અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની સાથે હવાનું નબળુ દબાણ રચાયું છે. હવાનું નબળુ દબાણ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઇ ઉત્તર ગુજરાતમાં આગામી 10 દિવસ સુધી વરસાદનો વધુ એક રાઉન્ડ સક્રિય રહેશે. 24 થી 28 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા 75 ટકાથી વધુની રહેશે. 24મીએ શનિવારે ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
25 મીને રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ 26 મીને સોમવારે બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને લઇ સિઝનમાં પ્રથમ વખત ત્રણ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ભાદરવા જેવી ગરમી પડી રહી હતી. બુધવાર રાત્રે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ બાદ ગુરૂવાર સવારેથી અસહ્ય ઉકળાટવાળુ વાતાવરણ રહ્યું હતું. જો કે, બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અરબી સમુદ્રમાં બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 45 ટકા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
12 દિવસ બાદ 21 તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ મોડાસામાં વરસ્યો હતો. જ્યારે 5 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.જેમાં શુક્રવારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા 75 ટકા સુધીની છે. આ દરમિયાન મહેસાણા અને પાટણ જિલ્લાને બાદ કરતાં ત્રણેય જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો છે. જ્યાં બુધવારથી વાતાવરણ પલટાતાં વરસાદી માહોલ બન્યો છે. અને દાંતામાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો.
દરમિયાન ગુરૂવારે પણ સવારે અહ્યય ગરમી અને બફારા બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાલનપુરના વાસણ, ધાણધા, ગોળા, ફતેપુર અને વડગામ, જલોત્રા સહિતના વિસ્તારોમાં છુટાછવાયા હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. જલોત્રામાં એક કલાકમાં પોણા ઇંચ જેટલો વરસાદ પડતાં માર્ગો ઉપર પાણી રેલાયા હતા. સ્કુલના બાળકોએ પાણીમાં ચાલવાનો આનંદ માણ્યો હતો. બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાંજે 6 વાગ્યા સુધીમાં વડગામમાં 10 મી.મી., દાંતીવાડામાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે. દરમિયાન જિલ્લાના અન્ય વિસ્તારો કોરાધાકોર રહ્યા હતા.બનાસકાંઠા જીલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 51.89 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે આગામી સમયમાં સારા વરસાદની લોકો આશા સેવી રહ્યા છે.