પાલનપુર: શહેરના વિવિધ વિસ્તારોમાં એક્ટિવા ઉપર જ મોટા પ્રમાણમાં દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો છે. પોલીસની રહેમનજર હોવાના કારણે બુટલેગરો બેફામ બન્યા છે. તેથી તેઓ કોઈ જ ડર વગર ખુલ્લેઆમ એક્ટિવા ઉપર અંગ્રેજી દારૂનું વેચાણ કરાવવામાં અચકાઇ રહ્યા નથી.
આ એક્ટિવા ચાલકો હોમ ડિલિવરી આપતા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. કોઈ એક્ટિવા ચાલક પાણીના જગમાં દારૂ લઈને ફરતો હોય છે, તો કોઈ ડિકીમાં મૂકીને ફરતો હોય છે. તે ઉપરાંત આ એક્ટિવા ચાલકોની એક ચોક્કસ જગ્યા પણ નિયત હોય છે. જ્યાં તેઓ એક્ટિવા ઉપર બેસીને દારૂનો વ્યાપાર કરતાં હોય છે.
આ વિસ્તારોમાં અમદાવાદ-માઉન્ટ આબુ હાઇવે બુટલેગરો માટે હોટ ફેવરેટ છે. તેમાંય આકેશણ તરફ જતો રોડ એટલે કે એરોમા સર્કલથી અમદાવાદ તરફ જતાં પૂલની નીચે બે છોકરાઓ અંગ્રેજી દારૂ પોતાની એક્ટિવા ઉપર લઈને બેસે છે. આ તમામ પેડલર રવિ માળી નામના બુટલેગરના છે. આ બુટલેગરના હાથ નીચે પાંચથી વધારે છોકરાઓ કામ કરી રહ્યા છે, જેઓ વિવિધ સ્થળો ઉપર એક્ટિવા ઉપર જ અંગ્રેજી દારૂનો વ્યાપાર કરે છે.
આ પણ વાંચો-અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે બાંગ્લાદેશી દંપતીને ઝડપી પાડ્યું; થયા ચોંકાવનારા ખુલાસા
એક્ટિવા ઉપર દારૂનું વેચાણ કરાવનારા બુટલેગરો પોલીસને મસમોટો હપ્તો આપતા હોવાની વિશ્વસનિય સુત્ર પાસેથી માહિતી મળી રહી છે. પાલનપુરના દરેક ખુણે-ખાંચરે એકદમ ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો છે. શું પોલીસને ખુલ્લેઆમ વેચાતો દારૂ નજરે પડ્તો નહીં હોય? પોલીસ પૈસા કમાવવા માટે સમાજ માટે સૌથી મોટો દૂષણ અને રાક્ષસને ખુલ્લો મૂકી દીધો છે. જે સમાજને વેરવિખેર કરવા માટે પૂરતો છે. આ દારૂના નશામાં અનેક ઘર-પરિવાર-કુટુંબ બર્બાદ થઇ ચૂક્યા છે. તે છતાં પોલીસ પોતાના સ્વાર્થ માટે આવા બુટલેગરોને છાવરી રહી છે.
પાલનપુરમાં એક્ટિવા ઉપર અંગ્રેજી દારૂના વેચાણનું ચલણ ચાલું કરનારા બુટલેગરોના શહેરમાં જેટલા પણ પેડલરો છે, તેઓ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસ સ્ટેશન નજીકમાં પણ વેપાર કરી રહ્યા છે. અરે એક કેસમાં તો જ્યાં દારૂનું વેચાણ થઇ રહ્યું છે, ત્યાંથી પોલીસ કમિશ્નરની ઓફિસ એક કિલોમીટર પણ દૂર નથી. પોલીસ પોતાની ભૂમિકા ભૂલી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. રવિ જેવા બુટલેગરોને ખુલ્લો દૌર આપી દેવામાં આવ્યો છે. દારૂના રાક્ષસી દૂષણને શહેરના લોકો ઉપર છૂટ્ટો મૂકી દેવાની પરવાનગી આપનારા પોલીસ અધિકારીઓ પાસેથી જનતાએ જ જવાબ માંગવો જોઈએ. તેમાંય ખાસ કરીને મહિલાઓએ જવાબ માંગવો જોઈએ. કેમ કે દારૂની સૌથી નકારાત્મક અસર અંતે તો મહિલાના જીવન ઉપર જ થતી હોય છે.
આ પણ વાંચો- નેતાજીએ ક્લાસ વન અધિકારીને કહ્યું- આપણો વિશ્વાસુ અધિકારી છે, સારી જગ્યાએ સેટ કરી દો!!!
પાલનપુરમાં તો એસપી અક્ષયરાજ મકવાણાના નાક નીચે દારૂનું વેચાણ થઇ રહ્યું છે, તેવું કહેશું તો પણ કોઈ જ અતિશ્યક્તિ થશે નહીં. પોલીસે પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવીને સામાજિક દૂષણને ઘરે-ઘર સુધી ફેલાવનારા રવિ માળી અને તેના અન્ય પાર્ટનરને જેલના હવાલે કરવી જોઈએ. રવિ સહિતના અન્ય બુટલેગર અને તેમના પેડલર જેલમાં પૂરાશે તો જ પાલનપુર સુરક્ષિત રહેશે. આ તમામ બુટલેગરો વિશેની વિગતવાર માહિતી આગામી અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે. જેમાં વીડિયો થકી બુટલેગરોના ચોંકાવનારા કારનામાઓથી વાકેફ કરવવામાં આવશે. તો બીજી તરફ પાલનપુર પોલીસ કેટલી નિષ્ક્રિય અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે, તેના વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.