રાજ્યમાં મેઘરાજાએ ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના દરેક ભાગમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 170 તાલુકામાં 2થી 14 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મોરબીના ટંકારામાં વરસ્યો 14 ઈંચ વરસાદ વરસ્યો. તે ઉપરાંત પંચમહાલના મોરવાહડફમાં પણ 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યના 11 તાલુકામાં 12 ઈંચથી વધારે વરસાદ નોંધાયો. નડિયાદમાં 13, બોરસદ અને વડોદરા શહેરમાં પોણા 13 ઈંચ, આણંદ અને પાદરામાં 12.5 ઈંચ, ખંભાત, ગોધરા, વાંકાનેર અને તારાપુરમાં પણ 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. વસો, સોજીત્રા અને માંડવીમાં પણ 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. બાલાસિનોર, મોરબી, નખત્રાણા, પેટલાદમાં 9 ઈંચથી વધુ વરસાદ રહ્યો. રાજકોટ, ખંભાળિયા, ગલતેશ્વર, કાલાવડમાં 8.5 ઈંચ વરસાદ રહ્યો. શહેરા, સંતરામપુર, મહેમદાબાદ, મહુધા, મેઘરજમાં 8 ઈંચ વરસાદ નોંધાયો. ધોળકા, લીમખેડા, માતરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો.
ગુજરાતમાં મેઘરાજાની સિસ્ટમને કારણે અનેક તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 251 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં મેઘ મહેર થઈ છે. આ કારણે કચ્છના માંડવી-કંડલા બંદર પર 3 નંબરનો સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત પર વરસાદની ત્રણ સિસ્ટમ બની છે. મધ્યપ્રદેશ- રાજેસ્થાન વચ્ચે ડીપ ડિપ્રેશન બન્યું છે.
ગુજરાત/કચ્છ તરફ ડીપ ડિપ્રેશન આવે તેવી શક્યતા છે. ડીપ ડિપ્રેશનના કારણે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી છે. ગુજરાતના કાંઠા પર મોટો ખતરો ઝુંળંબી રહ્યો છે, ત્યારે કચ્છ સહિતના તમામ વિસ્તારોના પોર્ટને એલર્ટ કરાયા છે. કચ્છના તમામ બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. માંડવી કોટેશ્વર જખો સહિતના તમામ બંદરો ના માછીમારોને સલામત સ્થળે તેમની હોડીઓ લાંગરી દેવાની સૂચનાને પગલે મોટાભાગના માછીમારો પરત આવી ગયા છે.
રાજ્યભરમાં કેટલો થયો સિઝનનો વરસાદ?
કચ્છ 116.79 ટકા
દ.ગુજરાત 108.20 ટકા
સૌરાષ્ટ્ર 101.52 ટકા
મ.ગુજરાત 98.74 ટકા
ઉ.ગુજરાત 79.99 ટકા
ગુજરાતના 433 રસ્તાઓ બંધ
રાજ્યભરમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે એસ.ટી બસ પરિવહનને માઠી અસર પડી છે. વરસાદને લઈ રાજ્યભરના 433 રૂટ બંધ હાલતમાં છે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડાનાં રૂટ ઉપર માઠી અસર થઈ છે. રાજ્યમાં 433 રૂટ બંધ કરતા 2081 ટ્રીપ કેન્સલ થઈ છે. કુલ 14512 રૂટ પૈકી 433 રૂટ બંધ તેમજ 40515 ટ્રીપ પૈકી 2081 ટ્રીપ બંધ છે.