અમદાવાદના 20 અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં પોલીટેકનિકથી IIM વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને એડવોકેટ સલીલ ઠાકોર મારફતે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. અરજદારોએ આ બ્રિજ નિર્માણને જ પડકાર ફેંક્યો હતો. હાઇકોર્ટે આ PIL નો વિષય વિસ્તૃત કરીને શહેરમાં ટ્રાફિક સમસ્યા, બ્રીજની ડિઝાઇન, ગ્રીન કવર સુધી વિસ્તાર્યો છે. આજે આ મુદ્દે હાઈકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ શહેરમાં ટ્રાફિક નિયમોનો કડક અમલ કરાવાઈ રહ્યો છે. ટુ વ્હીલર ચાલકો અને તેની પાછળ બેસેલા માણસો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે. ઉપરાંત રોંગ સાઇડ અને બેદરકારી પૂર્વકના ડ્રાઇવિંગ, નો પાર્કિંગ જેવા મુદ્દે કડક પગલા લેવાઈ રહ્યા છે.
અકસ્માત સંભવિત ક્ષેત્રો ઉપર ભયસૂચક બોર્ડ મુકવામાં આવ્યા છે. કોર્ટના આદેશ બાદ ચીફ સેક્રેટરીએ અમદાવાદ પોલીસ કમીશ્નર અને JCP સાથે ટ્રાફિક નિયમોના અમલ માટે 09 ઓગસ્ટે મિટિંગ યોજી હતી. ત્યારબાદ 21 ઓગસ્ટે ચીફ સેક્રેટરીએ ગૃહ વિભાગના સેક્રેટરી, AMC કમીશ્નર, IGP, ટ્રાન્સપોર્ટ અધિકારી વગેરે સાથે રીવ્યુ મિટિંગ યોજી હતી. હેલ્મેટને લઈને ટ્રાફિક પોલીસ ગંભીર રીતે અમલીકરણ કરાવી રહીછે. 01 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધીમાં હેલ્મેટ વગરના 41,401વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને દંડ કરાયો છે. રોજે રોજના રીપોર્ટ મેળવાય છે. ધીમો પણ બદલાવ આવી રહ્યો છે. સરકારને પણ લોકોના સહકારની અપેક્ષા છે. સ્ટ્રેટેજીક જગ્યાએ ટ્રાફિક પોલીસ મૂકવામાં આવી છે. વધુ ટ્રાફિક અને અકસ્માત થતો હોય તેવા સ્થળોએ ટ્રાફિક પોલીસ મુકાઈ છે. જેમાં ઇસ્કોન ચાર રસ્તાથી લઈને દિવ્ય ભાસ્કર હાઉસ, વાડજ સર્કલ, નરોડા પાટિયા વગેરે , રખિયાલ, ઓઢવ વગેરેનો સમાવેશ થાય છે.
01 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધીમા બેદરકાર અને રોંગ સાઈડ ડ્રાઇવિંગના 2568 કેસ નોંધવામાં આવ્યા છે. 29 હજાર કેસ ગેરકાનૂની પાર્કિંગના નોંધાયા છે. 29 બ્લેક સ્પોટ નક્કી કરાયા છે જ્યાં છેલ્લા 03વર્ષમાં 05 ગંભીર અકસ્માત થયા છે અને લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યાં સાઈન બોર્ડ, સ્પીડ લિમિટના બોર્ડ, ભયસૂચક નોટિસ વગેરે મુકાયા છે. જેના ફોટા કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. આ દરમિયાન કોર્ટે સૂચન કર્યું હતું કે હેલ્મેટ વગરના વાહન ચાલકો ત્રણ પકડાય તો તેમનું લાયસન્સ અમુક દિવસ માટે સસ્પેન્ડ કરવા અંગે સરકારે જણાવ્યું હતુ કે, વર્તમાન સમયમાં લાઇસન્સ રદ્દ કરવામાં આવતું નથી. પણ તે અંગે વિચારી શકાય છે. અત્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ફિઝિકલ અને ઇ ચલાન બંને રીતે દંડ કરાય છે. કોર્ટે કહ્યું હતું કે ફિઝિકલ ચલાનમાં તો એક ઓફિસર કેટલાને પકડી શકે ? કોર્ટને ગત આદેશ બાદ કોઈ મોટો ફેરફાર રોડ ઉપર જોવા મળ્યો નથી. કોર્ટ સમજે છે કે પરિવર્તન આવતા વાર લાગશે.
