અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને ઓછી કરવા હાઇકોર્ટે રાજ્ય સરકારને આપ્યા સૂચનો; ટૂ-વ્હીલર્સ માટે પણ કરી ટીપ્પણી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે પોતાના એક આદેશમાં ટૂ-વ્હીલર્સને લઈને એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઇકોર્ટે પોતાના આદેશમાં ટૂ-વ્હીલર્સની પાછળ બેસતા સવારો માટે પણ હેલ્મેટ પહેરવાના નિયમનનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રોંગ સાઈડ ઉપર ડ્રાઇવિંગ કરતા લોકોને જાગૃત કરવા માટે સાઈનબોર્ડ સહિતની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારને કડક શબ્દોમાં સૂચના આપી છે.

હાઇકોર્ટે ગંભીરતા પૂર્વક નોંધ લેતા કહ્યું છે કે, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધુ હોવાના કારણે મોટા પ્રમાણમાં અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે. શહેરમાં ટ્રાફિક અંગેનું આયોજન કરતી વખતે હોલિસ્ટિક વ્યુ અપનાવાવાનો મત આપતા તેમણે આ બાબતે વધુ સુનાવણી 15 દિવસ પછી કરવાનું કહ્યું હતું.

કેસની વિગતો મુજબ અમદાવાદમાં પાંજરાપોળ ખાતે બનાવવામાં આવેલા ફલાય ઓવર વિરુદ્ધ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલી જાહેર રીટની સુનાવણી વખતે હાઇકોર્ટે ટ્રાફિકની સમસ્યા, ફ્લાય ઓવર બનાવવા માટેના અણઘડ આયોજન, રોડ અકસ્માતો સહિતની બાબતોએ સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું.

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ અરજદારો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોમાં જણાવવામાં આવ્યું હતું તે અમદાવાદના એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની ભારે સમસ્યા છે.

દરેક ચાર રસ્તા ઉપર વળાંકો સાંકડા હોવાથી તેમજ ઇસ્કોન ચાર રસ્તા સહિતના સ્થળોએ ખાનગી અને સરકારી બસો ઉભી રહેતી હોવાથી અને ત્યાંથી પેસેન્જર ભરાતા હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા રહે છે.

આ બાબતે હાઇકોર્ટે ગંભીરતાથી નોંધ લેતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા મોટા પ્રમાણમાં છે અને વાહન અકસ્માતોની સંખ્યા બાબતે લેટેસ્ટ સર્વે રિપોર્ટ જાણવો જરૂરી છે. અમદાવાદમાં ખૂબ મોટી સંખ્યામાં વાહન અકસ્માતો થાય છે તે પણ હાઇકોર્ટે નોંધ લીધી હતી.

હાઇકોર્ટે કહ્યું હતું કે, ફ્લાય ઓવર અથવા તો શહેરના બીજા આયોજનો ઓફિસમાં બેસીને નહીં પરંતુ નિષ્ણાતો હોય તેવી સંસ્થાના સર્વે રિપોર્ટના આધારે થવા જોઈએ. હાઇકોર્ટે નેશનલ હાઈવે ની સાઇડમાં સર્વિસ રોડ બનાવવા માટે પણ સરકારને સૂચન કર્યું હતું. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે શહેરના દરેક ચાર રસ્તા, આંતરિક રસ્તાઓ સર્વિસ રોડ અને પુલો બનાવવા માટે યોગ્ય વિચાર કરવો જરૂરી અને આ બાબતે વૈજ્ઞાનિક ઢબે કામ થવું જોઈએ.

ફ્લાઇ ઓવર ની શરૂ થાય ત્યારથી લઈને તે પૂર્ણ થાય અને તે પછી આગળના રસ્તા ઉપર પણ ટ્રાફિકજામ ના થાય તે બાબતના આયોજનો કરવા જરૂરી છે. અમને ખબર છે કે જેમ પોલીસ દળમાં મોટા પાયે જગ્યાઓ ખાલી છે તેવી જ રીતે ટ્રાફિકમાં પણ પૂરતા જવાનો નથી. આથી કેટલાક અકસ્માતગ્રસ્ત વિસ્તારોને ઓળખ કરીને લોકોની જાણ માટે ત્યાં સાઈન બોર્ડ મૂકવા જોઈએ.

એવી પણ વ્યવસ્થા કરવી જોઈએ કે હવે સીસીટીવી હોવાથી ચલણ માટે ટ્રાફિક પોલીસની જરૂર નથી આથી કોઈપણ વાહન ચાલક કાયદાનો ભંગ કરતા જણાય અને તેનું સીસીટીવીના માધ્યમથી ચલણ કાઢીને તેને મેસેજ ના માધ્યમથી આ બાબતે જાણ કરવી જોઈએ. કોઈ અધિકારી કે કર્મચારીના મનસુફીના આધારે ચલણ કાપવા જોઈએ નહીં. સવારે અને સાંજે ખૂબ ટ્રાફિક રહેતો હોય તેવા સમયે તેવા સ્થળોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.