- શું ગુજરાત પોલીસ ટૂ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરાવશે કે પછી દંડ વસૂલવા પર ભાર મૂકશે
- શું ટ્રાફિક પોલીસ જનતા હેલ્મેટ પહેરે તેવી કોશિશ પોલીસ કરશે ખરી? પોલીસ જનતાને હેલ્મેટ પહેરાવવા માટે માત્ર દંડનો જ સહારો લેશે?
- દંડ રૂપી દંડા વડે ફરજિયાત હેલ્મેટના નિયમનો 100 ટકા નિયમન કરાવી શકાશે ખરૂં?
દેવાંગ આચાર્ય; અમદાવાદ: રાજ્ય સરકારને 7મી ઓગસ્ટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવી હતી. આ ફટકાર અકસ્માતમાં જતાં જીવ બચાવવાને લઈને ફટકાર લગાવવામાં આવી હતી. હાઇકોર્ટે પોતાના આદેશમાં ટૂ-વ્હીલર ચાલકોની સાથે-સાથે પાછળ બેસેલા લોકોને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમને કડકાઇપૂર્વક અમલ કરાવવા માટે આદેશ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટ તરફથી પડેલી ફટકાર અને મળેલા આદેશ પછી ગુજરાત સરકારે અમદાવાદ શહેરમાં ટૂ-વ્હીલર ચાલક અને તેની પાછળ બેસનારી વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે. ગુજરાત હાઇકોર્ટે પોતાના આદેશમાં એવું પણ સૂચન કર્યું હતુ કે, જો કોઈ ટૂ-વ્હીલર ચાલક ત્રણ વખત હેલ્મેટ પહેર્યા વગર ઝડપાય તો ચોક્કસ સમય માટે લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવું જોઈએ.
હાઇકોર્ટના આદેશ પછી સરકાર એક્શનમાં આવી છે અને હેલ્મેટનો જનતા ઉપયોગ કરે તે માટે પગલા ભરવાનું શરૂ કર્યું છે. તો હાઇકોર્ટના આદેશ અનુસાર વાહન ચાલકોને શું ખ્યાલ રાખવો તેના વિશે થોડી ચર્ચા કરી લઇએ.
ગુજરાત હાઇકોર્ટની ફટકાર પછી સરકારે શું પગલા ભર્યા
ગુજરાત હાઇકોર્ટના આદેશ પછી અમદાવાદ શહેરમાં સરકારે ટૂ-વ્હીલર ચાલકો અને તેમની પાછળ બેસનારાઓને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કર્યો હતો. આ નિયમનો કડકાઇપૂર્વક અમલ કરાવવા માટે ટ્રાફિક પોલીસ તરફથી શહેરી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાંય ખાસ કરીને અકસ્માત સંભવિત વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે.
તેથી અમદાવાદ શહેરમાં હેલ્મેટ પહેર્યા વગર નિકળશો તો ચોક્કસપણે 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. તે ઉપરાંત ટૂ-વ્હીલર પાછળ બેસનારાને પણ અલગથી 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. આમ તમે બે સવારી જઇ રહ્યાં છો અને એકપણ વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું નથી તો 1000 રૂપિયા દંડ ભરવો પડી શકે છે. આ નિયમ ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરો માટે છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ તેની અમલવારી કરવામાં આવવી જોઇએ તેવા નિર્દેશ મળેલા છે. તેથી સરકાર અને ટ્રાફિક પોલીસ ઈચ્છે તો ગ્રામીણ વિસ્તારમાં પણ હેલ્મેટ પહેરવા ફરજિયા કરવાનો અલગથી આદેશ આપી શકે છે.
વાહન ચાલક અથવા વાહન માલિકની વધશે મુશ્કેલી
હાઇકોર્ટના આદેશ અનુસાર, પાછળ બેસનારે હેલ્મેટ ન પહેર્યું હોય તો દંડ ટૂ-વ્હીલર ચલાવનારી વ્યક્તિને કરવામાં આવશે. તે ઉપરાંત કેસ પણ વાહન માલિક અથવા વાહન ચાલક સામે જ થશે. ભારતમાં હેલ્મેટ રેગ્યુલેશન એન્ડ લો અનુસાર ટૂ-વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમની કલમ 129 મુજબ, જો તમે ટૂ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરો તો તમને 500 રૂપિયાનો દંડ થઈ શકે છે.