આ પણ વાંચો- જેતપુર: પોલીસના નામે ધાક-ધમકી આપતા યુવકને અસલી પોલીસે ઝડપી પાડ્યો
અરજદારના વકીલે જણાવ્યું હતું કે એરપોર્ટથી આવતા આજે 50 સ્કૂટર એવા જોયા કે તેમણે હેલ્મેટ પહેર્યા નહોતા. કોર્ટે જણાવ્યું હતું કે અમે પણ લોકોને હેલ્મેટ પહેરતા નથી જોતા, આ લોકો પોતાના જીવનની સાથે બીજાના જીવ સાથે રમત રમે છે. દિલ્હીમાં કોઈ પણ હેલ્મેટ વગર વાહન ચલાવી શકતું નથી,અમદાવાદ કાઈ નાનું શહેર નથી. સરકારના ટ્રાફિક વિભાગમાં જગ્યાઓ પણ બહુ ખાલી છે. ટેકનોલોજી નો સહારો લેવો જોઈએ અને ફેઝ વાઇસ પ્લાન બનાવી ટ્રાફિક નિયમોનું અમલીકરણ કરાવવું જોઈએ. આ માટે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે. સાથે જ ટ્રાફિક વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓની લેટેસ્ટ માહિતી કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. કેટલાક લોકોને રોંગ સાઇડ વાહન ચલાવવામાં મજા આવતી હોય છે.
અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કોઈ ઇ ચલાન ભરતું નથી, વાહન વેચવાનો વારો આવે ત્યારે જ ભરે છે. કોર્ટે કહ્યું હતું કે અમદાવાદમાં એક મેજીસ્ટ્રેટને ઇ ચલાનના કેસ ચલાવવા રાખવામાં આવ્યા છે. અરજદારે જણાવ્યું હતી કે જો વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે તો તેઓ લાયસન્સ વગર વાહન ચલાવશે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોના વાહનો જપ્ત કરવા પડે. કોર્ટે જણાવ્યું હતું કે તો એટલા બધા વાહનો આવશે કે આ વાહનો મૂકવા ક્યાં તે પ્રશ્ન સર્જાશે. એડવોકેટ જનરલે એક ઉદાહરણ આપ્યું હતું કે કોરોના કાળમાં માસ્ક પહેરવાનો નિયમ લવાયો હતો. લોકોએ માસ્ક નહિ પહેરવાનો 500 રૂપિયા દંડ ભર્યો પણ માસ્ક પહેર્યા નહિ. કેટલાક લોકોને તો છેવટે અરેસ્ટ પણ કરાયા. જો કે કોર્ટે કહ્યું હતું કે બીજા શહેરોમાં લોકો નિયમો પાળે જ છે. અમદાવાદમાં લોકોને નિયમો તોડવાની મજા આવ છે. આ સમસ્યા ઉપર અભ્યાસ કરીને નિવેડો લાવવો જોઈએ. આપણે હાથ અધ્ધર કરી શકીએ નહિ.
કોર્ટ મિત્રએ સૂચન કર્યું હતું કે ટ્રાફિક નિયમોના પાલન માટે ગંભીર પગલાની જરૂર છે. તેના માટે વિદેશના નિયમોનો પણ અભ્યાસ કરવો જોઈએ. વારંવાર ટ્રાફિક નિયમોના ભંગ બદલ પેનલ્ટી વધારવાની જરૂર છે. વર્ષ 2017 માં ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ સમસ્યા અને ખરાબ રોડ જેવા મુદ્દાઓને લઈને હાઇકોર્ટમાં જાહેરની અરજી થઈ હતી. જેના નિર્દેશોને લઈને હાઇકોર્ટમાં ચર્ચા કરવામાં આવી હતી. કોર્ટના નિર્દેશો બાદ પણ ટ્રાફિક નિયમોનું પાલન થતું નથી. જો કે કોર્ટે મિત્રએ જણાવ્યું હતું કે આ બહુ મોટુ કાર્ય છે. અમદાવાદ શહેર સતત વિસ્તરી રહ્યું છે, પાર્કિગની જગ્યા મર્યાદિત છે, વાહનો વધી રહ્યા છે, જેથી પાર્કિંગ સમસ્યા પણ વધી છે. આ સમસ્યાઓના અભ્યાસ માટે એક એક્સપર્ટ બોડીની જરૂર છે. જેમાં પ્લાનિંગ નિષ્ણાત, સેફ્ટી એક્સપર્ટ, કાયદાના જ્ઞાન વાળા વ્યક્તિ હોવા જોઈએ. AMC એ આવો એક અભ્યાસ કર્યો હતો. અમદાવાદમાં CEPT યુનિવર્સિટી અને અર્બન પ્લાનિંગ સ્કૂલ પણ આવેલી છે.
