પાલનપુર અંબિકાનગર ભાગ Bમાં પાલિકા દ્વારા વરસાદના પાણીના નિકાલ માટે ભૂગર્ભ ડ્રેનેજ બનાવવામાં આવી છે. જો કે, આ ડ્રેનેજની કામગીરીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાની આશંકા ઉભી થઇ હોવાના કારણે જનતાને પાલિકાના સત્તાધિશોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
અંબિકાનગરથી રામલીલા મેદાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ સોસાયટીના રહીશોએ જણાવ્યું કે આ વિસ્તારમાં વરસાદી પાણીનો કુદરતી રીતે નિકાલ થતો ન હોવાના કારણે વરસાદ વરસ્યા પછી તે પાણી લાંબા સમય સુધી ભરાયેલો રહેતા રહિશોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
આ સમસ્યાને લઈને પાલિકામાં વારંવાર રજૂઆતના લીધે પાણીના કાયમી નિકાલ માટે સરકારની ગ્રાન્ટમાંથી ખાનગી એજન્સીને કામ આપવામાં આવ્યું હતું. વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર બનાવવાની કામગીરી આપવામાં આવેલી હતી. જોકે તે કામગીરી સ્થળ ઉપર પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
એજન્સી દ્વારા ડ્રેનેજ ગટર અંગેની કામગીરી સંતોષકારક રીતે કરવામાં આવી નથી. જેથી કામગીરીનું કમ્પ્લિશન સર્ટીફિકેટ અને યુટીલાઈઝેશન સર્ટીફિકેટ ખરાઈ કરી આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. તે ઉપરાંત એજન્સીનું પેમેન્ટ કરતા પૂર્વ સ્થળ તપાસ કરવા રજૂઆત કરાઇ છે. સ્થળ ઉપર નબળી અને પાણી નિકાલની હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી હોવાના કારણે પુન: વરસાદી પાણીના નિકાલનની સમસ્યામાં સમાધાન આવશે નહીં તેવી રજૂઆત કરવામાં આવી છે.
રહીશો દ્વારા પાલિકાને લેખિતમાં કહ્યું છે કે, ડ્રેનેજ લાઇન અંગેના સ્થળ તપાસ કર્યા પછી જ એજન્સીને તેના બિલની ચૂકવવણી કરવામાં આવવું જોઇએ. તે ઉપરાંત જે-તે સર્ટિફિકેટ પણ યોગ્ય કામગીરી થયા પછી જ આપવું જોઇએ. વર્તમાન સમયમાં એજન્સીએ થર્ડ-ક્લાસ કામ કર્યું હોવાની રાવ ઉભી થઇ છે.