ગુજરાતમાં રાજકારણના બે મોટા નેતાઓ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાતાં ગુજરાતના રાજકારણમાં કંઈક નવાજૂની થવાના એંઘાણ જોવા મળી રહ્યા છે. રાજકીય ગલીઓમાં મુલાકાતને લઈને ગણગણાટ પણ શરૂ થઇ ગયો છે. ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડ્યું છે.
આ મુલાકાતને લઈને કેટલાક સમયથી રાજકારણ અને સમાચારોથી દૂર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ થઈ રહી છે.
આ મુલાકાતને મોટા રાજકીય ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. મુલાકાતને લઈને શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘આ માત્ર એક શિષ્ટાચાર મુકાલાત હતી, અમે સાથે મળીને ચા-પાણી કર્યા અને ઘણી વાતો કરી હતી. હું દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવા ગયો હતો.’
આ પણ વાંચો- ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકત થશે જપ્ત; હવે ભ્રષ્ટાચાર કરવો પડી શકે છે ભારે
જો કે આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાના પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ પણ શરુ થઈ ગઈ છે, પરંતુ આ અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. તો તે સિવાય પણ એક એવી માહિતી સામે આવી રહી છે, જે ચોક્કસ રીતે ગુજરાતના રાજકારણમાં ધડાકો સાબિત થઇ શકે છે.
શંકરસિંહનો પુત્ર બીજેપીમાં જોડાય તેમાં તો કોઈ નવાઇ નથી પરંતુ પાછલા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ બીજેપીથી દૂર જઈ રહ્યો હોવાથી તેમને પરત પોતાની પાર્ટી તરફ વાળવાનું કામ શંકરસિંહને સોંપવામાં આવશે. ક્ષત્રિય લોબીને લઈને બીજેપીમાં પાછલા ઘણા સમયથી ખિચડી પકવવાની વાત ચાલી રહી છે, પરંતુ ખિચડીને વ્યવસ્થિત રીતે પકવે તેવો યોગ્ય વ્યક્તિત્વ મળી રહ્યો નહતો. જો કે, અંતે બીજેપી દ્વારા શંકરસિંહ વાઘેલા ઉપર નજર ગઈ છે. તેથી તેમણે પોતાની તરફ લેવાની ક્વાયત અમિત શાહે હાથ ધરી છે.
આ ક્વાયતના ભાગરૂપે અમિત શાહે શંકરસિંહ વાઘેલાને રાજ્યપાલ બનવાની ઓફર પણ આપી હોવાનું કથિત રીતે સામે આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજને પોતાની તરફ આકર્ષવા માટે ગુજરાત નહીં પરંતુ રાજસ્થાનથી શરૂઆત કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો- મહિલા અત્યાચારમાં રાજકીય નેતાઓનો આંકડો ડરામણો; 151 વર્તમાન સાંસદો અને ધારાસભ્યો સામે રેપ સહિતના કેસો
તેથી શંકરસિંહ વાઘેલાને રાજસ્થાનના રાજ્યપાલના પદ્દે નિયુક્ત કરવામાં આવી શકે છે. કેમ કે રાજસ્થાનમાં ક્ષત્રિય સમાજનો સારો એવો દબદબો હોવાના કારણે ત્યાંથી જ ક્ષત્રિય સમાજને વાળવાની કોશિશ કરવામાં આવી શકે છે. જો કે, શંકરસિંહ વાઘેલા દ્વારા પોતાની અલગ જ માંગો મૂકવામાં આવી હોવાની પણ જાણકારી સામે આવી રહી છે. પરંતુ આ જાણકારી સામે આવી શકી નથી.
આગામી થોડા જ સમયમાં શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે થયેલી બેઠક અંગેની મોટી અપડેટ સમાચાર પત્રોમાં ચમકી શકે છે.