જેથી કોર્ટે કહ્યું હતું કે આપણે જે નિયમો છે તેનો અમલ કરાવીએ છીએ પણ સમસ્યાના મૂળ રૂપે નિકાલ માટે વિસ્તૃત અભ્યાસની જરૂર છે. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે લોકો સેફ રહે, સંસાધનો સારા હોય અને કોઈને તકલીફ પડે નહિ તેવી વ્યવસ્થાની જરૂર છે. આટલા સમયથી ટ્રાફિક બાબતો ઉપર ધ્યાન ના જતા આ સમસ્યાઓ પહાડ જેવી બની છે. આ સમસ્યાઓના ઉકેલ માટે ફાયનાન્સ અને બજેટની પણ જરૂરછે. સમાચાર સંસ્થાઓના અહેવાલ પ્રમાણે મુખ્યમંત્રીએ રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 15 ઓગસ્ટે જાહેરાત કરીને 5017 કરોડ ફાળવ્યા છે. એક્સપર્ટ બોડીની સાથે પોલીસ ભરતી સમયસર થાય તે પણ જરૂરી છે. રોડ એકબીજાને કાટખૂણે નહીં પરંતુ વળાંક સાથે જોઈન્ટ થવા જોઈએ. ઇસ્કોન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા તરફનો રસ્તો અકસ્માત માટે ભયજનક છે. ખરેખર આવા મોટા રસ્તા ઉપર મુખ્ય રસ્તા પર પ્રવેશ અને તેમાંથી બહાર નીકળવાના રસ્તાઓ એકબીજાને ઓળંગવા જોઈએ નહીં. રસ્તાઓ ઉપર ઝિબ્રા ક્રોસિંગ, લાઈટ ,પાણીનો નિકાલ વગેરે પણ સુધારા માંગે છે. કોર્ટે અત્યારે કાયદાનો અમલ કરાવનાર નોડલ ઓફિસરના કાર્યો ના કરતા, આ સમસ્યાઓના કાયમી નિકાલ માટે પ્લનિંગ ઉપર વિચારવું જોઈએ. આ વાતને કોર્ટે આવકારી હતી.
આ પણ વાંચો- અમિત શાહ તરફથી શંકરસિંહ વાઘેલાને રાજ્યપાલની ઓફર!!! શું ક્ષત્રિય લૉબીને લઈને પાકી રહી છે ખિચડી?
કોર્ટે કહ્યું હતું કે નિયમો ઉપર અભ્યાસ અને પ્લાનિંગ જરૂરી છે કોર્ટે સરકારને પૂછ્યું હતું કે એક તરફ આપણા ત્યાં બેરોજગારી વધુ છે અને તમે જગ્યાઓ ખાલી રાખો છો ? શહેરનું પ્લાનિંગ 02 વર્ષ માટે નહીં પણ આવનારા 50 થી 100 વર્ષ માટે થવું જોઈએ. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ બોડી કેમેરા રાખે છે. જેથી ભ્રષ્ટાચાર થયા નહિ, પારદર્શિતા ખૂબ જરૂરી છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે લોકો આ બાબતે પ્રાઈવસીનો પ્રશ્ન ઉપાડે છે. જેથી કોર્ટે ટકોર કરી હતી કે જાહેર રસ્તા ઉપર પ્રાઈવસીનો કયા પ્રશ્ન આવે છે ? કોટ મિત્રએ આ બાબતે થતા નવા મુદ્દાઓ મીડિયા દ્વારા લોકો સમક્ષ પહોંચાડવા પણ રજૂઆત કરી હતી. કોર્ટે પણ તે વાતને ટેકો આપ્યો હતો. જો કે એડવોકેટ જનરલે નકારાત્મક વલણ દર્શાવ્યું હતું. સેન્ટ્રલ રોડ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા અમદાવાદમાં વર્ષ 2012માં ટ્રાફિક અને રોડ જેવી સમસ્યાઓને લઈને અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેને 12 વર્ષ વીતી ચુક્યા છે. વધુ અભ્યાસની જરૂર સાથે આ ચર્ચા હવે આગામી 6 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.
