ગુજરાતમાં ધોધમાર વરસાદને લઇને હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે (IMD) વરસાદને લઇને લેટેસ્ટ આગાહી કરી દીધી છે. જેમાં ગુજરાતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, ગોવા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ તમામ 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
25 ઓગસ્ટે ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, ગોવા, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતીય રાજ્યો અને કેરળમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

26 ઓગસ્ટે ગુજરાતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના ભાગો માટે 27 ઓગસ્ટ માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર 24 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. પંચમહાલ,સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીમાં આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.