રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક મોટી હૃદયદ્રાવક કરુણાંતિકા સર્જાઈ છે. જેમાં સાબરમતીમાં નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ત્રણ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં એક બાર વર્ષની કિશોરીનો પણ સમાવેશ થાય છે.
ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક લોકો અમદાવાદથી ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવતા ગયા હતા, જ્યાં 12 વર્ષની કિશોરી ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય ચાર લોકો પણ પાણીમાં કૂદ્યા હતા. જો કે ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા.
આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણઝારા (અમરાઈવાડી), ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિની લાશ બહાર કાઢી છે. બનાવના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ અર્થે કાર્યવાહી શરૂ કરી છે.