અગાઉ હાઇકોર્ટે આ અરજી સંદર્ભે ઓથોરિટીને નિર્દેશ આપ્યા હતા કે આગામી 15 દિવસમાં ટુ વ્હીલર વાહન ચાલકો અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ પહેરવાનો અમલ ફરજિયાત રીતે કરાવવામા આવે. શહેરમાં ટ્રાફિક અને રોંગ સાઇડ આવતા વાહનોને કંટ્રોલ કરવામાં આવે. નેશનલ હાઇવે ખાસ કરીને એસ.જી.હાઇવે ઉપર એન્ટ્રી અને એકઝિટ પોઇન્ટ ઉપર અકસ્માત અને વધુ અકસ્માતના સ્થળો ઉપર વોચ રાખીને નિવારક પગલાંઓ લેવામાં આવે. જ્યાં વધુ ટ્રાફિક થતો હોય તેવા એરિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા સવાર સાંજ કામ કરવામાં આવે , રોંગ સાઇડ આવતા વાહનોને દંડ કરાય , તેમજ સાઈન બોર્ડ પણ મુકવામાં આવે
અરજદારે જણાવ્યું હતું કે તેને PIL ને બે ભાગમાં વહેંચી છે. જેમાં એક તો IIM ચાર રસ્તા ઉપર બનનાર બ્રિજ અને બીજો વિષય એસ.જી.હાઇવે ઉપરના ટ્રાફિક સમસ્યા છે. અરજદારે આ માટે એક કમિટીની રચનાની માંગ કરી હતી. જેમાં એસ.જી.હાઇવે ઉપર રોડની ડીઝાઈન, ટ્રાફિક સમસ્યા, અકસ્માત નિવારણ માટે સૂચનો આપે. એસ.જી.હાઇવે ઉપર સમયાંતરે ચેકીંગ કરીને રીપોર્ટ આપવામાં આવે. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં ટ્રાફિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક નિયમોનું પાલન ના થતું હોય તે વગેરે બાબતો આ જાહેર હિતની અરજીનો વિષય છે. ઓથોરિટી દ્વારા અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા, હેલ્મેટ વગર જતા ટુ વ્હીલર ચાલકો, ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને સતત ચેકીંગ કરવામાં આવે. ઝિબ્રા ક્રોસિંગને યોગ્ય સમયે ફરી પેઇન્ટ કરવામાં આવે. દર 06 મહિને એસ.જી.હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યા મુદ્દે ચેકીંગ કરવામાં આવે. એસ.જી.હાઇવે ઉપર તમામ સ્ટ્રીટ લાઈટ ચાલુ હાલતમાં હોવી જોઈએ અને સર્વિસ રોડ પણ યોગ્ય લાઈટવાળા હોવા જોઈએ. એસ.જી.હાઇવે ક્રોસ કરવા રાહદારીઓ માટે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવે.
હાઇકોર્ટે આ જાહેર હિતની અરજીનું નામ રી મેનેજમેન્ટ ઓફ ટ્રાફિક ઈન ધ સિટી અહમદાબાદ એન્ડ ફિલિંગ વેકેંસી ટ્રાફિક પોલીસ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાય ઓવર ઈન સિટી કરવાનું સૂચન કર્યું હતું. હાઇકોર્ટને જણાવાયુ હતુ કે એસ.જી.હાઇવે તે નેશનલ હાઇવે નંબર 147 છે. જે AMC, AUDA અને ગુજરાત રાજ્યની ઓથોરિટીમાં આવે છે. આ રોડ ઉપર ટ્રાફિક મેનેજમેન્ટ અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે. અહી ઘણી જગ્યાએ સાઈડ રોડ જ નથી. ક્યારેક AMC આ હાઇવે ઉપર કોઈ નિર્માણ કરે તો NHAI તેને તોડે છે. આ હાઇવે 44 કિલોમીટર લાંબો છે. જે ચિલોડા, ગાંધીનગરથી સરખેજ સુધી વિસ્તરેલો છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલથી ઉજાલા સુધી 18 કિલોમીટર લાંબો હાઇવે શહેરી વિસ્તારમાંથી પસાર થાય છે. રોજના 03 લાખ વાહનો આ હાઇવે ઉપરથી પસાર થાય છે. આ હાઇવે ઉપર CCTV માટે પોલીસ, ટ્રાફિક માટે લોકલ પોલીસ અને રોડ બનાવવાનું કામ NHAI સંભાળે છે, સ્ટ્રીટ લાઈટ અને બ્યુટીફિકેશનનું કાર્ય AMC કરે છે. આ હાઇવે ઉપર બહારથી એન્ટ્રી તેમજ એક્ઝિટ કરવું અઘરું છે. અહી લોકો રોંગ સાઈડ ટર્ન લે છે.
