મહાકાય મચ્છુ-2 ડેમના 28 દરવાજા ખોલવામાં આવ્યા; ગ્રામ્ય વિસ્તારના લોકોને કરાયા એલર્ટ

મોરબી નજીકના મહાકાય મચ્છુ-2 ડેમમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે. જેથી કરીને હાલમાં 28 દરવાજાને ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી કરીને મચ્છુ નદી પણ બે કાંઠે રહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. આ નદીમાં છોડવામાં આવતું પાણી મચ્છુ-3 ડેમમાં જતું હોવાથી મચ્છુ-3 ડેમના પણ 15 જેટલા દરવાજાને 15 ફૂટ સુધી ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પાણીના પ્રવાહથી દૂર રહેવા માટે મોરબી જિલ્લાના કલેક્ટરે લોકોને અપીલ કરી છે.

મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2થી લઈને 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને વાંકાનેર પંથકમાં તથા મોરબીના મચ્છુ ડેમના ખેંચમેંટ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ત્યારે મોરબી સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે આજે સવારે 9:00 વાગ્યાથી મચ્છુ -2 ડેમના 18 દરવાજાને 15 ફૂટ સુધી અને 10 દરવાજા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને હાલમાં મચ્છુ-2 ડેમમાંથી પાણીના જળ જથ્થાને નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેથી કરીને મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી પણ બે કાંઠે વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

આ નદીમાં છોડવામાં આવતું પાણી આગળ જતાં મચ્છુ-3 ડેમમાં જતું હોવાથી મચ્છુ-3 ડેમના પણ 15 દરવાજા 15 ફૂટ સુધી ખોલીને પાણીના જથ્થાને છોડવામાં આવ્યો છે. ત્યારે મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના નીચેના વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તેમજ નદીના પટમાં કોઈએ પણ ન જવા માટેની સૂચના આપવામાં આવેલ છે.

વર્ષ 1979માં આવેલ પુર હોનારત પછી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમાં જુના 18 અને નવા 20 આમ કુલ મળીને 38 દરવાજા ફીટ કરવામાં આવ્યા હતા અને આ ડેમની કુલ જળ ક્ષમતા 3104 એમસીએફટી છે. જોકે વર્ષ 2017માં મોરબી જિલ્લામાં અને ખાસ કરીને મચ્છુ-2 ડેમના ઉપરવાસ અને કેચમેંટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો જેથી કરીને પાણીની જાવક કરવા માટે થઈને આ ડેમના 38 દરવાજા ખોલવામાં આવ્યા હતા એટલે કે ડેમ તૂટ્યો ત્યાર પછી પુનઃ તેનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારથી લઈને વર્ષ 2017 સુધીમાં ક્યારેય પણ એક સાથે 38 દરવાજા પાણીનો નિકાલ કરવા માટે થઈને ખોલવામાં આવ્યા ન હતા. જોકે આ વર્ષે મેઘરાજાની બીજી ઈનિંગમાં આ ડેમના 38 પૈકીના 28 દરવાજા આજે તારીખ 27ને મંગળવારે ખોલવા પડ્યા છે. ત્યારે જો હજુ આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ થાય તો પરિસ્થિતિ વિપરીત બને તેમાં શંકાને કોઈ સ્થાન નથી.