હવે ખાનગી કંપનીઓને હંફાવશે BSNL; 4G-5G સેવાને લઇને કરી મોટી જાહેરાત

દેશમાં જિયો-એરટેલ જેવી ખાનગી કંપનીઓએ 5G સર્વિસ આપવાની શરૂઆત કરી દીધી છે. આ વચ્ચે બીએસએનએલ તરફથી ધડાકો કરવામાં આવ્યો છે. બીએસએનએલ તરફતી સમાચાર મળી રહ્યા છે કે, આગામી દિવસોમાં તે 4G સેવા શરૂ કરવા જઈ રહ્યા છે. દેશમાં 4G શરૂ થયાના લગભગ 12-13 વર્ષે સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ગુજરાત સહિત દેશભરનાં અન્ય રાજ્યોમાં 4G શરૂ કરવા જઈ રહ્યું છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર બીએસએનએલના મીમ્સનો પૂર આવ્યો છે. હવે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ 4G સોલર ટાવર શરૂ થઈ જશે. જેથી ગુજરાતમાં BSNLના આંતરિક સૂત્રો મુજબ ડિસેમ્બર સુધીમાં 5G પણ શરૂ થઈ શકે છે.

જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ જિયો સહિતની ખાનગી કંપનીઓએ પોતાના ટેરેફ પ્લાનમાં વધારો કર્યો હતો. તેથી મોટા પ્રમાણમાં ગ્રાહકો બીએસએનએલમાં જોડાયા હતા. એક રિપોર્ટ પ્રમાણે માત્ર એક જ મહિનામાં 15 લાખથી વધારે ગ્રાહકો બીએસએનએલમાં જોડાઇ ગયા હતા. આ વચ્ચે હવે બીએસએનએલ તરફથી મળી રહેલા મોટા સમાચાર ગ્રાહકોને રાહત આપી છે.

હાલમાં ગુજરાતમાં 750 જેટલા 4G સેચ્યુએશનના ટાવર લાગી રહ્યા છે, જે પૈકી દક્ષિણ ગુજરાતમાં 417 જેટલાં મોબાઈલ ટાવર લાગશે. સૌથી મોટી ખાસિયત એ છે કે, જે વિસ્તારની અંદર 4G ટાવર લાગી રહ્યાં છે, તે વિસ્તારમાં અન્ય કોઈપણ ટેલિકોમ કંપનીનાં ટાવર નથી, એટલે કે એ વિસ્તારની અંદર મોબાઈલના અન્ય કંપનીના નેટવર્ક અત્યારના સમય સુધીમાં મળી શકે તેમ નથી.

ગુજરાતમાં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ BSNL દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. 2022માં પ્રોજેક્ટ સમગ્ર ભારત દેશમાં શરૂ કરવામાં આવ્યો હતો, તે અંતર્ગત અલગ અલગ સાઈડ નક્કી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે અંતરિયાળ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ BSNLના 4Gના મોબાઈલ ટાવર હવે ઉપલબ્ધ કરાવવા માટેનું આયોજન શરૂ થયું છે, જે પૈકીની ઘણી બધી સાઇડ એવી છે કે જ્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હજી પણ અનેક એવાં લોકેશન છે કે જ્યાં આગળ મોબાઈલ ટાવર લાગવાનાં શરૂ છે.

પહેલી વખત ભારત દેશમાં 4G ટાવર મેડ ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે તૈયાર કર્યા છે, જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) અને તેજસ જે સ્વદેશી કંપનીઓ છે. એમના દ્વારા જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ટાવર તૈયાર કરવામાં આવ્યા છે, એક રીતે કહીએ તો આ પહેલી એવી ટેક્નોલોજી છે કે, જે સ્વદેશમાં જ તૈયાર થઈ છે અને હવે આપણે તેને 4G ટાવરમાં ઉપયોગમાં લેવાના છીએ. અત્યાર સુધીમાં ટેલિકોમ ક્ષેત્રની અંદર મોટાભાગની ટેક્નોલોજી વિદેશથી આપણે લેતા હતા.

એ ટેક્નોલોજીના ઉપયોગમાં લેવાતી મશીનરી અને સ્પેરપાર્ટ્સ પણ ચીન જેવા દેશો પાસેથી લેતા હતા. પરંતુ હવે આપણા જ દેશમાં તૈયાર થયેલી મશીનરી અને સોફ્ટવેરથી લઈને તમામ ઇક્વિપમેન્ટનો ઉપયોગ સ્વદેશમાં થવાનો છે. જેને કારણે ચીન જેવા દેશ પાસેથી આપણે જે ટેક્નોલોજી લેતા હતા અને તેના કારણે આપણે તેમના પર નિર્ભર રહેવું પડતું હતું, તે હવે રહેવું પડશે નહીં. એની સાથે સાથે આ ટેક્નોલોજીમાં જે મશીનરીનો ઉપયોગ થવાનો છે તે પણ હવે આપણે અન્ય દેશોમાં એક્સપોર્ટ કરતા થઈશું.