ગાંધીનગર: વિદેશમાં સ્થાયી થઇ ગયા પછી પણ શાળામાં શિક્ષક તરીકે હાજરી પુરવામાં આવી રહ્યાંના ઘટસ્ફોટથી સરકાર અને શિક્ષણ વિભાગ માટે નીચા જોણું થયું છે. સફાળી જાગેલી સરકારે તપાસના આદેશ પણ આપ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં સતત 3 મહિના કે વધુ વખતથી ગેરહાજર રહેલા 23 શિક્ષકોને નોટિસ ફટકારવાની સાથે આગળની કાર્યવાહીના માર્ગદર્શન માટે વિગતવારનો અહેવાલ રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી અપાયો છે.
આજથી બે દિવસ અગાઉ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની પોલ ખોલતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા 8 વર્ષથી વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં તેમની હાજરી બોલાતી હતી. આટલું જ નહીં તેઓને પગાર પણ ચૂકવવામાં આવતો હતો. જેને લઈને રાજ્યના શિક્ષણ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
છોટા ઉદેપુર ખાતે વન મહોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને તેમના વિભાગમાં ચાલતી બેદરકારીને લઇને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, શિક્ષક ગેરહાજર રહીને વિદેશ ગયા છે અને અહીં તેઓની નોકરી ચાલુ હોવાની બાબત ગંભીર છે. આ સાથે જ આવા શિક્ષકોની હાજરી પૂરનારા પણ દોષિત છે. આથી શિક્ષકની સાથે-સાથે જેમની જવાબદારી છે, તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાલ એક શિક્ષકની વાત જ અમારા ધ્યાન પર આવી છે. જેનો મેં રિપોર્ટ મંગાવ્યો છે. હવે આગામી સમયમાં આ બાબતે સમગ્ર રાજ્યમાં સઘન ઝૂંબેશ ચલાવવામાં આવશે. જેમાં 32 હજારથી વધુ શાળાઓ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવશે. આ દરમિયાન જે શિક્ષકો અનિયમિત હશે અને ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસ હશે અને શાળામાં ગેરહાજર હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીને તેઓને ઘરભેગા કરવામાં આવશે.