કોલકાતા દુષ્કર્મ કેસ: પદ્મ વિજેતા તબીબોએ લખ્યો PM મોદીને પત્ર; સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે કરી મોટી માંગ

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના કારણે દેશભરમાં આક્રોશ છે. એવામાં હવે પદ્મ સન્માનિત તબીબો એક થઈને અવાજ ઉઠાવ્યો છે. પદ્મ પુરસ્કારથી સન્માનિત 71 તબીબોએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે તબીબોની સુરક્ષા માટે અલગથી કાયદો બનાવવા માંગ કરી છે.

ડૉક્ટર્સે પત્રમાં લખ્યું છે કે, ‘આવા અત્યાચારોને રોકવા માટે કડક એક્શન લેવાની જરૂર છે. મહિલાઓ અને સ્વાસ્થ્ય કર્મીઓ વિરુદ્ધ થતી હિંસા તાત્કાલિક રોકવાની જરું છે. તબીબો તથા સ્વાસ્થ્ય કર્મીઓ વિરુદ્ધ થતી હિંસા/અત્યાચાર રોકવા માટે સરકારનો ખરડો તૈયાર છે પણ હજુ સુધી તેને સંસદમાં રજૂ કરવામાં આવ્યો નથી. આગ્રહ કરીએ છીએ તાત્કાલિક અધ્યાદેશ લાવી કાયદો બનાવવો જોઈએ અને ખરડો પસાર કરવો જોઈએ. જેથી સ્વાસ્થ્યકર્મીઓ નીડર થઈને કામ કરી શકે.’

જે તબીબોએ આ પત્રમાં સહી કરી છે જેમાં એમ્સના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, ICMRના પૂર્વ ચીફ બલરામ ભાર્ગવ, એસ કે સરીન, ગંગારામ ટ્રસ્ટ સોસાયટીના ચેરમેન ડી. એસ. રાણા, અરવિંદ લાલ, મેદાન્તાના ચેરમેન નરેશ ત્રેહાન, ફોર્ટિસના ચેરમેન અશોક શેઠ, મહેશ વર્મા, યશ ગુલાટી, પુરુષોત્તમ લાલ જેવા જાણીતા તબીબોના નામ સામેલ છે.