ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી સ્થિતિ હવે નિયંત્રણમાં આવી રહ્યું હોવાનું ચિત્ર ભલે રજૂ કરવામાં આવતું હોય, પરંતુ વાસ્તવિક સ્થિતિ હજુ ચિંતાજનક છે. ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 59 કેસ નોંધાયા છે અને તેમાંથી 27 બાળકોના ચાંદીપુરાથી મૃત્યુ થયા હોવાનું સરકારે જ સ્વીકાર્યું છે. આ સ્થિતિએ ચાંદીપુરાથી મૃત્યુદર ચિંતાજનક 50 ટકા જેટલો છે.
ચાંદીપુરાથી 1થી 5 વર્ષના 12 બાળકોના મૃત્યુ
મળતી માહિતી અનુસાર, છઠ્ઠી ઑગસ્ટ સુધી ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ 1થી 5ના વર્ષ બાળકોમાં જોવા મળ્યા છે. 1થી 5 વર્ષના 33 બાળકો ચાંદીપુરાથી સંક્રમિત થયા હતા અને તેમાંથી 12 બાળકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 6થી 10ની વર્ષના 9 બાળકોને ચાંદીપુરા ભરખી ગયો છે. સમગ્ર દેશમાં ચાંદીપુરાના કુલ 61 કેસ નોંધાયા છે. જેમાંથી 59 કેસ માત્ર ગુજરાતમાં જ્યારે બે કેસ રાજસ્થાનમાં નોંધાયા હોવાની સરકારે લોકસભામાં કબૂલાત કરેલી છે.
છેલ્લા 20 વર્ષમાં સૌથી ભયજનક સ્થિતિ
કેન્દ્ર સરકારે આ સાથે એવી પણ કબૂલાત કરી છે કે છેલ્લા 20 વર્ષમાં ચાંદીપુરાથી સર્જાયેલી આ સૌથી ચિંતાજનક સ્થિતિ છે. પરંતુ તેની સામે રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરાના કેસનું બુલેટિન દરરોજ જાહેર કરવામાં આવે છે. પરંતુ ચાંદીપુરા કુલ કેટલા મૃત્યુ થયા તેની વિગત જાહેર કરવામાં આવી રહી નથી. તેમના દ્વારા માત્ર ‘શંકાસ્પદ ચાંદીપુરાથી કેટલા મૃત્યુ થયા તેની જ વિગત જાહેર કરવામાં આવે છે. લોકસભામાં સરકારે છઠ્ઠી ઑગસ્ટ સુધીના આંકડા રજૂ કરેલા છે.
છઠ્ઠી ઑગસ્ટ સુધી ‘શંકાસ્પદ’ ચાંદીપુરાથી 71 મૃત્યુ થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે સ્વીકાર્યું હતું. જેની સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે ગુજરાતમાં ચાંદીપુરાથી જ 27 બાળકોના મૃત્યુ થયા હતા. આ સ્થિતિએ અન્ય 44 બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે પણ સવાલ સર્જે છે. પરંતુ સંસદમાં જારી થયેલા આંકડાથી ચાંદીપુરાથી ગુજરાતમાં કેટલી ચિંતાજનક સ્થિતિ છે તે સામે આવ્યું છે. ડોક્ટરોના મતે ચાંદીપુરાના પ્રારંભિક લક્ષણો તાવ જેવા જહોય છે. આ પછી તે 24થી 18 કલાકમાં મગજના તાવ, કોમા અને મૃત્યુ થતું હોય છે. 15થી ઓછી વયના બાળકોમાં રોગપ્રતિકારકશક્તિ ઓછી હોવાથી ચાંદીપુરા તેમને સૌથી વધુ અસર કરે છે.