વાયનાડમાં 3 ભૂસ્ખલનથી મોટી તબાહી; 54 લોકોના મોત, આર્મી-નેવી કરી રહી છે રેસ્ક્યૂ

કેરળના વાયનાડમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. ભારે વરસાદ બાદ ત્રણ ભૂસ્ખલનની ઘટનાથી ભારે તારાજી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 54 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં કેટલાક બાળકો પણ સામેલ છે. આ સ્થળોએ હજુ 250 જેટલા લોકો દબાઈ ગયા હોવાના પણ અહેવાલ છે, જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશનમાં આર્મી અને નેવીની પણ મદદ લેવામાં આવી રહી છે. આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાને શોક વ્યક્ત કરીને વળતરની જાહેરાત કરી છે.

ભૂસ્ખલન થતાં 100થી વધુ લોકો દટાયાની આશંકા

કેરળમાં અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે (30 જુલાઈ) વહેલી સવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે તબાઈ સર્જાઈ છે. મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 50 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA)ના જણાવ્યાનુસાર બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ ટીમોને મોકલવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન માટે સ્થાનિક તંત્રની સાથે આર્મી અને નેવી પણ જોડાઈ ગઈ છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.

16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

કેરળના મુખ્ય સચિવ વી વેણુએ જણાવ્યું કે લગભગ 2-3 વખત ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ દુર્ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. આજે રાજ્યના મંત્રી દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ શકે છે.

PM મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા વળતરની પણ જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છેકે ‘વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનથી દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમના માટે હું પ્રાર્થના કરું છું. તમામ અસરગ્રસ્ત લોકોને મદદ હાલમાં ચાલી રહી છે.’ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.

કેન્દ્ર સરકારે વળતરની જાહેરાત કરી

વડાપ્રધાન મોદીએ દુર્ઘટના પર વળતરની પણ જાહેરાત પણ કરી છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, ‘વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તોને વળતર તરીકે 50,000 રૂપિયા આપવામાં આવશે.’