શું ઓઢવ પોલીસ વિજય સુવાળાને જેલના સળિયા પાછળ ધકેલશે ખરી?

અમદાવાદ: ગુજરાતમાં ભુવાજી તરીકે ઓળખાતા અને જાણીતા લોકગાયક વિજય સુવાળા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વિજય સુંવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકો વિરુદ્ધ ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વિજય સુવાળાએ વર્ષ 2020થી ચાલી રહેલા મનદુ:ખને લઈ મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી ધમકી આપતા હોવાનું સામે આવ્યું છે. વિજય સુંવાડા અને તેમના ભાઈ સહિત 30થી વધુ લોકો 15-20 ગાડી લઈ હુમલો કરવા આવ્યા હતા. જેના સીસીટીવી હાલ સામે આવ્યા છે. આ ઘટના સંદર્ભે ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે શહેરના ઓઢવ વિસ્તારમાં વિજય સુવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકો સામે હુમલો કરવાને લઇને ફરિયાદ નોંધવામાં આવી છે. દિનેશ નામના વ્યક્તિને મારવાનું કહીને વિજય સુવાળાએ રીતસર ગુંડાગર્દી કરી હતી. દિનેશ ક્યાં છે? આજે તેને મારી નાખવાનો છે, તેવું કહીને મોડીરાતે ઓઢવમાં વિજય સુવાળા સહિતના લોકોએ હથિયાર સાથે એસ્ટેટ બ્રોકરની ઓફિસ પર હુમલો કર્યો હતો. હથિયાર સાથે 30થી વધુ લોકોનું ટોળું એકઠું થતાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

આ ઘટના સંદર્ભે ઓઢવ પોલીસે વિજય સુવાળા, યુવરાજ સુવાળા, રાજુ રબારી, વિક્કી અને સુરેશ દેસાઈ સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બ્રોકર દિનેશ અને વિજય સુવાળા પહેલાં મિત્રો હતા, પરંતુ વર્ષ 2020થી બન્ને વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી. તો બીજી તરફ હવે તે જોવું રસપ્રદ રહેશે કે, શું ઓઢવ પોલીસ વિજય સુવાળા સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરી છે કે, પછી કોઈ નેતાની ભલામણની શરમ રાખે છે. કેમ કે જાહેરમાં ગુંડાગર્દી કરીને આખો વિસ્તાર માથે લેવાના સીસીટીવી ફુટેજ મીડિયામાં ફરી રહ્યા છે. પૂરતા પ્રમાણમાં પૂરાવા હોવા છતાં પણ પોલીસ વિજય સુવાળાને જેલના સળિયા પાછળ ન ધકેલે તો કાયદો કાયદાનું કામ કરી રહ્યો નથી. તે ઉપરાંત કાયદાના રક્ષક નેતાઓના સગા-સંબંધીઓના રક્ષક બની બેસ્યા છે, તે સમજી લેવામાં આવે તો પણ અતિશ્યોક્તિ ગણાશે નહીં.

ઉલ્લેખનિય છે કે, એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇ મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના અડીસણા ગામનો રહેવાસી છે. તેના પિતા એલઆઇસી એજન્ટ છે. જેમની ઓફિસ ઓઢવ પમ્પિંગ સ્ટેશનની સામે જવાલીન ચેમ્બર્સમાં આવી છે. દિનેશની ઓફિસ વૈષ્ણવદેવી સર્કલ ખાતે આવેલા રોઝહુડ રિસોર્ટમાં આવેલી છે. દિનેશ સાથે તેનો પિતરાઇ ભાઈ ચેતન ભાગીદાર છે.