હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ભરૂચ, કચ્છમાં વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં અત્યાર સુધીમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જો કે, બનાસકાંઠા અને પાટણમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હોવાના કારણે પાણી ભરાવવાની ઘટનાઓ ઘટી નથી. જો કે, બીજી તરફ મહેસાણા સહિત કલોક-છત્રાલમાં ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઇ ગયું હતું. જો કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 ઓગસ્ટ સાંજથી લઈને 28 ઓગસ્ટ બનાસકાંઠા-પાટણવાસીઓ માટે ભારે રહી શકે છે. તેથી કામ વગર ઘર બહાર જવું ટાળવું જોઈએ. તે ઉપરાંત તમારા ઘરની આસપાસ પાણી ભરાતા હોય તો રાત્રે સાવધાન રહેવું પણ જરૂરી છે.
આ પણ વાંચો- ગુજરાતમાં મેઘતાંડવથી અત્યાર સુધીમાં 15નાં મોત; 23000થી લોકોને સલામત સ્થળે ખસેડાયા
ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડવાના કારણે અનેક મુસાફરોએ પણ હાલાકી ભોગવવી પડી છે. અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિના કારણે 22 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ ટ્રેનોને પણ અસર થઈ છે. રાજ્યમાં અનેક રસ્તાઓ નદીઓ બનતા 433 એસટી બસો રદ કરવામાં આવી છે, જેના કારણે 2081 ટ્રિપ રદ થઈ ગઈ છે. સૂરત, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં મોટાભાગની એસટી સેવા અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં એક નેશનલ હાઈવે, 33 સ્ટેટ હાઈવે, 44 અન્ય, 557 પંચાયત સહિત કુલ 636 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.
વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને તેની આસપાસના રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે 30 લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે આણંદ અને ગોધરા થઈને અમદાવાદ તરફ 36 ટ્રેનો આવી રહી છે. વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે. જ્યારે પણ ભારે વરસાદના લીધે નદીના પાણી શહેરમાં ઘૂસે છે. ત્યારે મગરો શહેરના માર્ગો પર જોવા મળે છે. હાલમાં મગરોની વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેક્સ્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.