લોકસભામાં વક્ફ (સુધારા) બિલ 2024 રજૂ; સત્તા પક્ષ-વિપક્ષ વચ્ચે ચર્ચા શરૂ

સંસદમાં સરકાર તરફથી આજે વક્ફ બોર્ડમાં સુધારાની માગ કરતું બિલ રજૂ કરવામાં આવ્યું છે. સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા વક્ફ એક્ટ 1995માં સુધારા માટે વક્ફ(સુધારા) બિલ 2024 અને મુસ્લિમ વક્ફ એક્ટ 1923ને સમાપ્ત કરવા માટે મુસ્લિમ વક્ફ (રિપીલ) બિલ 2024 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ સાંસદ હિબી એડેને લોકસભામાં આ બિલના વિરોધમાં નિયમ 72 હેઠળ નોટિસ આપી છે.

કાયદામંત્રી કિરેન રિજિજુએ વક્ફ બિલ રજૂ કર્યું

સંસદમાં કાયદામંત્રી કિરેન રિજિજુએ વક્ફ બિલ રજૂ કરી દીધું છે. આ મામલે લોકસભામાં ચર્ચા કરવામાં આવી રહી છે. આ પહેલા કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે વક્ફ બિલ અંગે કહ્યું કે ભાજપ જુઠ્ઠાણું ફેલાવે છે કે વિપક્ષ સાથે વક્ફ બિલને લઇને ચર્ચા કરવામાં આવી છે. જો તેમણે એવું કર્યું જ છે તો તેના મિનિટ્સ બતાવે. ભાજપે બેરોજગારી પર ફોકસ કરવાની જરૂર છે. તેમની પ્રાથમિકતાઓ ખોટી છે. કોંગ્રેસ તેના વિરોધમાં છે અને તેને સિલેક્ટ કમિટીને મોકલવું જોઈએ.

વક્ફ બિલ અંગે નકવીએ કહ્યું – આ લાંબા સમયથી પેન્ડિંગ સમસ્યાનું સમાધાન

ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ વક્ફ બિલ અંગે કહ્યું કે લાંબા સમયથી પેન્ડિંગ સમસ્યાનું સમાધાન થઇ રહ્યું છે. વક્ફ બોર્ડના જે લોકો વિરોધ કરી રહ્યા છે આ તેમની ટેવ છે. તે લોકો સમજ્યા વિના સામાજિક અને સમાવેશી સુધારાનો વિરોધ કરી રહ્યા છે.

વક્ફ બિલ પર ચિરાગની પાર્ટીનું સ્ટેન્ડ સામે આવ્યું

વક્ફ બિલ અંગે NDAના સહયોગી ચિરાગ પાસવાનની પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે. ચિરાગની પાર્ટીએ કહ્યું કે આ બિલ મુસ્લિમોની વિરુદ્ધ નથી પરંતુ તેને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલાવું જોઇએ.