નેપાળમાં ઉત્તરપ્રદેશની એક બસ નદીમાં ખાબકી છે. ગોરખપુરથી નિકળેલી બસમાં 40 મુસાફરો સવાર હોવાની માહિતી સામે આવી રહી છે. જેમાંથી 14નાં મોત થયાં છે. બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઇવરે અગમ્ય કારણો સર બસ પરથી કંટ્રોલ ગુમાવતા બસ નદીમાં જઈને ખાબકી હતી.
તનાહુન જિલ્લામાં શુક્રવારે સવારે 11.30 વાગ્યે અકસ્માત થયો હતો. જિલ્લા એસપી બિરેન્દ્ર શાહીએ કહ્યું કે બસ મર્સ્યાંગડી પાસે નદીમાં પડી છે. સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સેના અને સશસ્ત્ર દળોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ગોરખપુરમાં બસ રજિસ્ટર
તનાહુનના ડીએસપી દીપકુમાર રાયાએ જણાવ્યું કે બસનો નંબર UP-53 FT 7623 છે. તે ગોરખપુરના ધર્મશાલા બજાર વિસ્તારના રહેવાસી સૌરભ કેસરવાણીની પત્ની શાલિની કેસરવાણીના નામે નોંધાયેલ છે. યુપી સરકારના ડિઝાસ્ટર રિલીફ કમિશનરે કહ્યું- નેપાળના અધિકારીઓનો સંપર્ક કરીને માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.