‘ઉડતા પંજાબ’ની સાઇડ કાપશે ‘ઝૂમતા ગુજરાત’!!! એક વર્ષમાં ઝડપાયું 5640 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

ગાંધીનગર: ગુજરાતમાં પોલીસની રહેમનજરના કારણે દારૂની તો રેલમછેલ થઇ જ રહી છે. હાલમાં ગુજરાતને ઝૂમતા ગુજરાત કહીશું તો પણ કંઇ ખોટું ગણાશે નહીં. કેમ કે પોલીસ બેડાના ઉપલા અધિકારીથી લઇને પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારી પોતાની તિજોરીઓ દારૂના ગેરકાયદેસર રીતે થકી થતી બેનામી સંપત્તિથી જ ભરી રહ્યા હોવાની બૂમરાણ મચેલી છે. આ વચ્ચે વિધાનસભાના સત્રના અંતિમ દિવસે ગુજરાતમાંથી પકડાયેલા ડ્રગ્સ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

વિધાનસભાના સત્રના અંતિમ દિવસે 116ની નોટિસ પર ડ્રગ્સ પકડ્યા અંગેની ચર્ચા હતી. તમામ પ્રશ્નોના જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ 317 ગુના દાખલ કરી કુલ 431 આરોપીઓને પકડી અંદાજે રૂ.5640 કરોડનો મુદ્દામાલ ઝપ્ત કરીને રાજ્યના યુવાધનને બચાવવાની શ્રેષ્ઠ કામગીરી કરી છે.

આ દરમિયાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવતા ઉમેર્યું હતુ કે, વર્ષ-2024માં ગુજરાત એટીએસ દ્વારા દરિયાઈ વિસ્તારમાંથી રૂ.427 કરોડનું આશરે 61 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યુ છે. ગુજરાત પોલીસની સતર્કતા અને સઘન પેટ્રોલીંગને કારણે દરિયાઈ વિસ્તારમાં આવેલા નાના-મોટા લેન્ડિંગ પોઇન્ટ પર 178 કરોડનું બિનવારસી ડ્રગ્સ પકડવામાં પણ ગુજરાત પોલીસ સફળ રહી છે.

ખેર, ગુજરાત પોલીસની ડ્રગ્સ પકડવાની કામગીરીના વખાણ કરવા રહ્યા કેમ કે 5640 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવું એક સિદ્ધિ સમાન છે. પરંતુ સિક્કાના જે રીતે બે પાસા હોય છે, તેવી રીતે કેટલું ડ્રગ્સ પકડાયા વગર રાજ્યમાં ઘુસી ગયું હશે તેનો પણ વિચાર કરવો રહ્યો. વર્તમાન સમયમાં ગુજરાતમાં ડ્રગ્સના વેચાણ કરતાં અસામાજિક તત્વોને પોલીસ ઝડપી રહી છે. જોકે, બીજી તરફ પોલીસ ખાતું દારૂ અને ગાંજાના વેચાણને લઈને મૌન ધારણ કરી લઈ રહ્યા છે. આમ પોલીસ ડ્રગ્સ અને દારૂ-ગાંજાને લઈને બેવડી નીતિ અપનાવી રહી છે. ગુજરાત પોલીસે દારૂને આવકનું એક સાધન બનાવી લીધુ છે. જે બંધ કરવામાં આવે તો લાખો પરિવારોનું સુખ-ચેન પરત આવી શકે છે.

ગુજરાતભરમાં ખુલ્લેઆમ રીતે અંગ્રેજી અને દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. તે વિશે પણ હર્ષ સંઘવીએ વિધાનસભામાં ચર્ચા કરવી જોઇતી હતી. તે ઉપરાંત ગુજરાતના દરિયા કિનારે વારસી હાલતમાં ડ્રગ્સ ક્યાંથી આવી રહ્યું છે. કરોડો  રૂપિયાનું ડ્રગ્સ કોણ મંગાવી રહ્યું છે અને કોણ મોકલી રહ્યું છે તેના જવાબ અત્યાર સુધી ગુજરાત પોલીસ પાસે નથી. માત્ર પાકિસ્તાનનું નામ આપવામાં આવી રહ્યું છે. પરંતુ ભારતમાંથી કોઈ તો મંગાવતું હશે તો જ પાકિસ્તાનમાંથી મોકલવામાં આવતું હશે કે એમ જ કરોડો રૂપિયાનો માલ મોકલી દેવામાં આવતો હશે. આમ ડ્રગ્સ મોટા પ્રમાણમાં ભારતમાં મોકલવામાં આવી રહ્યું છે, તે અંગેની તપાસ સુવ્યવસ્થિત રીતે કરીને તેને બંધ થાય  તેવા પગલા ભરવા જોઈએ.

