દેવાંગ આચાર્ય; અમદાવાદ: લોકસભાની ચૂંટણી દરમિયાન કમલમમાં ગાડીઓની જરૂર હોવાનું કહીને અનેક લોકો પાસેથી ગાડીઓ ભાડે લઇને ભાજપના બક્ષીપંચના નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હતી. જે અંગે ગુનો નોંધવામાં આવતા ક્રાઇમબ્રાંચે તેની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. જેમાં તેણે અત્યાર સુધી 76 જેટલી ગાડીઓ ભાડે લઇને અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં ગીરવે મુકી હતી. જે પૈકી પોલીસે 35 કાર જપ્ત કરી હતી.
પ્રિન્સના પિતા ભાજપના બક્ષીપંચના નેતા હોવાના કારણે સમાચાર આગની જેમ મીડિયામાં ફેલાઇ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે પ્રિન્સની અટકાયત કરીને વધારે પૂછપરછ હાથ ધરી તો અનેક ખુલાસાઓ થયા હતા. પ્રિન્સ દ્વારા દેવું વધી જવાના કારણે ગાડીઓ ગીરવે મૂકવાની વાત સામે આવી હતી, તેની સાથે-સાથે અન્ય સુત્રધારના નામોના સામે આવતા જ એવું લાગી રહ્યું છે કે, આ કેસમાં તો પોતે પ્રિન્સને પણ અંધારામાં રાખવામાં આવ્યો છે. પડદા પાછળ એક એવું ષડયંત્ર રચવામાં આવ્યું કે મેન વિલન પ્રિન્સ દેખાય પરંતુ તેનો માસ્ટર માઇન્ડ કોઇ બીજો જ હોય? દેવાદાર પ્રિન્સ ષડયંત્રને સમજવામાં નિષ્ફળ ગયો અને તેના ખભે બંદૂક રાખીને અન્ય માસ્ટર માઇન્ડે ચલાવી દીધી હોવાનું ચિત્ર દેખાઇ રહ્યું છે.
પ્રિન્સ તો એક માત્ર પ્યાદો
પ્રિન્સના ખભા ઉપર બંદૂક રાખીને મસમોટું કૌભાંડ કરનારાઓમાં અન્ય કેટલાક નામો આગામી સમયમાં સામે આવી શકે છે. કેમ કે, આ કૌભાંડમાં પ્રિન્સ સાથે રહેલો મુખ્ય સુત્રધાર ઇમરાન અને તેના અન્ય સાગરિતો ફૈઝાન, અયાન, મોઇન, નદીમ, અબરાર હજું પણ ક્રાઇમ બ્રાન્ચની પક્કડથી દૂર બનેલા છે. તો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે, પ્રિન્સને ગણતરીના ક્લાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો, તો પછી ઇમરાન સહિત તેના સાથીઓ કેમ ક્રાઇમ બ્રાન્ચની પક્કડથી દૂર છે? આ તમામ આરોપીઓને કોણ બચાવી રહ્યુ છે. આ તમામ આરોપીઓને કેમ બચાવવામાં આવી રહ્યા છે. કેમ કે જો આ આરોપીઓ હાથમાં આવી જાય તો ગાડીઓનું કૌભાંડ આચરનારા માસ્ટર માઇન્ડની પોલ ખુલી જાય તેમ છે? કેમ કે અત્યાર સુધી તે પડદા પાછળથી જ કામ કરતો આવ્યો છે.

પોલીસ ખાતાના વિશ્વસનિય સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પોલીસની પક્કડથી દૂર બનેલા તમામ આરોપીઓ એક પોલીસ અધિકારીઓના સગાસંબંધીઓ હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ પોલીસ અધિકારી પોતે ક્રાઇમ બ્રાન્ચમાં એક મોટી પોસ્ટ પર ફરજ બજાવી રહ્યો છે. આ કેસમાં માસ્ટર માઇન્ડ આરોપીઓને બચાવવાનું કામ આ પોલીસ અધિકારી પડદા પાછળ રહીને કરતો હોવાની જાણકારી વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહી છે. જણાવી દઇએ કે, ગાડીઓ પણ માસ્ટર માઇન્ડના સગાસંબંધીઓના ઘરો સુધી પહોંચી ગઈ હતી.
વિશ્વસનિય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાડી માલિકોને મળવાથી લઈને ગાડીઓ ઉપરોક્ત ઇસમોને આપવા સુધીની કામગીરી એક પોલીસ સ્ટેશનના વહીવટદાર પાસે કરાવવામાં આવી હતી. આ ગાડીઓ ગીરવે મૂકી હોવાની વાત પણ ઉપજાવી કાઢેલી હોય તેવું દેખાઇ રહ્યું છે કેમ કે, કેટલીક ગાડીઓ તો માસ્ટર માઇન્ડના સગાસંબંધીઓ પાસે જ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો- હિન્દૂ હિતની વાતો કરનાર ભાજપ સરકારમાં કરોડો બાળકોનું ભવિષ્ય ધૂળધાણી?
આ કેસમાં મુખ્ય સુત્રધારની ભૂમિકા સામે ન આવે તેથી ક્રાઇમ બ્રાન્ચનો એક પોલીસ અધિકારી રાત-દિવસ દોડધામ કરી રહ્યો હોવાની જાણકારી વિશ્વસનિય સુત્ર પાસેથી મળી રહી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ પોલીસ અધિકારીની બદલી એક મહિના પહેલા SC-ST સેલમાં થઇ હોવા છતાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસના આંટા-ફેરા છોડ્યા નથી. મહત્વપૂર્ણ બાબત તે છે કે, એક મહિના પહેલા બદલી થઇ હોવા છતાં હજું સુધી નવા ખાતામાં ચાર્જ સંભળાવાની જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસની જ ખાક ખોદી રહ્યો છે. કેમ? શું માસ્ટર માઇન્ડ તે પોતે છે કે, તેના સગાસંબંધી માસ્ટર માઇન્ડ છે? તે પોલીસ અધિકારીની શંકાસ્પદ કામગીરીને જોતા પ્રશ્ન ઉદ્દભવે તે સ્વભાવિક છે.

