બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાવણી લાયક વરસાદ બાદ વરસાદે લાંબો વિરામ લીધો હતો. જેના બાદ આજ રોજ પાલનપુર-થરાદ સહિત પંથકમાં ધીમી ધારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકામાં ઘણાં દિવસોના વિરામ બાદ આજ સવારથી વરસાદનું આગમન થયું હતું. તો પાલનપુર નજીક આવેલા બાલારામની નદી બે કાંઠે આવતા ચાલું વરસાદે જોવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. તો પાલનપુરથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા વડગામમાં ચાર ઇંચથી વધારે વરસાદ થયો હતો.
તો પાલનપુરમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડતા ધનિયાણા ચોકડીથી આગળ કાન્હા હોટલ પાસે પાણી ભરાઇ જતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. આ રસ્તો અંબાજી સહિત ખેરાલુ તરફ જાય છે, તેથી મોટા પ્રમાણમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઇએ કે, થોડા એવા વરસાદમાં પણ ત્યાં પાણી ભરાઇ જતાં હોય છે, પરંતુ તંત્ર પાણીના યોગ્ય નિકાળની વ્યવસ્થા કરી શકી નથી.
બનાસકાંઠા પંથક સારો એવો વરસાદ થતાં બાલારામની નદીમાં નવા નીર આવતા મહાદેવ મંદિરે દર્શન કરવા આવતા સહેલાણીઓમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. pic.twitter.com/66wXGibftw
— Gujarat times 24 (@tunvarM) August 24, 2024
તો બનાસકાંઠાના થરાદ વિસ્તારના પંથક એવા વડગામડા, ભોરડુ વેદલા સહિતના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
ઘણાં સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોના વાવેતર કરેલો પાક બળી રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદનું આગમન થતાં સરહદી પંથકના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આ વરસાદે પાકને જીવનદાન આપ્યું છે, પરંતુ જો વધારે વરસાદ પાક બર્બાદ પણ કરી શકે છે.