બેદરકારી!!! અલ્હાબાદમાં ભૂતે નોંધાવ્યો કેસ; જજ પણ આશ્ચર્યમાં પડ્યા

અલ્હાબાદ હાઈકોર્ટમાં એક ચિત્રવિચિત્ર મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં મૃત્યુના ત્રણ વર્ષ બાદ એક વ્યકિતએ એફઆઈઆર નોંધાવી હતી. હવે સવાલ થાય કે, મૃત વ્યકિત કેવી રીતે ફરિયાદ નોંધાવી શકે ત્યારે આ મામલા વિશે જાણવું જરૂરી બની જાય છે.

એક રિપોર્ટ મુજબ, કુશીનગરમાં એક મૃત વ્યકિતના નામ પર 2014માં ફરિયાદ નોંધવામાં આવી હતી. જમીન વિવાદની ફરિયાદમાં એક પરિવારના પાંચ સભ્યોના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં મૃતક શબ્દ પ્રકાશ તરફથી એફઆઈઆર કર્યા બાદ કુશીનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેનું નિવેદન પણ નોંધીને ચાર્જશીટ ફાઈલ કરી હતી.

શબ્દ પ્રકાશના મોત બાદ એફઆઈઆર અને ત્યારબાદ ચાર્જશીટમાં તેના નિવેદનને જોયા બાદ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સૌરભ શ્યામ શમશેરી આશ્ચર્યમાં પડી ગયા હતા. કેસના પેપર્સ જોઈને કોર્ટે કુશીનગરના એસપીને કહ્યું હતું કે, ભૂત નિર્દોષ વ્યકિતઓને હેરાન કરી રહ્યું છે. કોર્ટે અધિકારીઓને આ કેસમાં લાપરવાહી મામલે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. બીજી તરફ, પુરુષોત્તમ સિંહ અને અન્ય ચાર વિરૂદ્ધ ફોજદારી કેસની કાર્યવાહી રદ્દ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસને ટાંકીને કોર્ટે વકીલોને સાવચેત રહેવા કહ્યું છે. તેમણે સવાલ કર્યો કે, મૃત વ્યકિતએ કેવી રીતે વકીલાતનામા પર સહી કરી ? વકીલોએ તેમની ફરજ પ્રત્યે બેદરકારી ન દાખવવી જોઈએ.