નગરપાલિકાની ખરાબ કામગીરીનો ભોગ બની પાલનપુરની જનતા; અડધા કલાકના વરસાદે પાલનપુર પાણીમાં ગરકાવ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં વરસાદના લાંબા વિરામ બાદ સોમવારે કેટલાક તાલુકાઓમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. પાલનપુરમાં અડધો કલાકની ધોધમાર વરસાદે પાલનપુર શહેરની સ્થિતિ કફોડી કરી નાંખી હતી. અડધો કલાક પડેલા વરસાદને લઈ રસ્તા ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નહોવાના કારણે માત્ર અડધા કલાકની વરસાદના કારણે પાલનપુરની સ્થિતિ કફોડી બની ગઇ છે. જો વધારે વરસાદ આવે તો પાલનપુરવાસીઓને આર્થિક રીતે મોટું નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે.

પાલનપુરમાં પોણા ઇંચ વરસાદ સિવાય વડગામમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે બાકીના તાલુકાઓ સામાન્ય વરસાદ રહ્યો હતો. જ્યારે વડગામમાં 13, દાંતામાં 9 અને લાખણીનો 8 મીમી વરસાદ સહિત અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.

પાલનપુર જહાનારા બાગ સામે પોલીસ હેડક્વોટર  જવાના રસ્તા ઉપર રોડની બંને સાઈડે પાણીનું સમ્રાજય;પાણીનો કોઈ નિકાલ નહીં

જો કે, પાલનપુર નગરપાલિકાની થર્ડ ક્લાસ કામગીરીની પોલ અડધા કલાકના વરસાદે ખોલી નાંખ્યો છે. એક અડધા કલાકની વરસાદમાં પાલનપુરની સ્થિતિ આટલી ખરાબ થઇ જતી હોય તો વધારે વરસાદ પડે તો પાલનપુરવાસીઓનું જીવન ખતરામાં મૂકાઇ શકે છે. વિદ્યામંદિર બાજુમાં કાનુભાઈ હોલ સામે પાલનપુર પોલીસ હેડક્વોટર જવાના રસ્તા ઉપર પાણી ભરાઇ ગયા છે. આ પાણીના નિકાલનો પણ કોઈ જ રસ્તો નથી. વિદ્યાર્થીઓ સહિતની જનતાની ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વિદ્યામંદિર શાળાએ જતા રોડ ઉપર પાણી ભરાઇ ગયું

પાલનપુરમાં બેચરપુરા વિસ્તારમાં વરસાદી પાણીના કારણે એક સ્વીફ્ટ ગાડી નાળામાં ખાબકી હતી. આ ગાડીને કાઢવા માટે તાત્કાલિક ધોરણે ગાડી માલિકે કેન બોલાવીને નાળામાંથી બહાર કઢાવી હતી.