શું અમદાવાદમાં વહીવટદાર પ્રથાએ પોલીસની ભૂમિકામાં કર્યો છે નકારાત્મક ફેરફાર?

દેવાંગ આચાર્ય; અમદાવાદ:  અમદાવાદમાં પોલીસ વિભાગમાં વહીવટદાર પ્રથાએ પોલીસની ભૂમિકામાં ધરખમ ફેરફાર કરી દીધો છે. એક સમય હતો કે, પોલીસ ગુનાખોરી ન થાય તે માટે તત્પરતાપૂર્વક કામ કરતી હતી. પરંતુ અત્યારે તો ગુનાહિત પ્રવૃતિ પછી વહીવટદારનું કામ શરૂ થતું હોવાના કારણે પોલીસની કામગીરીને લઇને એક અલગ જ ચિત્ર સામે આવી રહ્યું છે.

અમદાવાદના 60 લાખથી વધુ વસ્તી નાગરિકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી, અમદાવાદ સિટી પોલીસ ફોર્સની મુખ્ય જવાબદારી છે. પોલીસ કમિશનર અમદાવાદ સિટી પોલીસ ફોર્સના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. અસરકારક દેખરેખ અને ગુનાની દેખરેખ અને વહીવટમાં સરળતાથી અમદાવાદ શહેરને બે ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, સેક્ટર -1 અને સેક્ટર -2,

સંયુક્ત પોલીસ કમિશનર / પોલીસના અધિક કમિશ્નર સેક્ટર -1 અને સેકટર-2 ના વડા તરીકે કાર્ય કરે છે. અમદાવાદ સિટી કમિશનર વિસ્તાર સાત ઝોનમાં વહેંચાયેલું છે. સાત ઝોન માથી ઝોન નંબર 1 થી 3 અને 7 સેક્ટર -1 હેઠળ અને ઝોન નંબર 4 થી 6 સેક્ટર -2 હેઠળ આવે છે. પોલીસના ડેપ્યુટી કમિશનરના ક્રમના અધિકારી દરેક ઝોનના વડા તરીકે કાર્ય કરે છે. દરેક ઝોન વિભાગોમાં વહેંચાયેલું છે. બધામાં 14 વિભાગો છે. સહાયક કમિશનર ઑફ પોલીસના રેન્કના અધિકારી દરેક વિભાગના વડા તરીકે કાર્ય કરે છે.

દરેક પોલીસ સ્ટેશનના વડા તરીકે દરેક વિભાગ અને પોલીસ ઇન્સ્પેકટર કાર્યોના દરજ્જાના અધિકારીમાં લગભગ બે થી ચાર પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદ શહેરમાં 47 પોલીસ સ્ટેશન આવેલા છે. દરેક પોલીસ સ્ટેશનમાં ચારથી છ પોલીસ ચોકીઓ છે અને પોલીસ ઉપ-નિરીક્ષક દરેક પોલીસ ચોકની ઇનચાર્જ તરીકે કાર્ય કરે છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જનતાના રક્ષણ માટે અને તેમના હિતો સચવાય તે માટે ઉપરોક્ત રહેલી મસમોટી સિસ્ટમ બનાવવામાં આવી છે. પોલીસ વિભાગમાં કામ કરતાં કર્મચારીઓના પગાર સહિત અન્ય કરોડો રૂપિયાનો ખર્ચો સરકાર કરી રહી છે. પરંતુ આ તમામ સિસ્ટમને વર્તમાન સમયમાં વહીવટદારી પ્રથાએ ફેલ કરી દીધી છે. વહીવટદારી પ્રથા પોલીસ વિભાગની સક્રિય કામગીરી ઉપર પાણી ફેરવી રહ્યુ છે. આ વહીવટદારી પ્રથાના મૂળ ધીમે-ધીમે ગાંધીનગરના ઘરો સુધી વિસ્તરી રહ્યા છે.

દરેક પોલીસ સ્ટેશનમાં રાઇટર, ડી-સ્ટાફ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ જેવા કર્મચારીઓનું કામ નક્કી હોય છે. તો પછી પોલીસ સ્ટેશનમાં વહીવટદારનું શું કામ? ગૃહ વિભાગ પોલીસ સ્ટેશનને તેના કામની જરૂરિયાત પ્રમાણે અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂંક કરતું જ હોય છે. તો પછી વહીવટદાર નિમવાની શું જરૂરત પડી રહી છે?

અમદાવાદ તમામ પોલીસ સ્ટેશનોમાં રહેલા વહીવટદાર શું કામ કરી રહ્યા છે, તેનો રિપોર્ટ પોલીસ સ્ટેશને ગૃહ વિભાગને આપવો જોઈએ. રિપોર્ટમાં જણાવવું જોઈએ કે તેમણે વહીવટદાર તરીકે પોલીસ કર્મચારીને રાખવાની શું જરૂરત પડી છે. વહીવટદારી પ્રથાના કારણે જનતાના હિતના કામો પર ક્યાંકને ક્યાંકને નકારાત્મક અસર થતી હોવાનું દેખાઇ રહ્યું છે.

કેમ કે વહીવટદાર સામાન્ય જનતાને ન્યાય અપાવવામાં રસ દાખવવાની જગ્યાએ પોતાના ખિસ્સા ભરવામાં માનતો હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે. ઉલ્લેખનિય છે કે, શિવાનંદ ઝાએ એક સમયે વહીવટદારી પ્રથા બંધ કરવા માટે 118 વહીટવદરોની જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ક્રાઈમ અને એકાઉન્ટ રાઈટર હેડ તરીકે નિમણૂક કરી દીધી હતી. પરંતુ પોલીસ સ્ટેશનોએ વધારાની કમાણી કરાવવા માટે વહીવટદારી પ્રથાને જીવંત રાખી છે.

તો પશ્ન ઉભા થઇ રહ્યા છે કે વહીવટદારની નિમણૂક કેમ કરવામાં આવે છે? પોલીસ સ્ટેશનમાં વહીવટદાર શું કામ કરે છે? તો અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનો સહિત જે અધિકારીઓ પોતાના વહીવટદાર રાખે છે તેમણે જણાવવું જોઇએ કે તેમના વહીવટદાર શું કામ કરી રહ્યા છે? શું વહીવટદારની ડ્યુટી અંગેની જાણ ગૃહવિભાગ, મંત્રી કે કમિશ્નર સાહેબ ને છે ખરી?