મહિલા અત્યાચારમાં રાજકીય નેતાઓનો આંકડો ડરામણો; 151 વર્તમાન સાંસદો અને ધારાસભ્યો સામે રેપ સહિતના કેસો

કલકત્તામાં જુનિયર ડોક્ટર પર હોસ્પિટલમાં જ રેપ બાદ હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે અને મહિલા સુરક્ષાનો મુદ્દો ફરી ઉગ્ર બની રહ્યો છે. રાજકીય પક્ષો પણ આ મામલો ઉઠાવી રહ્યા છે એવામાં નેતાઓ સામે મહિલા પર અપરાધના દાખલ કેસોના આંકડા સામે આવ્યા છે. એડીઆરના રિપોર્ટ અનુસાર દેશમાં 151 વર્તમાન સાંસદો અને ધારાસભ્યોની સામે મહિલાઓ પર અત્યાચારના કેસો દાખલ છે. જેમાં 16 કેસો મહિલાઓ પર દુષ્કર્મ સાથે જોડાયેલા છે.

વર્ષ 2019થી 2024 દરમિયાન સાંસદો અને ધારાસભ્યોએ ચૂંટણી કમિશનને સોંપેલા સોગંદનામામાં પોતાની સામે ગુનાના કેસો દાખલ છે તેની વિગતો પણ જાહેર કરી છે. એડીઆર દ્વારા કુલ 4809 સોગંદનામામાંથી 4693ની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી મહિલા વિરોધી અપરાધના કેસોમાં 16 સાંસદો અને 135 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. રાજ્યો પર નજર કરીએ તો પશ્ચિમ બંગાળ આ યાદીમાં ટોચના સ્થાને છે. બંગાળમાં આવા 25 સાંસદો અને ધારાસભ્યો છે કે જેમની સામે મહિલાઓ વિરુદ્ધ અત્યાચારના કેસો દાખલ છે.

આ પણ વાંચો- વિધાનસભામાં ગુંજ્યો ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો; 130 શિક્ષકો શાળાઓથી દૂર

બંગાળ બાદ 21 નેતાઓ સાથે આંધ્ર પ્રદેશ બીજા અને 17 નેતાઓ સાથે ઓડિશા ત્રીજા ક્રમે છે. થાણેમાં બે બાળકીઓનું શોષણ અને કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ ક્રૂરતાથી હત્યાની ઘટનાઓ ચર્ચામાં છે એવા સમયે આ આંકડા જાહેર કરાયા છે.

રિપોર્ટ મુજબ વર્તમાન 16 સાંસદો અને ધારાસભ્યોએ પોતાની સામે આઇપીસીની કલમ 376 હેઠળ રેપની ફરિયાદ દાખલ હોવાનું જાહેર કર્યું છે. જેમાં 10 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઇ છે. આ કુલ 16 માંથી બે સાંસદો અને 14 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

પક્ષ પર નજર કરીએ તો મહિલાઓ પર અત્યાચારના કેસોમાં ભાજપ પ્રથમ ક્રમે છે. ભાજપના 54 સાંસદો અને ધારાસભ્યોની સામે આવા કેસો દાખલ છે. જ્યારે 23 સાથે કોંગ્રેસ બીજા અને 17 સાથે ટીડીપી ત્રીજા ક્રમે છે. ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષોના વર્તમાન પાંચ પ્રતિનિધિઓ સામે બળાત્કારના કેસો દાખલ છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં આ વર્ષે જ લોકસભાની ચૂંટણી યોજાઇ ગઇ, જેમાં ચૂંટાયેલા સાંસદો સામે પણ વિવિધ ગુનાના કેસો છે. આંકડા મુજબ હાલના ચૂંટાયેલા તમામ સાંસદોમાં 46 ટકા સામે ક્રિમિનલ કેસો છે. એટલે કે 543માંથી ૨૫૧ સાંસદો સામે કેસો છે જેમાંથી 27ને તો દોષિત પણ ઠેરવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- ભારતમાં મહિલાઓ અસુરક્ષિત; દર ચાર કલાકે એક મહિલા ઉપર થાય છે દુષ્કર્મ

10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2014માં આ આંકડો 185 (34 ટકા), 2009માં 162 (30 ટકા), 2004માં 125 (23 ટકા) જ હતો. એટલે કે વર્ષ 2009 બાદ આવા સાંસદોની સંખ્યામાં 55 ટકાનો વધારો થયો છે. આ વર્ષે સાંસદ બનેલામાં 170 (31 ટકા) સામે ગંભીર ગુનાના કેસો છે જેમાં બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલા વિરોધી અપરાધોનો સમાવેશ થાય છે.