ખેરાલુના ડભાડ ગામના વહીવટદારની ઘૌર બેદરકારી; ગ્રામીણ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા

ખેરાલુ તાલુકાના ડભાડ ગામના વહીવટદાર સહિત તલાટી દ્વારા ગંભીર બેદરકારી દાખવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના એટલી ગંભીર છે કે, તેના થકી એકલ-દોકલ નહીં પરંતુ ગામ આખા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાયુ છે. મળી રહેલી જાણકારી અનુસાર, ડભાડ ગામમાં બનેલી પાણીની ટાંકી ઉપર ઢાંકણ જ નાંખવામાં આવ્યું નથી. જેથી અંદર પશુ-પક્ષીઓના મોત થઇ રહ્યા છે અનેે દૂષિત પાણી ગામ લોકોને પીવડાવવામાં આવી રહ્યુ છે.

ડભાડ ગામ પંચાયતના તંત્રએ ઘોર બેદરકારી દાખવતા પાણીની ટાંકી ઉપર ઢાંકણ નાંખ્યુ ન હોવાના કારણે પીવાના પાણીની અંદર એક બિલાડી સહિત સાતથી આઠ કબૂતરોના મોત થયા હતા. આ તમામ પશુ-પક્ષીઓના મૃતદેહો પાણીમાં કોહવાઇ ગયા હતા. વહીવટદારની બેદરાકારીના કારણે આ પાણી ગામ લોકો પીવાના ઉપયોગમાં લઈ રહ્યા હતા. આમ ગામના લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યા છે. ગામમાં અત્યાર સુધીમાં અનેક લોકો અને બાળકોના બિમાર થવાના કેસ સામે આવી ચૂક્યા છે.

તેવામાં પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે કે, શું આ તમામ લોકોની બિમારી પાછળ દૂષિત પાણી છે? જો ગામમાં રોગચાળો ફાટી નિકળ્યો હોત તો વહીવટદાર પોતાની બેદરકારી સ્વીકારી હોત ? શું ગામના વહીવટદાર પાસે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કામગીરી કરવા માટે પણ સમય નથી? કામગીરી જ કરવી નથી તો વહીવટદારની નિમણૂંક કેમ કરવામાં આવી છે? ડભાડ ગામ પંચાયતના વહીવટદાર એવું તો શું કામ કરી રહ્યા છે કે તેમણે સ્વાસ્થ્ય સાથે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે? કામ કરવું નથી તો પછી વહીવટદાર કેમ રાજીનામું આપી દેતા નથી?

પાછલા ઘણા સમયથી ડભાડ ગામની જનતા દૂષિત પાણી પી રહી હતી. હજું સુધી વહીવટદાર દ્વારા પાણીની ટાંકી ઉપર ઢાંકણ નાંખવામાં આવ્યું નથી. ગામ લોકો દ્વારા પીવાની ટાંકી ઉપર જાળી નાંખીને કામચલાઉ કામગીરી કરી છે, પરંતુ વહીવટદાર નિષ્ક્રિય જોવા મળી રહ્યો છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર વહીવટદારને ઘણા સમય પહેલા પીવાની ટાંકી ઉપર ઢાંકણ નાંખવાને લઈને કહેવામાં આવ્યું હતુ. જોકે, વહીવટદાર ગામ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડ કરવા માંગતા હોય તેવુ દેખાઇ રહ્યુ છે. કેમ કે વહીવટદારને જાણ કરવા છતાં તે આંખ આડા કાન કરી રહ્યો છે.

હજું પણ જો સમયસર યોગ્ય પગલાં ભરવામાં આવશે નહીં તો આખા ગામમાં રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી વહીવટદારના માથે રહેશે.

ગામ લોકોમાં વહીવટદારની કામગીરીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. પીવાની પાણીની ટાંકી ઉપર ઢાંકણુ મારવા જેવી નાનકડી કામગીરી કરવામાં લીલીયાવાડી કરનારા વહીવટદાર પોતાનું એકપણ કામ યોગ્ય રીતે ન કરતો હોવાની રાવ ઉઠી છે. ગામ લોકએ વહીટદારની કામગીરીને લઈને એક નહીં પરંતુ તેમના ઘણા બધા કામોને લઈને પ્રશ્ન ઉઠાવ્યા હતા. આ અંગે ખેરાલુ મામલતદારે વહેલી તકે વહીવટદારની કામગીરીની ચકાસણી કરીને કાર્યવહી કરવી રહી….