બનાસકાંઠામાં પડ્યા કોલકત્તા ડોક્ટર રેપ કેસના પડઘા; હડતાળ પર ઉતર્યા 400 ડોક્ટર

કોલકાતાની મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાને લઇ શનિવારે પાલનપુર, ધાનેરા અને થરાદમાં 400 ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા અને આવેદનપત્રો આપ્યા હતા. તેમજ ડોક્ટરોએ રેલી યોજીને પીડિતાને ન્યાય મળે અને સમાજમાં દાખલો બેસે તેવી આરોપીઓને કડક સજાની માંગ કરવામાં આવી હતી.

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં શનિવારે બનાસ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોએ સૂત્રોચ્ચાર કરી કોલકાતામાં બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી. પાલનપુર નગરપાલિકા નજીક આવેલા આરોગ્યધામમાં તમામ ફેકલ્ટીના ડોક્ટરોએ ભેગા મળીને અલગ અલગ મુદ્દાઓ બાબતે ચર્ચા કરી ત્યાંથી રેલી નીકાળી કલેકટર કચેરી સુધી પહોંચ્યા હતા. જ્યાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપી આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

પાલનપુરમાં માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલું

પાલનપુરમાં તબીબોએ રેલી યોજી આવેદન પાઠવી સવારે બે કલાકના કાર્યક્રમ બાદ તમામ તબીબો હોસ્પિટલ પર પહોંચી ગયા હતા. ઇન્ડિયન મેડિકલ એસો.ના સૂત્રોએ જણાવ્યું કે રૂટીન ઓપીડી બંધ રાખવામાં આવી હતી. માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી હતી.ડોક્ટર હાઉસ વિસ્તારમાં રાજસ્થાનના દર્દીઓની અવરજવર અત્યંત નહિવત હતી. શુક્રવાર જેમને અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવી હતી તેમને સોમવારે બોલાવાયા હતા. હડતાળની કોઈપણ પ્રકારની વિપરીત અસર પડી ન હતી.