દેવાંગ આચાર્ય; અમદાવાદ: રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના બાદ ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લઈને રાજ્ય સરકારે મોડેલ રૂલ્સ બનાવ્યા છે. રૂલ્સના ફાઈનલાઈઝેશન સુધી મેળાઓને વચગાળાની ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવામાં આવે છે. ત્યારે ગત ઓગસ્ટથી રાજકોટમાં વિખ્યાત જન્માષ્ટમી મેળો શરૂ થવાનો હતો. જો કે વરસાદને કારણે તે સ્થગિત રહ્યો હતો. રાજકોટના આ મેળામાં રાઇડ્સ માટે બીડ ભરનાર અરજદારે મેળો શરૂ થતાં પહેલાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે તેને મેળામાં રાઇડ્સ નાખવા માટે સૌથી વધુ રકમની બીડ 1.29 કરોડની ભરી છે. જેના રૂપિયા પણ ભરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે ઓથોરિટીએ તેની સમક્ષ રાઈડસ શરૂ કરવા માટે 44 શરતો મૂકી છે. જેની અંદર આ રાઈડસની મેન્યુફેક્ચર ડીટેલ અને જીએસટી બિલ પણ માંગવામાં આવ્યું છે. જો કે સમગ્ર ભારતમાંથી જુદી જુદી જગ્યાએથી રાઇડ્સ લાવીને તેને એસેમ્બલ કરવામાં આવે છે. ત્યારે ઉપરોક્ત માંગેલી બાબત ઓથોરિટીને આપવા માટે અમને સમય આપવામાં આવે. આ સમગ્ર મેળો રાજકોટ જિલ્લા કલેકટરના સુપરવિઝનમાં થઈ રહ્યો છે. તેઓ જ મંજૂરી આપે છે અને આ લીસ્ટ PWD ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલ છે.
અરજદારની અરજી ઉપર નિર્ણય લેવા માટે ઓથોરિટીને કોર્ટે નિર્દેશ આપ્યા હતા. આજે આ અંગે કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું તે અરજદારોએ ફોર્મ A જમા કરાવ્યા વગર જ મંજૂરી માંગી હતી. વળી જે કાગળો ખૂટતા હતા અને જરૂરી હતા તેને રજૂ કરવા માટે 05 દિવસનો સમય માગ્યો હતો. તેમ છતાં ઓથોરિટી દ્વારા અરજદાર ની અરજી નકારી નાખવામાં આવી નહોતી. તેના માટે જ શનિ-રવિ ઓથોરિટીની ઓફિસ ખુલ્લી રહી હતી. જ્યારે અરજદારે જણાવ્યું હતું કે તેમને ઓફિસમાં જ જવા દેવામાં આવ્યા ન હતા, બહાર બેસાડવામાં આવ્યા હતા. પહેલા પોલીસ કમિશનરને અરજી આપવા કહેવાયું જેથી કમિશનર ઓફિસ ગયા ત્યારે પોલીસ કમિશનર અમદાવાદથી રાજકોટ આવતા હતા. બાદમાં અમને લાઇસન્સ બ્રાન્ચમાં અરજી આપવા કહેવાયું હતું.
જો કે રાજકોટ મેળામાં ભારે વરસાદનું વિઘ્ન નડતા તેને રદ્દ કરાયો હતો. સરકારી વકીલે જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં અરજદારના ડિપોઝિટના પૈસા જપ્ત કરવાની કોઈ શરત નિયમોમાં નથી. પહેલા બે દિવસ બધું બરોબર ચાલ્યું હતું પરંતુ ત્રીજા દિવસથી મેળો બંધ કરાયો હતો. સરકારી વકીલે કહ્યું હતું કે અરજદારો પાસે પૂરતા દસ્તાવેજ જ ના હોય તો ઓથોરિટી કેવી રીતે મંજૂરી આપે ? અરજદાર સાથે 04 વિભાગોની મીટીંગ રાખવામાં આવી હતી. ઓથોરિટીએ અરજદારોના પ્રશ્નોના નિરાકરણ માટે શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો હતો. આ મિટિંગમાં રોડ એન્ડ બિલ્ડીંગ, નવા નિયમો મુજબની ડિસ્ટ્રિક્ટ રાઇડ સેફટી કમિટી અને લાઇસન્સિંગ બ્રાન્ચ જેવા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અરજદારે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા કલેકટરે મેળાના દરેક સ્ટોલ ધારકને પૈસા પરત આપવા મૌખિક જણાવી દીધું છે. આ દરેક સોલ્ધારક લાઇસન્સની રાહ જોતા હતા. જો કે આ પૈસા ક્યારેય પરત આપવામાં આવશે તેની કોઈ સમય સીમા દર્શાવવામાં આવી નથી. જેથી કોર્ટે આ મુદ્દે સરકારી વકીલને ઓથોરિટીની સૂચનાઓ મેળવીને સુનાવણી પરમ દિવસે રાખી છે. ઉલ્લેખનીય છે કે આ ચર્ચા દરમિયાન કોર્ટે સરકારી વકીલને જણાવ્યું હતું કે તેઓ નિયમોમાં બાંધછોડ કરવાનું નથી કહેતા. પરંતુ અરજદારની માંગ અને સેફ્ટીને કોઈ સીધી સાંકળતી બાબત ના હોવાથી અમે તમને નિર્ણય લેવા માટે કહ્યું હતું.
જો કે સરકારી વકીલે જણાવ્યું હતું કે અરજદારે જે નિયમોમાં છૂટછાટ માગી તે સલામતી સાથે સીધી રીતે સંકળાયેલ છે. કારણકે અરજદારે જે રાઇડ્સ રાજસ્થાનથી મંગાવીને રાજકોટના મેળામાં લગાવવાની વાત કરી હતી. તે રાઈડસ આખા ભારતમાં ફરતી હોય છે અને તે જૂની છે. જેથી જવાબદારી નક્કી કરવા અમે અરજદાર પાસેથી રાઇડ્સ ઉત્પાદકના નામ, સરનામા, કોન્ટેક નંબર અને ઉત્પાદન તારીખ માંગી હતી. જેથી કરીને કઈ રાઇડ્સને મંજૂરી આપવી કે નહીં તે નક્કી કરી શકાય. કોઈ રાઇડ્સ માટે અરજદાર દ્વારા આવી માહિતી આપવામાં આવી નથી. તેમ છતાં અમે તેમની બાહેધરી ઉપર શરતી છૂટછાટ આપવા તૈયાર હતા. વળી અરજદારોએ સાવ કેઝ્યુઅલ રીતે ફોર્મ ભર્યા છે. ફોર્મની અંદર રાઈડ્સ ઓપરેટરમાં અભણ વ્યક્તિઓ દર્શાવ્યા છે. તો અમે કેવી રીતે મંજૂરી આપીએ!