આજે દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેના પછી તેમણે દેશને સંબોધિત કરતાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા.
જે લોકો રાક્ષસ જેવા કૃત્ય કરે છે તેમને સજા થવી જોઈએ: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યા કેસમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, ‘મહિલાઓ વિરુદ્ધ રાક્ષસી કૃત્ય કરનારાઓને વહેલી તકે સજા મળવી જોઈએ.’ જોકે, તેમણે તેમના ભાષણમાં ક્યાંય પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી.
બેંકિંગ ક્ષેત્રમાં ઘણા સુધારા કર્યાઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, ‘બેંકિંગ સેક્ટરમાં જે સુધારો થયો છે. જરા કલ્પના કરો કે અગાઉ બેન્કિંગ સેક્ટરની શું હાલત હતી, ત્યાં કોઈ વિકાસ નહોતો, કોઈ વિસ્તરણ નહોતું, વિશ્વાસમાં કોઈ વધારો નહોતો થતો. અમે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કર્યા છે. આજે આપણી બેંકોએ વિશ્વની સૌથી મજબૂત બેંકોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જ્યારે બેંકિંગ મજબૂત બને છે, ત્યારે અર્થતંત્રની મજબૂતાઈ પણ વધે છે.
જ્યારે સૈન્ય સર્જિકલ સ્ટ્રાઈક કરે છે ત્યારે ગર્વ થાય છેઃ PM મોદી
લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ‘આપણા દેશમાં કરોડો લોકોને કોવિડ રસીકરણનું કામ વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ થયું. ક્યારેક આતંકવાદીઓ આપણા દેશમાં આવતા હતા અને આપણને મારીને જતા રહેતા હતા. હવે જ્યારે દેશની સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, જ્યારે દેશની સેના એર સ્ટ્રાઈક કરે છે ત્યારે દેશના યુવાનોની છાતી ગર્વથી ફૂલી જાય છે.
અમે નેશનલ ફર્સ્ટ સંકલ્પથી પ્રેરિત : પીએમ મોદી
લાલ કિલ્લાની પ્રાચીરથી પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો કે લોકો દેશ માટે મરવા માટે પ્રતિબદ્ધ હતા. આજનો સમય દેશ માટે જીવવાનો પ્રતિબદ્ધતાનો છે. જો દેશ માટે મર મીટવાની પ્રતિદ્ધતા આઝાદી અપાવી શકે છે તો દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા સમૃદ્ધ ભારત પણ બનાવી શકે છે. અમારા રિફોર્મ રાજકીય મજબૂરી નથી. અમે નેશનલ ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત છે.
આઝાદીના લડવૈયાઓને દેશ નમન કરે છે : પીએમ મોદી
પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું કે આજે શુભ ઘડી છે જ્યારે આપણે દેશની આઝાદી માટે બલિદાન આપનારા આઝાદીના લડવૈયાઓને નમન કરી રહ્યા છીએ. આ દેશ તેમનો આભારી છે. એવા દરેક દેશવાસી પ્રત્યે આપણે આપણો શ્રદ્ધાભાવ વ્યક્ત કરીએ છીએ. દેશને પ્રેરિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણે 40 કરોડ હતા ત્યારે મહાસત્તાને હરાવ્યો હતો, આજે તો આપણે 140 કરોડ થઇ ગયા છીએ.
પીએમ મોદીએ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા
પીએમ મોદીએ કહ્યું, ‘આજે આપણે એવા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ છીએ જેમણે આપણને આઝાદ દેશ આપ્યો, અમે આજે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તાજેતરની કુદરતી આફતને કારણે આપણે ચિંતિત છીએ, ઘણા લોકોએ તેમના પ્રિયજનો, તેમની સંપત્તિ ગુમાવી છે, આપણે તેમની સાથે એકજૂટતાથી ઊભા છીએ.