ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકમાં મેઘ મહેર થઈ છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં 7.24 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઈમાં 6.25 ઈંચ, કપરાડા, ડોલવાન અને ધરમપુરમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ ચોમાસાની વર્તમાન સિઝનમાં રાજ્યમાં સરેરાશ 62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
અમદાવાદમાં શનિવારે (ત્રીજી ઓગસ્ટ) મેઘ મહેર યથાવત રહી હતી.શહેરના મોટાભાગના વિસ્તારમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદની શરુઆત થઈ હતી. રામોલમાં 3 ઈંચ, મણિનગર, વટવામાં 2-2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. બોડકદેવ, સાયન્સ સીટી, ગોતા અને ચાંદલોડિયા સહિંત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ચોથી ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટની આગાહી
રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.