જેતપુર: પોલીસના નામે ધાક-ધમકી આપતા યુવકને અસલી પોલીસે ઝડપી પાડ્યો

જેતપુર શહેરમાં એક કારખાનેદારને પોલીસના નામે ફોન કરી પોતે પીઆઇ, પીઆઇ રાઇટર હોવાનું જણાવી વ્યાજે રૂપિયા આપતા હોય પોલીસ સ્ટેશને આવી જવાનું કહેતો હતો.

જેતપુર સીટી પોલીસે પોલીસના નામે ફોન કરી કારખાનેદારને વ્યાજે રૂપિયા આપો છો તેવું કહી ધમકાવનાર શખ્સને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

શહેરની રાજેશ્વરી સોસાયટીમાં રહેતો અને રાહુલ પ્રિન્ટ નામનું સાડીનું કારખાનું ચલાવતો રાહુલ વાડોદરિયા નામના કારખાનેદાર યુવાનને ગતરોજ પોલીસના નામે ફોન આવેલ તેમાં પ્રથમ હું પીઆઇનો રાઇટર બોલું છું ત્યાં બાદ હું જેતપુર સીટી પીઆઇ એ.ડી. પરમાર બોલું છું તેમ કહી તમોએ યશ વસોયાને ૧૫ હજાર રૂપિયા વ્યાજે આપેલ છે. તેની અરજી સીટી પોલીસ સ્ટેશનમાં આવેલ છે માટે તમે પોલીસ સ્ટેશને આવી જજો તેવું કહ્યુ હતુ.

આવો ફોન આવતા કારખાનેદાર પોલીસ સ્ટેશને ગયેલ અને ત્યાં પીઆઈને રાઈટરને મળતા જાણવા મળેલ કે રાઇટર કે પીઆઇ એ બોલાવ્યો જ નથી.  જે મોબાઈલ નંબર પરથી કોલ આવેલ તે કોઈ પોલીસ કર્મચારીના છે જ નહીં. જેથી કારખાનેદારે પોલીસનું ખોટી રીતે નામ વટાવનાર વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.  સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ બાબતે ત્વરિત તપાસ કરી પોલીસનું ખોટું નામ ધારણ કરનાર શખ્સને ઝડપી લીધો હતો. જે શખ્સ જેતપુર તાલુકાના ખારચિયા ગામનો વતની શખ્સ પૃથ્વીરાહ ઉર્ફે પ્રતાપ મહેશભાઈ ખુમાણ હોવાનું ખુલ્યું હતું.