મહેસાણા જિલ્લામાં થશે પશુધનની ગણતરી; 55.14 લાખ રૂપિયાનો થશે ખર્ચ

મહેસાણા જિલ્લામાં એક સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2024 સુધી 21મી પશુ ગણતરી હાથ ધરવામાં આવશે. ચાર મહિના સુધી 25 સુપરવાઇઝરની દેખરેખ હેઠળ 128 ગણતરીદારો જિલ્લાના 5.90 લાખ ઘર આંગણે જઇ પશુ ગણતરી કરશે. આ માટે તેમને રૂ.55.14 લાખનું મહેનતાણું ચૂકવાશે. ગ્રામ્ય વિસ્તારના ઘર દીઠ પશુ ગણતરી કરનારને રૂ.9.94 તેમજ શહેરી વિસ્તારમાં રૂ.8.15નું વળતર ચૂકવાશે. એટલે કે, શહેર કરતાં ગામડામાં પશુ ગણતરી કરનારને રૂ.1.79 વધુ ચૂકવાશે. ઉલ્લેખનિય છે કે, 21 પશુ ગણતરીમાં પ્રથમ વખત મોબાઇલ એપથી ગણતરી થનાર છે.

જિલ્લા પશુપાલન વિભાગના જણાવ્યા અનુસાર, 2019માં થયેલી પશુ ગણતરી પ્રથમ વખત ટેબલેટનો ઉપયોગ કરાયો હતો. 20મી ગણતરીમાં શહેરી વિસ્તારમાં માત્ર 7013 ઘરો પશુ ધરાવતાં હતાં. જ્યારે 1.38 લાખ ઘરો પશુઓ ધરવાતાં ન હતાં. બીજી બાજુ, ગ્રામ્ય વિસ્તારોમાં 1.54 લાખ ઘરોમાં પશુઓ હતાં, જ્યારે 2.13 લાખ ઘરોમાં પશુઓ ન હતાં. આગામી 1લી સપ્ટેમ્બરથી શરૂ થનારી 21મી પશુ ગણતરીમાં 25 સુપરવાઇઝર અને 128 કર્મી ચાર મહિના સુધી 10 તાલુકામાં પશુ ગણતરી કરશે.

આ માટે આગામી 17 ઓગસ્ટના રોજ ગણતરીમાં ફરજ બજાવનાર સુપરવાઇઝરો અને ગણતરીદારોને બે સેસન્શમાં તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ 1 સપ્ટેમ્બરથી 10 તાલુકાના 618 ગામડાં અને 10 શહેરોમાં ઘરે ઘરે જઇ પશુ ગણતરી હાથ ધરાશે. જેમાં શહેરી વિસ્તારના 1.96 લાખ અને ગ્રામ્ય વિસ્તારના 3.93 લાખ ઘરે જઇ ગણતરી કરવાની રહેશે. શહેરી વિસ્તારમાં ઘર દીઠ ગણતરી કરનાર કર્મચારીને રૂ.8.15, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઘર દીઠ ગણતરી કરનારને રૂ.9.94નું વળતર વેતન પેટે ચૂકવવામાં આવશે.

21મી પશુ ગણતરી માટે જિલ્લાના 10 તાલુકાના 5.90 લાખ ઘરે 128 કર્મચારીઓને જવું પડશે. આ માટે શહેરી વિસ્તારના 1.96 લાખ ઘર દીઠ રૂ.8.15 લેખે રૂ.16.01 લાખનું વળતર ચૂકવાશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 3.93 લાખ ઘર દીઠ રૂ.39.12 લાખ ચૂકવાશે. એટલે કે, 128 ગણતરીદારોને વળતર પેટે રૂ.55.14 લાખ ચૂકવાશે. ચાર મહિનાની આ કમાણીને 128 કર્મીઓમાં વહેંચીએ તો એક ગણતરીદારને રૂ.43,708નું ચાર મહિનાનું વળતર મળશે. એટલે કે, મહિને રૂ.10769.50નું મહેનતાણું ચૂકવાશે.