ગુજરાત પોલીસને ગુજરાત હાઇકોર્ટની ફટકાર; કહ્યું- નિર્દોષ લોકો સામે તમારી શકિત બતાવશો નહી

ગુજરાત હાઇકોર્ટે એક સામાન્ય કેસમાં નાગરિકોને ટોર્ચર કરવા સત્તાના દૂરપયોગ બદલ શહેર ક્રાઇમ બ્રાંચ અને ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરીનો ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે પોલીસ તંત્રના વરિષ્ઠ અધિકારીઓને ઉદ્દેશીને એક મહત્ત્વના નિર્દેશ મારફતે નાગિરકોને બિનજરૂરી ખખડાવી, તેઓને માર મારવામાં ખોટુ વર્ચસ્વ બતાવવાનો પ્રયાસ કરનાર તાબાના અધિકારીઓ પર દેખરેખ રાખવા કડક તાકીદ કરી હતી.

જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને લઇને ટકોર કરી હતી કે, ઉચ્ચ અધિકારીઓ કદાચ વિનમ્ર હશે પરંતુ તેમના તાબાના અધિકારીઓ પર તેમણે નજર રાખવી જોઇએ કે જેઓ શહેરની આસપાસ ફરે છે અને લોકોને બિનજરૂરી ખખડાવી-મારપીટ કરી પોતાનું વર્ચસ્વ બતાવવાનો પ્રયાસ કરે છે. કોઇપણ પોલીસને માત્ર પોતાનો અહંકાર સંતોષવા કોઇપણ નાગરિકને બિનજરૂરી રીતે મારવાનો અધિકાર નથી.

અજ્ઞાત સાક્ષીઓને ટાંકીને શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીની તરફેણમાં કેસ બનાવવા બદલ જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઇ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી.મોરીની પણ ભારોભાર ટીકા કરી હતી. હાઇકોર્ટે સાફ શબ્દોમાં પોલીસને સંભળાવ્યું હતું કે, જો પોલીસ એમ માનતી હોય કે, તેઓ કોર્ટ સામે બહુ સ્માર્ટ રીતે રમી શકે છે, તો પછી કોર્ટ તેમને સમજાવશે કે, કોર્ટ સત્તાનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે.

હાઇકોર્ટે પોલીસને તેની સત્તાની મર્યાદાનું ભાન કરાવ્યું

જો પોલીસ ખોટુ કરનારાઓને બચાવવા માંગતી હોય અને પ્રયુકિતપૂર્વક વિલંબ કરીને પક્ષ લેવા માંગતી હોય તો અદાલતને તેની સત્તાનો ઉપયોગ આવડે છે. ઘાટલોડિયા પોલીસ મથકમાં અરજદારો વિરૂઘ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદાની કલમો હેઠળ એફઆઇઆર અને તેને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવતા ગુજરાત હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે પોલીસને તેની સત્તાની મર્યાદાનું ગર્ભિત ચીમકી સાથે ભાન કરાવ્યું હતું.

કેસની સુનાવણી દરમ્યાન રોંગ સાઇડમાં ડ્રાઇવીંગ કરવા માટે નાગરિકને અટકાવવા બદલ ક્રાઇમ બ્રાંચના અધિકારીની કાર્યવાહીની કાયદેસરતા સામે હાઇકોર્ટે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમ કે નિયમનની લાગુ કરવાનો અધિકાર માત્ર ટ્રાફિક પોલીસને જ છે. હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનરને કસ્ટડીમાં ટોર્ચરના આરોપ અંગે સીસીટીવી ફુટેજ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

જો કે, અદાલતને જાણ કરાઇ હતી કે, સીસીટીવી ફુટેજનો બેક અપ ફકત એક મહિના માટે જ રખાયો હતો અને તા. 9મી જૂનથી ફુટેજ પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે, જેને લઇ હાઇકોર્ટે ભારે નારાજગી વ્યકત કરી હતી. બાદમાં ક્રાઇમબ્રાંચના કોન્સ્ટેબલે પણ બંને પક્ષે સમાધાન થઇ ગયુ હોવાનું જણાવતાં હાઇકોર્ટે આ કેસમાં ફરિયાદ રદ કરી હતી.

નિર્દોષ લોકો સામે તમારી શકિત બતાવશો નહી : હાઇકોર્ટ

હાઇકોર્ટે પોલીસ તંત્રને બહુ ગંભીર ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, તમે ખૂંખાર ગુનેગારો સામે વાજબી બળનો ઉપયોગ કરી શકો છો પરંતુ દરેક નાગરિકોમાં ખૂંખાર ગુનેગાર છે તેવા ચશ્મા પહેરશો નહી અને નિર્દોષ લોકોને ફસાવવા માટે તમારી શકિતનો ઉપયોગ કરશો નહી. હાઇકોર્ટે નિર્દોષ નાગિરકોને હેરાન કરવા માટે કોઇપણ શકિત પ્રદર્શનનો ઉપયોગ નહી કરવા પોલીસને લાલ આંખ કરી ગંભીર ચેતવણી આપી હતી.

રોંગ સાઇડના સામાન્ય કેસમાં નિર્દોષોને ટોર્ચર કરાયા

કેસની વિગત મુજબ, થોડા દિવસ પહેલાં ઘાટલોડિયા પોલીસમથક વિસ્તારના ચાંદલોડિયા બ્રિજ નીચે રોંગ સાઇડમાં આવતાં બે નાગરિકોને ક્રાઇમબ્રાંચના કોન્સ્ટેબલ જનક ઉપેન્દ્રપ્રસાદ ગોરે રોકયા હતા અને બોલાચાલી થઇ હતી. જનક ગોર બંને જણાને ક્રાઇમબ્રાંચની ઓફિસે લઇ ગયો હતો અને ત્યાં બંનેને માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહી, બનાવના 19 દિવસ પછી ઘાટલોડિયા પોલીસે જનક ગોરના ઇશારે ફરિયાદ નોંધી લીધી હતી. તેમજ, બીજા જ દિવસે અજાણ્યા સાક્ષીઓ પણ ઉભા કરી દીધા હતા. જેને લઇ જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરીનો કેસની તપાસ અને પોલીસ દ્વારા સત્તાના દૂરપયોગને લઇ ઉધડો લઇ નાંખ્યો હતો.

જસ્ટિસ નિર્ઝર દેસાઇએ ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરીનો જોરદાર ઉધડો લઇ નાંખ્યો હતો અને કેસની તપાસ સામે ગંભીર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, તમારા અધિકારી જે કેસની તપાસ કરી રહ્યા છે, તે ત્રિકાળ જ્ઞાની છે કે, 24 કલાકમાં તેમણે ચાર સાક્ષી શોધી કાઢયા..?