બનાસકાંઠાના દાંતાના પાન્છા પ્રાથમિક શાળા એક શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી હોવા છતાં પગાર લેતી હોવાનો પર્દાફાશ થતાં હવે એક પછી એક આવા ગુલ્લીબાજ શિક્ષકોની પોલ સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગમાં પોલમપોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભાભરના તાલુકાના સુથાર નેસડી સેન્ટર શાળામાં ફરજ બજાવતા આવા જ એક શિક્ષક એનઓસી વગર જ કપાત પગાર પર છેલ્લા 10 મહિનાથી વિદેશમાં સ્થાયી થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ છેલ્લા 4 વર્ષમાં 33 જેટલા દોષિત શિક્ષકોને જુદા-જુદા કારણોસર બરતરફ કરાયા હોવાનો દાવો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાભરના સુથાર નેસડી પે. સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિપુલભાઇ પટેલ છેલ્લા 7 વર્ષથી સુથાર નેસડી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે બજાવતા હતા. પરંતુ 1-6-2023 થી તેઓ એનસીઓ વિના કપાત પગારની રજા પર ઉતરી ગયા છે અને અમેરિકા ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી શાળાના આચાર્ય વશરામભાઇ મકવાણાએ એક મહિનામાં જ ભાભર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત જાણ કરી હતી તથા અન્ય શિક્ષકની ભરતી કરવાની લેખિતમાં માંગ કરી હતી. વિપુલભાઇ પટેલ કપાત પગાર રજા પર ઉતરી જતાં તેમની જગ્યા જ્ઞાન સહાયક શિક્ષકની ભરતી કરી બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે.
તો બીજી તરફ શાળા શિક્ષક વિપુલભાઇએ ફોન કરીને શાળાના શિક્ષકએ જાણ કરી હતી કે હું બે નંબરમં વિદેશ ગયો હોવાથી પાછો આવી શકું એમ નથી નથી. તો આ તરફ ભાભર તાલુકા શિક્ષણાધિકારીએ બે મહિના વિપુલભાઇના ઘરે બે નોટીસ મોકલી હતી. જેનો કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ગેરહાજર રહેતા તથા વિદેશમાં મ્હાલતા શિક્ષકોની તપાસ ગાંધીનગર જિલ્લામાં પણ શરૂ કરવામાં આવી છે. તેના અંતર્ગત સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સાથે સરકારી અનુદાન મેળવતી શાળાઓમાં પણ તપાસના આદેશ અપાયા છે. ચારે તાલુકામાં આવા કિસ્સામાં જુની ફાઇલો ખોલીને વિગતો મેળવવા માટે અધિકારીઓ દ્વારા તંત્રને દોડતું કરી દેવામાં આવ્યું છે અને ક્ષતિ જણાયે તેમાં કાયદેસરની કાર્યવાહી કરાશે.
ગેરહાજર અને ગુલ્લીબાજ શિક્ષકો સામે તવાઈ
દાંતા તાલુકાના પાન્છા પ્રાથમિક શાળાનાં શિક્ષીકા અમેરિકા રહેતં હોવા છતાં શાળાના રજીસ્ટરમાં નામ ચાલતુ હોવાનું બહાર આવતાં શિક્ષણ વિભાગ દોડતું થયું છે. જે બાદ જિલ્લાની અન્ય શાળાઓમાં પણ કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે છેલ્લા 4 વર્ષમાં કાર્યવાહી કરવામાં આવી છે અને દોષિત 33 શિક્ષકો સામે કાર્યવાહી કરી બરતરફ કરાયા છે.
બનાસકાંઠમાં વધુ પાંચ શિક્ષકોને કરાયા બરતરફ
આંકડા પ્રમાણે જોઈએ તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં સૌથી વધુ 5 અને ભાભર તાલુકામાં સૌથી ઓછા એક શિક્ષક સામે 4 વર્ષમાં કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે. 33 પૈકી દિયોદર તાલુકાના 4, લાખણીના 3, સુઈગામના 2, દાંતીવાડાના 2, ડીસાના 4, ધાનેરાના 4, પાલનપુરના 3, થરાદના 3 અને વાવ તાલુકાના 2 શિક્ષકો છેલ્લા 4 વર્ષમાં બરતરફ કરાયા છે. છતાં કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો ફરજ ઉપર આવતા ના હોવાનું સામે આવી રહ્યું છે.