હાઇકોર્ટથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જવા સર્વિસ રોડ નથી. જેથી અહીં આવેલી ઓફિસમાં કામ કરતા લોકો હાઈવેનો ઉપયોગ કરે છે. વૈષ્ણોદેવી સર્કલ અને ગોતાબ્રિજ વચ્ચે રાહદારીઓને રસ્તો ક્રોસ કરવા કોઈ માધ્યમ નથી. નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ બીજી તરફ જવા રોંગ સાઈડમાં જાય છે. જેથી ફૂટ ઓવર બ્રીજની તાતી જરુર છે. એસ.જી હાઇવે ઉપર અમદાવાદ શહેરમાંથી પ્રવેશતા બધે જ 90 ડીગ્રીનો ખૂણો બને છે. આ હાઇવે ઉપર તિર્વ વળાંકના ફોટા કોર્ટ સમક્ષ મુકાયા હતા. રોંગ સાઈડમાં લોકો આવતા હોવાનું પણ કોર્ટને જણાવાયુ હતું. કોર્ટે કહ્યું હતું કે ઝાયડસ બ્રિજ ઉપર એસ.જી. હાઇવે ઉપરથી હાઈકોર્ટ તરફ આવતા એક રસ્તો સાયન્સ સિટી તરફ જાય છે. જ્યાં બે મહિનામાં બે અકસ્માત તો ચીફ જજે જોયા છે.
આ પણ વાંચો- ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકત થશે જપ્ત; હવે ભ્રષ્ટાચાર કરવો પડી શકે છે ભારે
અરજદારે જણાવ્યું હતું કે હાઈકોર્ટથી ગોતા બ્રિજ ચઢતા પણ કટ હોવાના કારણે અકસ્માતનો ભય રહેલો છે. કોર્ટે જણાવ્યું હતું કે રોજમદાર લોકોને પોલીસ ટ્રાફિક મેનેજ કરવા રાખે છે. જેમની પાસે એક ઝાડની ડાળખી હોય છે. આ ચીફ જજે જાતે જોયું છે. અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ પહેરતું નથી. હવે બોડકેદેવામાં મુંબઈ જેવો ટ્રાફિક હોય છે. જો કોઈ હેલ્મેટ પહેરતું જ ના હોય તો મેમો આપવાનો મતલબ શું ? આતો પકડાયો એ ચોર જેવું વલણ છે ! અરજદારે ટ્રાફિક પોલીસ મેમો નહિ આપવા લાંચ લેતાં હોવાનું પણ કોર્ટને જણાવ્યું હતું. જેથી કોર્ટે સરકારને પૂછ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત કરો. ફરજિયાત હેલ્મેટની અમલવારી માટે સરકારે શું કર્યું ?
અરજદારે જણાવ્યું હતું કે ઇસ્કોન સર્કલ પાસે રોડ ઉપર AMTS અને ST બસો ઊભી હોય છે. અહીં GSRTC નું ટિકિટ કાઉન્ટર છે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે જો પોલીસમાં એક વર્ષથી ભરતી નથી કરવામાં આવી તો ટ્રાફિક પોલીસમાં પણ ભરતી નહિ જ થઈ હોય ! અમદાવાદમાં વધુ અકસ્માતો થાય છે, જેથી રોડ અકસ્માતના ડેટા કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. રોડના પ્લાનિંગમાં ફોલ્ટ લાફલગી રહ્યો છે, યોગ્ય પ્લાનિંગની જરૂર છે. AMC શેના આધારે કોઈ રોડ ઉપર ફ્લાયઓવર બનાવવાનું નક્કી કરે છે ? ઓથોરિટીએ જણાવ્યું હતું કે તે રોડ ઉપરના ટ્રાફિક ડેટાને આધારે ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવે છે. કોર્ટે કટાક્ષ કર્યો હતો કે શું આ ઓફિસમાં બેસીને નક્કી કરવામાં આવે છે કે પછી કોઈ નિષ્ણાંતની સલાહ લેવામાં આવે છે ? જે સંદર્ભે કોર્ટને જણાવ્યું હતું કે ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ તેમજ સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ડેટાના આધારે આ નિર્ણય લેવામાં આવે છે.
