- જુદા જુદા કાંડમાં અન્ય જીલ્લામાં હાંકી કઢાયેલા રીઢા પોલીસવાળા અમદાવાદમાં જ પડ્યા પાથર્યા રહેતા હોવાનો આક્ષેપ
- જે તે રેન્જ આઇજીપી અને એસપીને પોલીસ કમિશનર ઓફીસમાંથી આ પોલીસવાળાની રજા તેમજ તેમની પ્રવૃત્તિ પર ખાસ વોચ માટે સુચન કરાયા
અમદાવાદ: અસામાજીક તત્વો સાથે સીધી- આડકતરી સંડોવણી તથા પોલીસની ઇમેજ પર ડાઘ લગાવે તેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા સંખ્યાબંધ પોલીસવાળાઓને અમદાવાદ પોલીસ કમિશનર અને રાજ્યના પોલીસવડાએ અમદાવાદથી હાંકી કાઢ્યા હતા. આ કુખ્યાત પોલીસવાળાઓને જીલ્લા બહાર બદલી કરી દેવામાં આવી હોવા છતાં તેઓ અમદાવાદમાંજ પડ્યા પાથર્યા રહેતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. જેને પગલે એક જાગૃત નાગરિક દ્વારા શહેરના ધારાસભ્યને સંબોધીને લખવામાં આવેલો પત્ર પોલીસ ખાતામાં વાયરલ થયો છે. જો કે આ પત્ર કયા ધારાસભ્યને સંબોધીને લખાયો છે તે સ્પષ્ટ નથી અને પત્ર લખનાર ડો. કલ્પેશ વોરાની વિગતો પણ પ્રાપ્ય થઇ નથી પરંતુ આ પત્રને પોલીસ કમિશર કચેરી દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર કચેરી દ્વારા રાજ્યના રેન્જ આઇજીપી અને એસ.પીને સંબોધીને લખવામાં આવેલા ગુપ્ત પત્રમાં આ ચોક્કસ રીઢા પોલીસવાળાઓની ચોક્કસ કારણોસર તમારા જિલ્લામાં બદલી કરવામાં આવી છે. માટે તેમની કામગીરી અને તેમની રજાઓ અંગે ખાસ વોચ રાખવાના સુચન કરવામાં આવ્યા છે. આટલું જ નહિ આ તત્વો અમદાવાદમાં જ રહેતા હોવાથી તેઓ ફરજ પર હાજર રહે છે કે કેમ તેની પણ તપાસ કરાવવા સુચન કરવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લાના કણભામાં બુટલેગરે એક પોલીસકર્મચારી પર ગાડી ચડાવી દઇ તેની હત્યા કરી હતી. આ ઘટના બાદ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કુખ્યાત બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો હતો. તેના મોબાઇલમાંથી ઘણા પોલીસવાળાઓના નંબર વોટ્સએપ ચેટ અને વહિવટની વાતો સામે આવી હતી. આ ઉપરાંત પણ ઘણા કિસ્સાઓમાં પોલીસની છબી બગાડનાર કુખ્યાત પોલીસવાળાઓની ફરીયાદો પણ સિનિયર અધિકારીઓને મળી હતી. જને પગલે અમદાવાદ પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસવડાએ આવા પોલીસવાળાઓની યાદી તૈયાર કરી હતી અને અમદાવાદમાંથી તેમને અન્ય જીલ્લાઓમાં હાંકી કાઢવામાં આવયા હતા.( આ કામગીરી અન્ય શહેરોના પોલીસવાળાઓ સામે પણ કરવામાં આવી હતી.) શિક્ષાત્મક પગલાં બાદ પણ આ પોલીસવાવાળા અમદાવાદ શહેરના ચોક્કસ પોલીસ મથકોમાંજ પડ્યા પાથર્યા રહેતા હોય છે. જે અંગે ઘણી ફરીયાદો પણ મળી છે. ત્યારે જ આ પત્રને લઇને ફરીથી કુખ્યાત પોલીસવાળાઓનું ભુત ધુણ્યું છે. પોલીસ કમિશનર કચેરીથી પણ આ કુખ્યાત પોલીસવાળા પર વોચ રાખવાનો ગુપ્ત પત્ર લખી દેવામાં આવ્યો છે.
આવો પત્ર વાયરલ થયો છે.
પ્રતિશ્રી
ધારાસભ્યશ્રી
અમદાવાદ શહેર
વિષય અમદાવાદનાં કુખ્યાત વહિવટદારોની આંતર જિલ્લા બદલી કરેલ હોવા છતાં વિસ્તારમાં વહીવટ કરતાં હોય, અમદાવાદ શહેરના કલેક્ટરશ્રી સમક્ષ સંકલન સમિતિની(મહિનાના છેલ્લા શનિવાર)માસિક બેઠકમાં ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે
આપશ્રીને જણાવવાનું કે અમદાવાદ શહેરના કુખ્યાત વહીવટદારો જેવા કે ક્રુષ્ણરાજસિંહ હનુભા, રોહિતસિંહ તેજસિંહ, ઇમરાનભાઈ અબ્દુલભાઈ,કનુભાઈ દેસાઇ,રોનકસિંહ સુરેશસિંહ,ગિરિવતસિંહ જેઠુસિંહ,મુકેશભાઈ શાકભાઈ,યુવરાજસિંહ જશુભા, અજમલભાઈ જકશીભાઈ,વિક્રમસિંહ ઘનજીભાઈ,વિપુલ બાબુભાઇ ચૌધરી,પિયુષ દેસાઇ,મનુભાઈ સવાભાઇ,દિગવિજય ભૂરૂભાને રાજય પોલીસ વડા દ્વારા આંતર જિલ્લા બદલી કરવામાં આવેલ છે, પરંતુ આ તમામ વહિવટદારો હાલ પણ વિસ્તારમાં વહીવટ કરે છે, અને આ વહીવટદારો ઉચ્ચા પોલીસ અધિકારીઓના વહીવટદાર હૉય તેમને પોલીસનું સીધું પીઠબળ મળેલ છે.
રાજ્ય પોલીસ વડાએ ખૂબ તપાસના અંતે આ લોકોને આંતર જિલ્લા બદલી કરેલ હૉય,આ લોકો પોતાની ફરજ પર નામ માત્રના હાજર થયેલ છે, આપશ્રી અમદાવાદ શહેરના ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો,જેથી આ બાબતે કલેકટરશ્રી સમક્ષ સંકલન સમિતિમાં માસના છેલ્લા શનિવારે આપશ્રી ઉપરોક્ત બાબતે તપાસના આદેસ મેળવી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે. ડોં કલ્પેશ વોરા
નાયર બંધુઓ, પોતાની ઇચ્છા થાય ત્યારે જ કોઇ તેમનો સંપર્ક કરી શકે.
સિનિયર આઇપીએસ અધિકારી સહિત ઘણા અધિકારીઓની અંગત કામગીરી સંભાળતા નાયર બંધુઓ પણ અમદાવાદ પોલીસમાં ઘણા પંકાયેલા છે. તેમની નોકરી ગમે ત્યાં હોય પરંતું તે ચોક્કસ પ્રકારની જ કામગીરી કરતા હોય છે. શહેરના અધિકારી પણ ઇચ્છે તો તેમનો સંપર્ક કરી શકે નહિ. વારંવાર નંબર બદલી દેવાનો અને ચોક્કસ લોકોના જ સંપર્કમા રહેતા નાયર બંધુઓની પણ શહેરમાં ઘણી ચર્ચા છે.
