ગુજરાતના લોકો વિજળીના લાઇટબિલથી છૂટકારો મેળવવા અને ઉનાળામાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં કોઈ જ ચિંતા વગર એસીનો ઉપયોગ કરવા માટે ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવા તરફ વળ્યા છે. દેશના તમામ રાજ્યો કરતાં ગુજરાત સોલાર લગાવવામાં પ્રથમ નંબરે ચાલી રહ્યું છે. તો જણાવી દઇએ કે, કેન્દ્ર સરકાર પણ સોલાર રૂફટોપ લગાવવા માટે મસમોટી સબસડી આપી રહ્યું છે, તેથી ગુજરાતીઓમાં સોલાર લગાવવાની હરિફાઇ લાગી છે. ગુજરાતના લોકો સોલાર લગાવીને લાઇટબિલને અલવિદા કહી રહ્યા છે.
દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 6.64 લાખ ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ, જૂન 2024 સુધી દેશના રહેણાક વિસ્તારમાં કુલ 9.76 ઘરો પર સોલાર રૂફટોપ લાગાવાયાં છે. જેમાંથી 68% ઘરો માત્ર ગુજરાતમાં છે. દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 3.11 લાખ ઘરો પર સોલાર પેનલ છે.
આ તમામ રાજ્યો કરતાં ગુજરાતમાં બમણાં કરતાં પણ વધુ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે. રાજ્યના રહેણાંક વિસ્તારમાં 2595 મેગાવૉટ સોલાર રૂફટોપ ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે દેશના રહેણાંક વિસ્તારમાં સ્થાપિત સોલાર રૂફટોપની ક્ષમતા 4077 મેગાવૉટ છે. રહેણાંક વિસ્તાર સહિત દેશમાં કુલ સોલાર ઉર્જાની ક્ષમતા 85 હજાર મેગાવૉટ છે. સૌથી વધુ રાજસ્થાનમાં 22 હજાર અને ગુજરાતમાં 14 હજારથી વધુ મેગાવટ સોલાર ઉર્જા ઉત્પાદનની ક્ષમતા છે.
9 રાજ્યમાં 10 હજારથી ઓછા ઘર પર સોલાર પેનલ છે. જેમાં પંજાબ, ઉત્તરાખંડ, કર્ણાટક, દિલ્હી, બિહાર જેવા રાજ્ય સામેલ છે. 9 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે કે જ્યાં 100થી ઓછા ઘરો પર સોલાર રૂફટોપ છે. જેમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, સિક્કિમ જેવા રાજ્યો સામેલ છે. ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, ગોવામાં 100થી 1000 ઘરો પર સોલાર પેનલ છે. મધ્ય પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને હરિયાણામાં 12 હજારથી 18 હજાર ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે.
જણાવી દઇએ કે, ઘર ઉપર સોલાર લગાવવા માટે કેન્દ્ર સરકાર 78000 રૂપિયા સુધીની સબસીડી કરી આપે છે. તો સોલાર માટે સરળ હપ્તે અનેક બેંકો લોન પણ સરળતાથી આપી રહી છે. તેથી ગુજરાતમાં સોલાર લગાવવવાનું પ્રમાણ પ્રતિદિવસ વધી રહ્યુ છે.