અગાઉ કોર્ટે પૂછ્યું હતું કે અમદાવાદ શહેર સંદર્ભે છેલ્લે ક્યારે રિપોર્ટ આપવામાં આવ્યો હતો ? કોર્ટને જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2020માં પાંજરાપોળ સર્કલ અંગે અને છેલ્લે 2012માં આખા શહેરમાં આવેલા 34 જંકશન ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો હતો. પાંજરાપોળ ઓવરબ્રિજની જરૂર નથી. આ બ્રિજથી બનાવવાથી 91 ઝાડનો નાશ કરવો પડશે. આ રોડ ઉપર 16 કલાકના છેલ્લા નિરીક્ષણના રિપોર્ટ મુજબ એક દિવસમાં કુલ 1.03 લાખ જેટલા વાહનો પસાર થાય છે. જેમાં સવારે 10 થી 11 માં 10,290 સાંજે 6 થી 7 માં 10,255 વાહનો પસાર થાય છે. જેમાં દ્વિ ચક્રી વાહનોની ટકાવારી 54.8 ટકા, ગાડીઓ 25.5 ટકા, રીક્ષાઓ 12.8 ટકા, માલસામાન હેરફેરના 2.6 ટકા અને 01 ટકા બસનો સમાવેશ થાય છે. નહેરુનગર અને વિજય ચાર રસ્તા વાળા રોડ ઉપર સૌથી વધુ ટ્રાફિક રહે છે. નહેરુનગર તરફ જતા અને ત્યાંથી આવતા મોટા ભાગના વાહનો વસ્ત્રાપુર તરફ વળે છે. અમદાવાદ શહેર સતત પશ્ચિમ તરફ વિસ્તરી રહ્યું છે.
IIM ચાર રસ્તા ઉપર બ્રિજ બનતા 50 વર્ષ જૂના ઝાડના નિકંદન નીકળી જશે. આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ રણજીત બીલ્ડકોનને આપવામાં આવશે. જેને બનાવેલા ચારથી પાંચ બ્રિજ તૂટી ગયા છે, તેનો ટ્રેક રેકોર્ડ ખરાબ છે. આ બ્રિજથી રોડ પણ સાંકળો બનશે. વળી યુનિવર્સિટીથી નેહરુનગર તરફ ઓવરબ્રિજ બને તો પણ તકલીફ પડે તેમ છે. કોર્ટે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા, ટ્રાફિક પોલીસની ભરતી, એસ.જી.હાઇવે ઉપર વાહનોના એન્ટ્રી એક્સિટ પોઇન્ટ, તેમજ ફ્લાય ઓવરની બનવાની વ્યવહારૂતા સહિતના મુદ્દે આગામી સમયમાં સુનવણી હાથ ધરાશે. કોર્ટે 15 દિવસ પછી આ મુદ્દે સુનવણી રાખી છે. જેમાં આજે સરકારને નિર્દેશ આપ્યા હતા કે દ્વિ ચક્રી વાહનો ઉપર જતા લોકોને હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવે. રોંગ સાઈડ આવતા વાહનોની કંટ્રોલ કરે. ટ્રાફિક સમસ્યાઓ નિવારણ કરે. એસટી હાઈવે પર એન્ટ્રી એક્સિડ પોઇન્ટ નિયંત્રિત કરે. અકસ્માત અને વધુ અકસ્માત થતા સ્થળો શોધી નાખીને ત્યાં અકસ્માત નિવારવા પ્રયત્ન કરે. જ્યાં વધુ ટ્રાફિક થતો હોય તેવી જગ્યાઓએ ટ્રાફિક પોલીસ પીક અવર્સમાં ટ્રાફિક રિલીઝ કરાવે. જરૂરી જગ્યાએ સાઈન બોર્ડ પણ મૂકવામાં આવે.