ઠિક છે આપણે માની લઇએ છીએ કે, ગુજરાત પોલીસે ડ્રગ્સને પકડવાને લઈને પ્રશંસનિય કામગીરી કરી રહી છે પરંતુ દારૂને કેમ પોતાનો સગો દિકરો હોય તેમ સાચવી રહી છે. દારૂના વેપારના કારણે જ પોલીસ બેડામાં વહીવટદારી પ્રથાનો જન્મ થયો છે. વહીવટદારો દ્વારા બુટલેગરોને દારૂના સ્ટેન ચલાવવાની પરવાનગી આપવામાં આવે છે. આ બાબતે પણ વિધાનસભામાં વિપક્ષ દ્વારા થોડો પ્રકાશ પાડવો જોઇતો હતો. તેથી ગૃહ રાજ્યમંત્રી તે અંગે પણ આગામી દિવસોમાં પગલા ભરીને વહીવટદારી પ્રથાને બંધ કરાવવા માટે પગલા ભરી શક્યા હોય અને રાજ્યના યુવાધનને બચાવવા માટે દારૂ સામે પણ કડક પગલા ભરવા માસ્ટર પ્લાન બનાવી શક્યા હોત.

ઉલ્લેખનિય છે કે, દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ પોતાના વિસ્તારમાં બુટલેગરોને દારૂનો સ્ટેન ચલાવવા માટે મસમોટી રકમ લઈને પરવાનગી આપતા હોય છે. આ આવક અસિમિત હોઇ શકે છે. કરોડો રૂપિયાની આવક ધરાવતા પોલીસ સ્ટેશનને ક્રિમવાળા વિસ્તાર કહેવામાં આવે છે. આવા વિસ્તારોમાં એક પોલીસ સ્ટેશનની આવક કરોડો રૂપિયામાં થતી હોય છે. ગુજરાતના દરેક ખુણામાં સરળતાથી દેશી અને અંગ્રેજી દારૂ મળી રહ્યો છે. હવે તો દારૂને ઘરે બેસીને મંગાવી શકો છો. બુટલેગરોએ પ્રગતિ કરી છે અને દારૂની હોમ ડિલિવરી શરૂ કરી છે.  તેથી ગૃહ રાજ્યમંત્રીએ સામાજિક દૂષણ ગણાતા દારૂને ડામવા માટે પોલીસ ખાતાને એક્શનમાં લાવવી જોઈએ.

તેથી જ આવા પોલીસ સ્ટેશનમાં બદલી કરાવવા માટે પીઆઈ કરોડો રૂપિયાની ઓફર આપતા હોય છે. બીજેપીના રાજમાં પોલીસ બેડામાં એક નવી જ સિસ્ટમને જન્મ લઈ લીધો છે. જેમાં કરોડો રૂપિયાની અવરજવર થઈ રહી છે. પાછલા 30 વર્ષથી પણ વધારે સમયથી સત્તામાં રહેલી બીજેપીએ પોલીસ બેડામાં ઘુસેલા ભ્રષ્ટાચાર અને ખોટી બદીઓને દૂર કરવી જોઈએ. જ્યાર સુધી પોલીસ દારૂ સહિતના ગેરકાયદેસર રીતે ચલાવતા બે નંબરના ધંધાદારીઓને છાવરવાનું બંધ કરશે નહીં ત્યાર સુધી પોલીસ ખાતા ઉપર સામાન્ય જનતાનો વિશ્વાસ સંપાદિત કરી શકાશે નહીં. પોલીસ ખાતુ  ભ્રષ્ટાચારથી દૂર થશે નહીં ત્યાર સુધી સામાન્ય નાગરિકોની સુરક્ષા અને તેમના હક્કો અધ્ધરતાલ જ રહેશે. તેથી રાજ્યના ગૃહખાતાને પોલીસમાં બેસેલા ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસને ડામવો રહ્યો.