ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસું સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરી દેવાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું હતું, જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા અને દુષ્પ્રેરણા આપનારાને સજાની જોગવાઈ છે. આ બિલમાં અંધશ્રદ્ધાળુઓને છથી સાત વર્ષની જેલ અને રૂ. પાંચ હજારથી માંડીને રૂ. 50 હજાર સુધીનો દંડની જોગવાઈ છે.
આ ઉપરાંત બિલમાં આવા આરોપીઓને જામીન નહીં આપવાની પણ જોગવાઈ છે. જો કે અંધશ્રદ્ધાને કાબુમાં રાખવા માટે દેશમાં ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક ઓડિશા, છત્તીસગઢ અને આસામ જેવા રાજ્યો આ પ્રકારનો કાયદો બનાવી ચૂક્યા છે. આમ, અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવનારું ગુજરાત દેશનું સાતમું રાજ્ય છે. હવે આ કાયદા પ્રમાણે જે લોકો માનવ બલિદાન, કાળા જાદુ, અઘોરી પ્રથાને સીધું કે આડકતરી રીતે પ્રોત્સાહન આપશે, તો તે ગુનો ગણાશે.
વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કરાયું
આજથી ગુજરાત વિધાનસભાનાનું ત્રિદિવીય ચોમાસું સત્ર શરૂ થયું છે, જેમાં બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું છે. બિલ મુજબ અંધશ્રદ્ધા કરાવનાર, ઘડનાર અને આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનાર સામે કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવશે.
આમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને જામીન નહીં મળવાની સાથે 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીનો દંડની જોગવાઈ છે. જો કે, આસામ, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદા અમલ પછી ગુજરાતમાં આ પ્રકારનો કાયદો અમલમાં આવતાં 7મું રાજ્ય બનશે.
આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે: ગૃહ રાજ્યમંત્રી
ચોમસુ સત્રના પ્રથમ દિવસે ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગુજરાત માનવ બલિદાન ને બીજી અમાનુષી, અનિષ્ટ, અઘોરીપ્રથા, કાળો જાદુ અટકાવવા અને (એનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. કાળા જાદુ હેઠળ ચાલતી પ્રવૃત્તિને રોકવા માટે કોઈ ખાસ કાયદો નથી.
જોકે વર્ષ 2023ની સંહિતા મુજબ ગુનો નોંધવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ખાલી ભારતમાં જ કાળા જાદુની પ્રથા છે એમ નથી, પણ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રથા જોવા મળે છે. દરેક જગ્યાએ આ પ્રક્રિયા રોકવા માટે અલગ અલગ કાયદા લાવવામાં આવ્યા છે. આઝાદીનાં 78 વર્ષ બાદ પણ આ પ્રકારની ઘટના ધ્યાન પર આવે છે, જેને રોકવી જરૂરી છે. નવા કાયદા હેઠળ મહત્ત્વના ગુના સામેલ કરવામાં આવ્યા છે. આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે એમ બિલ રજૂ કરતી વખતે ગૃહરાજ્ય મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.
‘ડાકણ વળગી હોય ને સમાજની પ્રથા જાળવવા જાવ તો ખોટું નથી’
બિલ રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ નવા કાયદા માટે મારા સાથી મિત્રોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. કાયદા બનાવવાથી કાળા જાદુ અટકતા નથી એમ હું માનું છું પણ 182 ધારાસભ્યને આવા દૂષણ દૂર કરવા માટે પ્રજાએ જવાબદારી આપી છે.
ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ જવાબદારી આપણા સૌની છે. ભુવાજીની વ્યાખ્યા છે સમાજના માન્યતા ધરાવતા મંદિરોમાં, સામાજિક અગ્રણી જેવા ભુવા અને આપણે જેને રોકવા માંગીએ છીએ એ બંને એક ગણતા હોઈએ તો અલગ વાત છે. ડાકણ કે ભુત વળગ્યું હોય તો સમાજની જે પ્રથા છે એ પ્રથા જાળવવા માટે ગયા હોય તો ખોટું નથી. દોરો બાંધવો, પીંછી મારવી, દીવો કરાવવો, પૂજા કરવી એને તથા વાળ બાંધીને લટાકવવા કે ગરમ સળીયા શરીર પર લગાડવા એની સરખામણી જ કેવી રીતે થાય? આ બંને ઘટના અલગ છે.
‘બિલમાં ધર્મ અને અધર્મને અલગ પાડ્યા’
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, તમે જે ભુવાજી પાસે જાઓ છો એની પાસે તો આખું ગામ જાય છે પણ ભુવાજીના નામનો ઉપયોગ કરીને બની બેઠેલા ભુવા જેને માત્ર સમાજના શોષિત લોકોની તકલીફોનો લાભ ઉઠાવી વર્ષોની બચત વપરાઈ જાય, જીવન ગુમાવ્યા છે એ જીવન બચાવવા માટેનો આ કાયદો છે. નોંધણી કરવા માટેના જે સુચન છે એ યોગ્ય છે. જેનાથી લોકોને માહિતી પ્રાપ્ત થશે એ સુચનનું પાલન કરવામાં આવશે. ખાનગી બિલ લાવનારા લોકો જ અહીં આવી ગયા છે.
એ બિલમાં બદલાવ એ છે કે સાચા ભુવાજી અને ખોટા ભુવાજી અંગેની માહિતી છે જેમાં પોલીસની દખલઅંદાજી અંગેની વાત પણ નક્કી કરવામાં આવી છે. જે બિલ હતું એમાં ધર્મ અને અધર્મ એક થતું હતું. જ્યારે આ બિલમાં ધર્મ અને અધર્મ બંને અલગ છે. કિરીટ પટેલે મહારાષ્ટ્ર અને કેરળના બિલ વાંચ્યા છે પણ ગુજરાતના બિલના અમૂક પાના વાંચ્યા નથી. આ કાયદાની કલમ 3માં કાળા જાદુનો કોઈ પણ રીતે પ્રચાર નથી કરી શકતા, વિજીલન્સ અધિકારીના જ્યુરીડિક્શન અંગેની સ્પષ્ટતા કરી છે. એ સિવાય પણ જે સૂચન આવ્યા છે એનો અભ્યાસ કરી તેનો ઉમેરો કરવા વિચાર કરીશું.