લાઇસન્સ રદ્દ કરવાની પ્રક્રિયા ઓન ધ વે
આગામી સમયમાં હેલ્મેટના નિયમનો ચૂસ્તપણે અમલવારી કરાવવા માટે હાઇકોર્ટના નિર્દેશ અનુસાર, જો ચાલક ત્રણ વખત હેલ્મેટ વગર પકડાય છે તો તેનું લાઇસન્સ અમુક સમય માટે રદ્દ કરી દેવામાં આવશે. હાઇકોર્ટના આદેશ પછી સરકાર તેના ઉપર કામ કરી રહી છે. તેથી હાઇકોર્ટના તે નિયમને અમલવારીમાં આવવામાં થોડો સમય લાગી શકે છે.
હેલ્મેટમાંથી પહેરવાથી કોને મળી શકે છે છૂટ
નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ, જો 4 વર્ષથી વધુ ઉંમરનું બાળક ટૂ-વ્હીલર પર બેસે તો તેના માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. શીખ સમુદાયના લોકો તેમના માથા પર પાઘડી ધરાવે છે, જેના કારણે તેમના માથા પર હેલ્મેટ ફિટ આવતું નથી. આ ઉપરાંત તેમની પાઘડી અકસ્માત દરમિયાન હેલ્મેટ તરીકે કામ કરે છે અને માથાને ગંભીર ઇજાઓથી બચાવે છે. તે ઉપરાંત જો કોઈ મેડિકલ કન્ડિશન હોય તેવા સંજોગોમાં હેલ્મેટ પહેરવાથી છૂટ આપવામાં આવી શકે છે. પરંતુ તેના પુરાવા રજૂ કરવા જરૂરી છે.
હાઇકોર્ટે હેલ્મેટને કેમ ભારપૂર્વક ફરજિયાત કરાવ્યા
ગુજરાતમાં પ્રતિદિવસ મોટા પ્રમાણમાં અકસ્માત થાય છે, જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. વર્ષ 2022માં 1814 હેલ્મેટ પહેર્યા વગર ઘરમાંથી બહાર નિકળેલા ટૂ-વ્હીલરોના મોત થયા હતા. આમ લોકોના જીવ બચાવવા માટે હાઇકોર્ટે હેલ્મેટ ફરજિયાત કરાવ્યું છે. પરંતુ પોલીસ નિયમની એસીની તૈસી કરવા માટે તૈયાર બેસી છે. કેમ કે, ટ્રાફિક પોલીસ કે ગુજરાત પોલીસને દંડ વસૂલવામાં જ રસ છે. હાઇકોર્ટના આદેશની આડમાં સરકારની તિજોરીઓ ભરવામાં વધારે ભાર આપવામાં આવશે.
પોલીસે જનતા હેલ્મેટ પહેરે તેવી કોશિશ કરવાની જગ્યાએ દરેક નાકે-ચોકે ટ્રાફિક પોલીસ દંડ વસૂલતી જોવા મળી શકે છે. પરંતુ જનતા હેલ્મેટ ચોક્કસપણે પહેરીને પોતાના પરિવારની સુરક્ષા કરે તેવી કામગીરી કરવામાં રસ દાખવશે નહીં. ઉલ્લેખનિય છે કે, પોલીસ બેડામાં ગણ્યા-ગાઠ્યા એવા પોલીસ અધિકારી છે, જેઓ જનતામાં હેલ્મેટનું વિતરણ કરીને પ્રેમપૂર્વક હેલ્મેટ પહેરવાની અપીલ કરશે.
