાઊ પીયૂસી પુરી થઈ ગયેલ હોય તો પણ તરત જ મસમોટો દંડ લેતા હોય છે. ત્યારે નરી આખે દેખાતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ગાડીઓ ફીટનેસ વગર જ દોડતી હોવા છતાં કોઈ જ પગલા ભરવામાં આવી રહ્યા નથી. સોલિડ વેસ્ટના ચેરમેનને પ્રશ્ન પૂછતાં તેઓએ મૌન ધારણ કર્યું છે. આ અંગે તેમણે કંઇપણ કહેવાથી ઇન્કાર કરી દીધો છે. ઉલ્લેખનિય છે કે, અધિકારીઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે ઉઠાવતા નથી અને અંતે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ જેવી ઘટનાઓ ઘટતી હોય છે.
હવે તે જોવું રહ્યું કે આવી જ રીતે શહેરમાં ફિટનેશ વગરની ગાડીઓ રાક્ષસની જેમ અમદાવાદના રસ્તાઓ ઉપર દોડતી વખતે કોઈ બાળક કે યુવકને ઝપેટમાં લેશે તો કોણ જવાબદારી લેવા માટે સામે આવે છે? કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની જવાબદારી લેવા માટે અધિકારીઓને તૈયાર રહેવું પડશે.