મહારાષ્ટ્રના રાજકોટ કિલ્લામાં શિવાજી મહારાજની 35 ફૂટ ઉંચી મૂર્તિ તૂટી પડી

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સોમવારે તૂટી પડી હતી. આ મૂર્તિનું અનાવરણ ગયા ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 35 ફૂટની પ્રતિમાનું ગયા વર્ષે 4 ડિસેમ્બરે નૌકાદળ દિવસની ઉજવણી દરમિયાન ખૂબ જ ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી પ્રદેશમાં ભારે વરસાદ અને તોફાની પવનો વચ્ચે આજે બપોરે 1 વાગ્યાની આસપાસ આ પ્રતિમા તૂટી પડી હતી.

મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે આ ઘટનાની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, ‘ મારી પાસે આ ઘટના વિશેની તમામ વિગતો નથી. જો કે અગત્યનું છે કે PWD મંત્રી રવિન્દ્ર ચવ્હાણ, જે સિંધુદુર્ગ જિલ્લાના પાલક મંત્રી પણ છે, તેમણે કહ્યું છે કે આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે,’

કેસરકરે શિવાજી મહારાજની દરિયાઈ સિદ્ધિઓને ફરીથી બિરદાવતા આશ્વાસન આપ્યું હતું કે તુટી પડેલી પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમા ઉભી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ‘પીએમ મોદી દ્વારા અનાવરણ કરાયેલ આ પ્રતિમા, સમુદ્ર કિલ્લાના નિર્માણમાં શિવાજી મહારાજના સ્વપ્નદ્રષ્ટા પ્રયાસોને શ્રદ્ધાંજલિ અર્પે છે. અમે આ મુદ્દાને તાત્કાલિક અને અસરકારક રીતે ઉકેલવા માટે તમામ જરૂરી પગલાં લઈશું, અમે એ જ સ્થાન પર નવી પ્રતિમા ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.’

આ ઘટના બાદ વિરોધ પક્ષોએ રાજ્ય સરકાર પર બેદરકારી અને નબળી બાંધકામ ગુણવત્તાનો આરોપ લગાવ્યો છે. શિવસેના (UBT)ના વિધાનસભ્ય વૈભવ નાઈકે સરકારની ટીકા કરતા કહ્યું કે, ‘રાજ્ય સરકાર જવાબદારીથી બચવાનો પ્રયાસ કરી રહી છે. પ્રતિમાના નિર્માણ અને પતન માટે જવાબદાર લોકોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.’

તો બીજી તરફ એનસીપી (એસપી)ના પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મંત્રી જયંત પાટીલે પણ કહ્યું હતું કે, ‘ આ મૂર્તિના પતન માટે રાજ્ય સરકાર જવાબદાર છે, કારણ કે તેમણે યોગ્ય કાળજી લીધી જ નથી. સરકારે કામની ગુણવત્તા પર ઓછું ધ્યાન આપ્યું હતું. તેમને માત્ર એક ઇવેન્ટ યોજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતિમાના અનાવરણ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, આ મહારાષ્ટ્ર સરકાર ફક્ત નવા ટેન્ડર બહાર પાડે છે, કમિશન સ્વીકારે છે અને તે મુજબ કોન્ટ્રાક્ટ આપે છે.’

પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ નુકસાનનું મૂલ્યાંકન કરવા સ્થળની મુલાકાત લીધી છે. નિષ્ણાતો હાલમાં પ્રતિમા તૂટી પડવાનું ચોક્કસ કારણ શોધી રહ્યા છે. જો કે, સાઇટના અધિકારીના જણાવ્યા અનુસાર, જિલ્લામાં ખરાબ હવામાને અને વરસાદે ભૂમિકા ભજવી હોય એવું લાગી રહ્યું છે.