થરાદ-ડીસા, મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોર વિશે તમે શું જાણો છો? ક્લિક કરીને મેળવો જાણકારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બીજી ઓગસ્ટે મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીની બેઠકે દેશમાં કુલ રૂ. 50,655 કરોડના વિવિધ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટને મંજૂરી આપી છે. જેમાં થરાદથી અમદાવાદ સુધીના 214 કિ.મી.ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈસ્પીડ કોરિડોર માટે રૂ. 10,534 કરોડ આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ મંજૂર કર્યા છે, ત્યારે આજે 3 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી આપવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત માન્યો છે.

થરાદ, ડીસા, મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોર માટે મંજૂરી આપીને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ સાથે કનેક્ટિવિટીની મહત્વપૂર્ણ દિશા ખોલી આપી છે, તેમ મુખ્યમંત્રીએ વડાપ્રધાન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે.

ચાર જિલ્લામાં વિકાસને વેગ મળશે

વડાપ્રધાને ભારતમાલા પરિયોજનામાં એક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટસ અન્વયે થરાદથી અમદાવાદ સુધીના 514 કિ.મી.ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર માટે રૂ. 10,534 કરોડ મંજૂર કર્યા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાંથી પસાર થનારા આ હાઈસ્પીડ કોરિડોરના નિર્માણથી રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે.

ફાર્મા, ઈલેક્ટ્રોનિક્સ ક્લસ્ટર્સ અને SEZને કનેક્ટિવિટી આપશે

તેમણે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીનો પણ ગુજરાતને આ માતબર રકમ મંજૂર કરવા માટે આભાર દર્શાવતા ઉમેર્યુ છે કે, આ કોરિડોર ફાર્મા, ઈલેક્ટ્રોનિક્સ ક્લસ્ટર્સ અને એસ.ઈ.ઝેડ. સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને બહેતર કનેક્ટિવિટી આપશે. એટલું જ નહીં, માલસામાનના પરીવહન ખર્ચમાં ઘટાડો અને સમયમાં બચત પણ થશે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભારતમાલા પરિયોજના ફેઝ-1 અન્વયે અમૃતસરથી જામનગર સુધી સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વેનું નિર્માણ હાથ ધરાઈ રહ્યું છે. આ આર્થિક કોરિડોર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે. તેમજ અમૃતસર અને મુંબઈ વચ્ચે એક્સપ્રેસ-વે કનેક્ટિવિટી પૂર્ણ કરવા માટે અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરને ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે દ્વારા અમદાવાદ સાથે જોડવાની જરૂરિયાત છે.

સિક્સ લેન થરાદ- ડીસા- મહેસાણા – અમદાવાદ નેશનલ હાઈ-સ્પીડ કોરિડોર

214 કિ.મી. 6-લેન હાઈ-સ્પીડ કોરિડોરને બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર (BOT) મોડમાં વિકસાવવામાં આવશે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 10,534 કરોડ છે. થરાદ-અમદાવાદ કોરિડોર ગુજરાત રાજ્યમાં બે મુખ્ય રાષ્ટ્રીય કોરિડોર-અમૃતસર-જામનગર કોરિડોર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વચ્ચે કનેક્ટિવિટી પ્રદાન કરશે. જેનાં પરિણામે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનાં ઔદ્યોગિક વિસ્તારોમાંથી ઉદ્ભવતા માલવાહક વાહનોને મહારાષ્ટ્રનાં મુખ્ય બંદરો (જેએનપીટી, મુંબઈ અને નવા મંજૂર થયેલા વઢવાણ બંદર) સુધી સતત જોડાણ પ્રદાન થશે. આ કોરિડોર રાજસ્થાનનાં મુખ્ય પ્રવાસન સ્થળો (ઉદાહરણ તરીકે, મેહરાનગઢ કિલ્લો, દિલવાડા મંદિર વગેરે) અને ગુજરાત (દા.ત. રાણકી વાવ, અંબાજી મંદિર વગેરે)ને પણ કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેનાથી થરાદ અને અમદાવાદ વચ્ચેનું અંતર 20 ટકા અને મુસાફરીના સમયમાં 60 ટકાનો ઘટાડો થશે, જેથી લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો થશે.