શિવ ભક્તોનો સૌથી પ્રિય મહિનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. દેશ-વિદેશથી ભક્તો “જય સોમનાથ, હર હર મહાદેવ” ના નાદ સાથે સોમનાથ મહાદેવના દર્શને પહોંચી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો પ્રત્યેક દિવસે મહાદેવના વિશેષ શૃંગારના દર્શન કરી ધન્ય થઈ રહ્યા છે.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ કૃષ્ણ નવમીના પવિત્ર દિવસે વિશિષ્ટ બોરસલી શૃંગાર કરવામાં આવ્યો હતો.
હિન્દુ ધર્મમાં બોરસલ્લી વૃક્ષનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. બોરસલ્લી શિવજીના સદ ચિત આનંદ અને શાંતિ અને નિર્મોહનું પ્રતીક છે. બોરસલ્લી વનસ્પતિનો ઉપયોગ ધાર્મિક અને આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શિવલિંગ પર બોરસલ્લીના શ્રૃંગારના દર્શનથી ભક્તો સકારાત્મકતા અને શાંતિ પ્રાપ્ત કરે છે.
પ્રકૃતિમાં અલભ્ય સ્વરૂપમાં મળતી બોરસલ્લીની વનસ્પતિ કઈ રીતે ઉગે છે? તે કોઈ જાણી શકતું નથી. જે રીતે સનાતન ધર્મ પણ આદિ અને અનંત છે. તેનો કોઈ પ્રારંભ કે કોઈ અંત નથી એટલે જ તેને સનાતન કહેવામાં આવે છે. સનાતન ધર્મના પ્રતિક સ્વરૂપે સોમનાથ મહાદેવને બોરસલ્લી શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવના આ અલૌકિક શૃંગારના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા હતા.