તો બીજી તરફ આ આખા ષડયંત્રના રચેતા ઇમરાન, અબરાર, ફૈઝલ અને અયાન હોવાની શંકામાં પણ વધારો થઈ રહ્યો છે. કેમ કે ગાડી માલિકો પાસેથી બધી જ ગાડીઓ લેવા માટે તેઓ પોતે જ આવ્યા હોવાના પુરતા પૂરાવા ઉપલબ્ધ છે. આ કૌભાંડ મીડિયા થકી બહાર આવ્યા પછી ગાડી માલિકોને પોતાની ગાડીઓનો ચોક્કસ એડ્રેસ મળ્યો તે છતાં પણ તેઓ ત્યાંથી ગાડીઓ લાવી શક્યા નહતા. જેવી રીતે અભિમન્યુ માટે ચક્રવ્યૂ ગોઠવવામાં આવ્યો હતો, તેવી જ રીતે ગાડીઓના માલિકોને બધી જ રીતે લૂટી લેવાનું માસ્ટર પ્લાન બનાવવામાં આવેલું હતુ. તેથી ગાડીઓ પોતાની નજરો સામે હોવા છતાં તેઓ કંઇ જ કરી શકતા નહતા. ગાડી માલિકો મહેસાણા જિલ્લાના એક ગામડે જઈને ખાલી હાથે પરત આવવું પડ્યું હતું. આ દરમિયાન ગાડી માલિકોને કહેવામાં આવ્યું કે, અમે ગાડી ગીરવે લીધેલી છે, તેથી અમારા પૈસા વહીવટદાર સુધી પહોંચતા કરવામાં આવશે તો એકાદ-બે કલાકમાં ગાડી તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે.
એક વખત ફરીથી વહીવટદારની સક્રિય ભૂમિકાનો પુરાવો સામે આવ્યો હતો. તેથી માસ્ટર માઇન્ડ કોણ તે અંગે તપાસ કરવી જરૂરી છે. કેમ કે જ્યારથી કૌભાંડ આચરવાની શરૂઆત થઇ ત્યારથી લઈને ગાડીઓ માલિકોને પરત આપવાની વાત સુધીમાં એક વહીવટદાર સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે. તો પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે કે, શું આ વહીવટદાર કોઈ અધિકારીના કહેવાથી ભૂમિકા ભજવી રહ્યો છે? કે તે પોતે જ કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે?

તેથી જો આ કેસમાં યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તો કંઇક એકદમ અલગ જ ચિત્ર સામે આવી શકે છે. કેમ કે, ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી થઇ હોવા છતાં કચેરીમાં આંટા ફેરા કરનાર અધિકારી પોતાના જ આખા વિભાગને અંધારામાં રાખવાનું કામ કથિત રીતે કરી તો નથી રહ્યો ને? તે એક તપાસનો વિષય છે. શું પોલીસ અધિકારી પોતે તો માસ્ટર માઇન્ડ નથી ને? શું પોતાના સગાસંબંધીઓ પાસે મસમોટું કૌભાંડ કરીને તેમને બચાવવાની વેતરણમાં છે ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી?
આ બધા પ્રશ્નનો જવાબ મળવો જરૂરી છે. કેમ કે આ કૌભાંડ બહારથી મિસ્ત્રીને મુખ્ય આરોપી ગણાવે છે પરંતુ અંદર ખાને તપાસ કરવામાં આવે તો ડૂંગળીની જેમ અનેક પડ ઉતરતા દેખાઇ રહ્યા છે. આ એક ઓનિયન કૌભાંડ છે. જેના પડ ઉતારવા જરૂરી છે. આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ ખાતાને હવે પોતાના વિભાગના અધિકારી સહિતના પોતાના સ્ટાફના કેટલાક લોકો ઉપર પણ નજર ફેરવવી પડશે.
આ પણ વાંચો- રાજ્યમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી; અમદાવાદમાં વરસાદી માહોલ
જણાવી દઇએ કે, આ માસ્ટર માઇન્ડ પ્લાન વિશે અમદાવાદ પોલીસ બેડાના ઉપરી અધિકારીઓ પણ અજાણ છે. તેથી મિસ્ત્રી ઉપર દબાણ લાવવામાં આવી રહ્યો છે કે, આ તમામ કૌભાંડનો આરોપ તે સ્વીકારી લે. તો મિસ્ત્રીને પણ ખ્યાલ નથી કે તે પોતે પણ એક પીડિત છે… તો અમદાવાદ પોલીસે જો હવે યોગ્ય દિશામાં તપાસ કરે તો એક નવો જ માસ્ટર માઇન્ડ બહાર આવે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.