ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજે બીજા રાઉન્ડમાં 89.45 મીટરનો થ્રો કર્યો હતો જે તમામ ખેલાડીઓમાં બીજો સૌથી શ્રેષ્ઠ થ્રો હતો. આટલું જ નહીં આ થ્રો નીરજનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ થ્રો રહ્યો છે. તો બીજી તરફ પાકિસ્તાની ખેલાડીએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે-સાથે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આમ ભાલાફેંકમાં ભારત-પાકિસ્તાનના બંને ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો.
નીરજ ચોપરાએ સતત બીજી વાર ઓલિમ્પિક મેડલ જીત્યો છે. નીરજ એવો પહેલો ખેલાડી છે જે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હોય.
અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ભાલાફેંકની ફાઇનલ મેચમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો ફેંકીને ઓલિમ્પિકમાં રેકોર્ડ સર્જ્યો છે. 2008માં ઓલિમ્પિકમાં સૌથી દૂર થ્રો કરવાનો રેકોર્ડ બન્યો હતો. 16 વર્ષ બાદ અરશદ નદીમે આ રેકોર્ડ આજે તોડી નાંખ્યો છે.
નોંધનીય છે કે ટોક્યો ઓલિમ્પિકમાં જ્યારે નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે અરશદ નદીમ ચર્ચામાં આવ્યો હતો. અરશદ ત્યારે પાંચમા સ્થાન પર રહ્યો હતો. જોકે બાદમાં 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં 90.18 મીટરનો થ્રો કરીને અરશદે પહેલીવાર કોઈ મોટી ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પાંચ રાઉન્ડમાંથી ચાર ફાઉલ
પાંચમા પ્રયાસમાં પણ નીરજ ચોપરાને નિરાશા હાથ લાગી હતી. પાંચમા રાઉન્ડમાં ફાઉલ થઈ જવાના કારણે નીરજ ખુદથી જ ખૂબ નિરાશ પણ થયો હતો. શરૂઆતના પાંચ રાઉન્ડમાંથી માત્ર એક જ થ્રો સારો રહ્યો બાકી ચાર ફાઉલ રહ્યા હતા.
નીરજનો બીજો થ્રો 89.45 મીટર
નીરજ ચોપરાએ બીજો થ્રો 89.45 મીટરનો ફેંક્યો. બીજા રાઉન્ડમાં નીરજ બીજા સ્થાન પર રહ્યો છે. પાકિસ્તાન ખેલાડી અરશદ નદીમ બીજા રાઉન્ડમાં પ્રથમ પર આવ્યો છે. અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો ફેંકી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.