પાછળ બેસનારાને ક્યું હેલ્મેટ પહેરવું ? ઉભી થઇ ગૂંચવણ
ટૂ-વ્હીલરની પાછળ બેસનારા વ્યક્તિને કેવું હેલ્મેટ પહેરવું જોઇએ તેને લઇને કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. અમદાવાદ સહિતના વિસ્તારોમાં ટોપી ટાઇપના હેલ્મેટ ટૂ-વ્હીલર ચાલકો પહેરતા હોય છે. પરંતુ તે સુરક્ષાની ગેરંટી લેતા નથી. તે પહેરો કે ન પહેરો સરખું જ છે. તે શોભાના ગાંઠિયા સમાન છે. તેવામાં શું ટૂ-વ્હીલરની પાછળ બેસનારી સવારી ટોપી ટાઇપનો હેલ્મેટ પહેરે છે તો તેને દંડ થશે કે નહીં તેના વિશે ગૂંચવણ ઉભી થઇ છે. તેથી પાછળ બેસનારા વ્યક્તિએ પણ પોતાને સુરક્ષિત રાખે તેવું હેલ્મેટ પહેરે તો કંઇ વાંધો આવશે નહીં. કેમ કે સરકારના ધારા ધોરણ અને માપદંડમાં ખરા ઉતરતું હેલ્મેટ પહેરવાથી ચાલકની સુરક્ષા સુનિશ્ચિત થઇ જશે અને દંડ ભરવામાંથી પણ છૂટકારો મળી જશે.
શું હાઇકોર્ટના આદેશ પછી તિજોરી ભરવામાં આવશે કે જનતાને યોગ્ય માર્ગ બતાવાશે?
હાઇકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાના નિયમને ફરજિયાત તો કરી દીધો છે પરંતુ શું ગુજરાત પોલીસ જનતા હેલ્મેટ ચોક્કસ રીતે પહેરે તેવા પ્રયાસ કરશે કે પછી દંડ વસૂલાત કરવામાં જ ભાર મૂકશે તે પણ એક મોટો પ્રશ્ન છે. કેમ કે અત્યાર સુધી આવા કોઈપણ નિયમ આવ્યા છે, ત્યારે ગુજરાત પોલીસે જનતા પાસેથી દંડ સ્વરૂપે પૈસા ઉઘરાવવાનું જ કામ કર્યું છે.
ટ્રાફિક નિયમોનો દુરૂપયોગ સૌથી વધારે પોલીસ દ્વારા પૈસાની કમાણી કરવા માટે કરવામાં આવે છે. જ્યારે પણ આવો કોઈ નિયમ આવે તો રોડ-રસ્તાઓ ઉપર પોલીસનો કાફલો ખડકાઇ જાય છે. આ દરમિયાન જનતા પાસે નિયનો કડકાઇપૂર્વક નિયમન કરાવવાની જગ્યાએ તેમના પાસે પૈસા ખંખેરવાનું કંઇ બાકી રાખતી નથી. જો કે, પોલીસ બેડામાં એવા પણ કેટલાક અધિકારી છે કે જેઓ જનતા ચોક્કસ રીતે નિયમો પાળીને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરે તે માટે પ્રેમપૂર્વક સમજાવે છે. તે ઉપરાંત પોલીસ બેડામાં એવા પણ અધિકારીઓ છે, જેઓ જનતા સારી રીતે ટ્રાફિક નિયમોને પાળે તેના માટે તેમને સમજાવતા હોય છે અને ફ્રિમાં હેલ્મેટનું વિતરણ પણ કરતા હોય છે.
આ વખતે શું ગુજરાત પોલીસ ફરજિયાત હેલ્મેટના નિયમ યોગ્ય રીતે પાળવામાં આવે તે માટે દંડ રૂપી દંડાની જગ્યાએ અન્ય રસ્તાઓ અપનાવીને જનતાને સમજાવવાની કોશિશ કરશે કે પછી જૈસા થા વૈસાની કહાણી ચાલું રાખશે? ખેર, સમય બતાવશે…!
દંડ વસૂલવાની જગ્યાએ પોલીસે હેલ્મેટનું વેચાણ કરવું જોઇએ?
