- શું અમદાવાદ દરિયાપુરના મનપસંદ જિમખાનામાં ફરીથી ધમધમતું થયું જુગારધામ?
- શું આ જૂગારધામની એક્ટિવિટી પાછળ ગોવિદ પટેલ ઉર્ફે ગામાનો હાથ છે? આ યક્ષ પ્રશ્ન પરથી ઉઠાવવામાં આવશે ટૂંક જ સમયમાં પડદો
દેવાંગ આચાર્ય; અમદાવાદ: ગુજરાતના ઇતિહાસમાં પોલીસને પણ ચક્કર લાવી દેતો કેસ એટલે મનપસંદ જીમખાના ચેરિટેબલ ટ્રેસ્ટની આડમાં ચલાવવામાં આવતો જૂગારનો મસમોટો ખેલ… આ હાઇપ્રોફાઇલ કેસમાં ત્રણ મસમોટા માથાઓની સંડોવણી સામે આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે અત્યાર સુધીમાં બે વખત મનપસંદ જીમખાના ઉપર રેડ પાડવામાં આવી છે. આ બંને વખત મોટી સંખ્યામાં જૂગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
મનપસંદ જીમખાનામાં ચાલતા જૂગારધામને પકડી પાડવા માટે પોલીસ દ્વારા અનેક વખત કોશિશ કરવામાં આવી હતી. જોકે, કંઇ હાથમાં આવતું નહતું. કેમ કે મનપસંદ જીમખાનામાં જૂગારધામ ચલાવતી ત્રિપુટીના અનેક બાતમીદારો પોલીસ બેડામાં અંદર સુધી રહેલા હતા. તેથી રેડ પાડવામાં આવતી હોવા છતાં પણ કંઇ મળતું નહતું. જો કે, અંતે પોલીસે માસ્ટર પ્લાન બનાવ્યો અને એવી ગુપચૂપ રીતે રેડ પાડવામાં આવી કે એક સાથે 183 જૂગારીઓને ઝડપી પાડીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.
તો બીજી વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દરિયાપુર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જેમાં 27 જુગારીને ઝડપીને 54 હજારની રોકડ અને મોબાઇલ ફોન સહિત કુલ બે લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધરપકડ કરાયેલા લોકોમાં મુખ્ય આરોપી ગોવિંદ પટેલ ઉર્ફે ગામા હતો, જે જુગારધામ ચલાવતો હતો.

જણાવી દઇએ કે, જ્યારે 183 જુગારીઓને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા હતા, તે દરમિયાન દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી-સ્ટાફને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કુલ એક ડઝન જેટલા લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ દરોડો સ્ટેટ મોનિટરીંગ સેલ (State monitoring cell) તરફથી કરવામાં આવ્યો હતો, જેમાં 11 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તો બીજી તરફ દરિયાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઉંઘતા ઝડપાયા હતા. તેથી તેમના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી આ એક એવી જગ્યા છે, જ્યાં પોલીસ અધિકારીઓને પણ ચકરીએ ચડાવી દેવામાં આવતા હતા. જોકે તે છતાં પણ પાછલા બે વર્ષમાં મનપસંદ જિમખાના જુગારધામ પર બે મોટી રેડ થઈ જેમા કુલ 200થી પણ વધુ જુગારીઓને જેલભેગા કરવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ બાબત તે છે કે, પોલીસ દ્વારા એક નહીં અનેક વખત રેડ કરીને મોટી સંખ્યામાં જૂગારીઓને જેલ ભેગા કર્યા હોવા છતાં એક વખત ફરીથી મનપસંદ જિમખાનામાં એક્ટિવિટી જોવા મળી રહી છે. આ વખતે પૈસા સહિત મુદ્દામાલ પોલીસના હાથે ન લાગે તે માટે એક નવો જ કિમિયો અપનાવવામાં આવતો હોવાની માહિતી વિશ્વસનિય સુત્ર પાસેથી માહિતી મળી રહી છે.
પોલીસના વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, મનપસંદ જિમખાનામાં પોલીસની અનેક વખત રેડ થઇ હોવાના કારણે પોતાની સિસ્ટમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. નવી માહિતી અનુસાર, હવે એક ઓફિસમાં પૈસા જમા કરાવવામાં આવે છે, ત્યાર પછી ગ્રાહકને એક ચિઠ્ઠી આપવામાં આવે છે. તે પછી ગ્રાહકને કોઇન આપવામાં આવે છે. આમ ગોવાના કેશિનો જેવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. જેથી કોઈ વખત રેડ પડે તો પણ રોકડ રકમની જગ્યાએ માત્ર કોઇન જ હાથમાં આવે. આમ એક વખત ફરીથી જિમખાના ચેરિટેબલ ટ્રસ્ટની આડમાં બમણી તાકાતથી જૂગારધામની શરૂઆત થઇ હોય તેવો ગણગણાટ શરૂ થયો છે.

સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદના દરિયાપુરના મોટા વાઘજીપુરમાં ગોવા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જુગાર રમવા આવતા તમામ જૂગારીઓને ટોકન સિક્કા આપવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી માહિતી પણ સામે આવી રહી છે. એક વખત ફરીથી પોલીસને કમર કસવી પડશે. કેમ કે, આ વખતે તો પોલીસના હાથે રોકડ રકમ ન આવે તેનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેથી આ વખતે ઇમાનદાર પોલીસ અધિકારીઓને વધારે મહેનત કરવી પડશે.
તે ઉપરાંત વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, જૂગાર રમાડવા માટે અલગ-અલગ જગ્યાઓ ઉપર ઘર ભાડે લેવામાં આવી રહ્યા છે. આ બંધ ઘરોમાં ગુપચૂપ રીતે જુગાર રમાડવામાં આવી રહ્યુ છે. આ ઘરોમાં તેમને જ એન્ટ્રી આપવામાં આવે છે, કે જેઓ તેમના જૂના અને વિશ્વાસુ ગ્રાહક હોય છે. જૂગારધામ ચલાવવાના માસ્ટર પ્લાન પાછળ જૂના જોગી એવા ગોવિંદ પટેલ ઉર્ફે ગામા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
પોલીસની કસ્ટડીમાંથી બહાર આવ્યા પછી ગોવિદ પટેલ એક વખત ફરીથી સક્રિય થઇ ગયો છે. ગામાની સક્રિયતા પછી જ મનપસંદ જિમખાનામાં એક્ટિવિટી મોટા પ્રમાણમાં વધી ગઇ હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ એક્ટિવિટીમાં પોલીસથી બચવાથી લઈને પોતાની રોકડને બચાવવાનો માસ્ટર પ્લાન પણ ઘડાઇ ગયો છે. આ અંગેની ચોંકાવનારી માહિતી અમારા આગામી અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે.

બાળકોનું ભવિષ્ય અંધકારમય
મનપસંદ જીમખાના નજીક જ શૈક્ષણિક સંસ્થા આવેલ હોવાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના જીવન ઉપર પણ નકારાત્મક પ્રભાવ પડી શકે છે. કેમ કે જૂગારધામના કિનારે જ લાખો વિદ્યાની દેવી સરસ્વતીને પામવાની કોશિશ કરી રહ્યા છે, જે શક્ય નથી.
સરકારી પરિપત્ર અનુસાર તો શૈક્ષણિક સંસ્થાની આસપાસ ગુટકા કે પાન-બીડી સહિત કોઈપણ નશાકારક વસ્તુનો વ્યાપાર કરવો ગુનાહિત કૃત્ય માનવામાં આવે છે. પરંતુ અહીં તો ગુનાહિત કૃત્ય જ કરવામાં આવી રહ્યો છે. તેથી પોલીસે સૌથી પહેલા તો મનપસંદ જિમખાનામાં એક વખત ફરીથી શરૂ થયેલી એક્ટિવિટીને લઈને એક્ટિવ થવું પડશે. તેથી લાખોની સંખ્યામાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને પણ જૂગારના નકારાત્મક પ્રભાવથી બચાવી શકાશે. સંગ તેવો રંગ – સોબત તેવી અસર. ભાગ્યશાળીને ભૂત રળે – ભળતામાં વધારે ભળે જેવી અનેક કહેવતો ઘણું બધુ કહી જાય છે. તેથી વિદ્યાર્થીઓને ખરાબ સંગતની અસરથી દૂર કરવા માટે બને તેમ ઝડપી પોલીસે કાર્યવાહી કરવી રહી.. ઉપર જણાવ્યું તે મુજબ આગામી રિપોર્ટમાં જૂગારધામ અને તેના સાથે જોડાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવનારા આરોપીઓ વિશે અન્ય ખુલાસા કરવામાં આવશે.