જનતા પાસેથી દંડ લઇને નિયમોને પાળી શકાશે નહીં. કેમ કે સ્વતંત્રતા પછી ગુજરાત પોલીસ દંડ જ વસૂલી રહી છે પરંતુ તેનો કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. તેથી ગુજરાત સરકારે દંડની જગ્યાએ હવે નવા રસ્તાઓ અપનાવવા પડશે. ટ્રાફિક પોલીસને દંડ વસૂલવાની જગ્યાએ સીધા હેલ્મેટ જ આપી દેવા જોઈએ, જેથી જે પણ ટૂ-વ્હીલર હેલ્મેટ વગર નિકળે તેના પાસેથી પૈસા લઈને હેલ્મેટ પહેરાવી દેવું જોઈએ. ઘરમાં બે-ત્રણ હેલ્મેટ ભેગા થઇ ગયા પછી કોઈપણ વ્યક્તિ ત્રીજી વખત હેલ્મેટ પહેર્યા વગર ઘરમાંથી બહાર નિકળવાનું ટાળશે. આમ ધીમે-ધીમે 100 ટકા નિયમનું પાલન થઇ શકે છે. તો બીજી તરફ સરકાર કોઈ મોટી કંપનીને સીધો ઓર્ડર આપે તો થોડો-ઘણો નફો મેળવે તો પણ કંઇ ખોટું નથી. કેમ કે દંડ સ્વરૂપે જનતા પાસેથી પૈસા લઈને સરકારી તિજોરી ભરવી તેના કરતાં તો હેલ્મેટ આપીને જ પૈસા લેવા શું ખોટા?
2022માં માર્ગ અકસ્માતમાં 12 ટકા જેટલો ધરખમ વધારો
2022માં માર્ગ અકસ્માતની સંખ્યા 12 ટકા વધીને 4.6 લાખને પાર થઇ ગઇ હતી અને દર કલાકે 19 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતાં તેમ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ અહેવાલ મુજબ 2022માં દર કલાકે 53 માર્ગ અકસ્માત થયા હતાં. ‘રોડ એક્સિડેન્ટ્સ ઇન ઇન્ડિયા-2022’ નામના રિપોર્ટ અનુસાર 2022માં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 4,61,312 માર્ગ અકસ્માત નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 1,68,491 લોકોનાં મોત થયા હતાં અને 4,43,366 લોકો ઘાયલ થયા હતાં.
ભારતમાં માર્ગ અકસ્માત
માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલયની તરફથી દર વર્ષે રોડ એક્સિડેન્ટ ઈન ઈન્ડિયાના આંકડા જાહેર કરવામાં આવે છે.
1. રોડ એક્સિડેન્ડ ઈન ઈન્ડિયા-2022ની વાર્ષિક રિપોર્ટ અનુસાર કુલ 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા.
2. વર્ષ 2022 દરમિયાન કુલ 1,68,491 લોકોના મૃત્યુ થયા અને 4,43,366 લોકો ઘાયલ થયા હતા.
3. વર્ષ 2021ની સાપેક્ષે 2022માં અકસ્માતોની સંખ્યામાં 11.9 ટકા, મૃતકોની સંખ્યામાં 9.4 ટકા, ઘાયલોની સંખ્યામાં 15.3 ટકાનો વધારો થયો હતો.
4. ભારતમાં દર કલાકે 53 માર્ગ અકસ્માતો થાય છે. જેમાં દર કલાકે 19 લોકોના મૃત્યુ થાય છે.
5. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની રિપોર્ટ અનુસાર 1,51,997(32.9 ટકા)અકસ્માત એક્સપ્રેસ વે અને રાષ્ટ્રીય રાજમાર્ગો પર , 1,06,682(23.1 ટકા) અકસ્માત રાજ્ય રાજમાર્ગો અને 2,02,633(43.9 ટકા) અકસ્માત અન્ય માર્ગો પર થાય છે.
6. માર્ગ દુર્ઘટનામાં 2022 દરમિયાન સૌથી વધુ મૃત્યુ બાઈક સવારોના થયા છે. આ આંકડો 44.5 ટકા જેટલો થવા જાય છે.
આ વર્ષે માર્ગ અકસ્માતમાં 19.5 ટકા પદયાત્રીકોના મૃત્યુ થયા છે.
7.તમિલનાડુમાં 2022માં રાષ્ટ્રીય રાજમાર્ગો પર સૌથી વધુ 64,105(13.9 ટકા) અકસ્માતો થયા. તેમજ 54,432(11.8 ટકા) સાથે મધ્ય પ્રદેશ બીજા ક્રમે છે.